________________
અંબુજાને બતાવતી બોલી, ‘આ હીરો ચૂસું એટલી જ વાર છે. પછી આ આત્માને કશી આળપંપાળ નહીં રહે, અને આ દેહ રાજા દર્પણનો બની જશે.'
અંબુજા ગળગળી થઈ ગઈ. એ બોલી, ‘બહેન ! દર્પણને માફ કર. બંધુની વાસનાની વેદી પર મારું આખું જીવન મેં બરબાદ કર્યું છે. એને ખાતર હું જીવતી મરેલી થઈને આ સપ્તભૂમિકા પ્રાસાદમાં રહું છું. બહેન, કૃપા કર ! મારે ખાતર...’
દર્પણનો દુષ્ટ આત્મા વેરાઈ ગયેલી હિંમત ફરી એકઠી કરી રહ્યો હતો. જે અંતઃપુરને એ મોજમજાનું ધામ સમજતો હતો, એ એને માટે આજે શિક્ષણનું ધામ બની ગયું હતું ! અને રમકડાં જેવી અંગનાઓ જેને પોતે રમાડવાની હોંશ રાખતો, એ એને રમાડી રહી હતી - મહાન દર્પણને, અપ્રતિરથ દર્પણસેનને ! મંત્રધર ગર્દભિલ્લુને !
થોડીવારે રાજા સ્વસ્થ થયો. એણે ચીસ જેવા સ્વરે કહ્યું, ‘સરસ્વતી ! તારી વલે અંબુજા જેવી કરીશ, ત્યારે જ જંપીશ !'
‘અવિનમાં હવે બીજી અંબુજા તને ન મળે, એની ચોકી કરવાનો મેં નિરધાર કર્યો છે. જોઉં છું, તું એને હવે કેવી રીતે વધુ રંજાડી શકે છે ? હું પણ એ જ ભાઈની એવી જ બહેન છું. લોઢા સામે લોઢું છે.’ અંબુજાએ પડકાર ફેંક્યો.
દર્પણ આગળ વધ્યો; વળી પાછો હઠઠ્યો. આજ ન જાણે કેમ, પણ એની હિંમત ગાળિયા બળદ જેવી બની હતી. જરાક આગળ વધી કે પાછી બેસી જાય. અંબુજાએ દર્પણને આગળ વધતો રોકવા કટારી સંભાળી ! સરસ્વતીએ હીરો હાથમાં ગ્રહ્યો.
262 – લોખંડી ખાખનાં ફૂલ
35
સ્ત્રીશક્તિનો પરચો
થોડીએક પળો એમ ને એમ સ્તબ્ધતામાં પસાર થઈ, પછી રાજા દર્પણ
સરસ્વતી તરફ આગળ વધ્યો.
‘રે સરસ્વતી ! તું મારાથી લેશ પણ ડરતી નથી ?' રાજા દર્પણે પ્રશ્ન કર્યો. એણે પોતાની શક્તિમાં આજે પહેલી જ વાર અશક્તિનાં દર્શન કર્યાં.
‘લેશ પણ નહિ’ સરસ્વતી એને તુચ્છકારતી બોલી, ‘જાણે છે કે મડા પર વીજળી ન પડે. હું તો ક્યારની મરી ચૂકી છું. તું મારો અંતિમ સંસ્કાર કર; એની જ હું રાહ જોઉં છું !'
“રે દુષ્ટા ! હું તને નષ્ટભ્રષ્ટ કરી નાખીશ. મને ઓળખે છે ?' દર્પણે વળી કદમ ઉઠાવ્યાં.
અંબુજા એનો માર્ગ રોકી ઊભી રહી, અને વીનવવા લાગી, ‘ભાઈ ! સંસારમાં કોઈને ન સાંપડે એવી શક્તિ તને સાંપડી છે. એ શક્તિનો સદુપયોગ કર. કૂવો પોતાનું પાણી પોતે ન પીવે, ધરતી પોતાનું ધાન્ય પોતે ન આરોગે, વાડ ચીભડાં ન ખાય.'
ન
દૂર થા, ઓ વ્યભિચારિણી !' દર્પણે અંબુજાનો તિરસ્કાર કર્યો.
‘દર્પણ ! તેં સાચું કહ્યું. વ્યભિચારી દર્પણની ભોગિની અંબુજા વ્યભિચારિણી જ કહેવાય. પણ એટલું યાદ રાખ કે મારા જીવતાં તું સરસ્વતીને સ્પર્શ પણ કરી શકીશ નહિ. બીજી કોઈ શીલવાન સ્ત્રીને વ્યભિચારિણી બનાવી શકીશ નહિ, અમે બેઠો બળવો કરવાનો નિર્ધાર કર્યો છે.' અંબુજા હવે ખરેખરી ઉશ્કેરાઈ ગઈ હતી. ‘કરીશ, કરીશ અને કરીશ ! મને રોકનાર તું કોણ ?' દર્પણ એકદમ આગળ
વધ્યો.