________________
જવાબ ન મળતાં રાજાને ભયંકર ઝનૂન વ્યાપ્યું. એણે એ સ્ત્રીને ખતમ કરવા કટારી ફેંકી.
સ્ત્રીએ આગળ વધીને છટાપૂર્વક ફૂલનો કંદૂક ગ્રહે તેમ કટારી પોતાના કરમાં ગ્રહી લીધી.
રાજા આગળ વધ્યો. એ સ્ત્રી પણ સામે આવી. એણે મોં પરથી ઘૂંઘટ હટાવી દીધો.
‘ઓહ, કોણ અંબુજા ?” રાજા બે ડગલાં પાછો હઠ્યો. એને લાગ્યું કે આજે કોઈ અપશુકન એને થયા હોવા જોઈએ. લાખેણો માણસ કોડીનો થઈ ગયો !
‘અંબુજા !’ રાજાએ ગુસ્સામાં કહ્યું, ‘મૂર્ખ !’
‘દર્પણ !’ અંબુજાએ સામે એટલી જ તીવ્રતાથી જવાબ વાળ્યો, ‘પશુ !’
‘ઓહ ! અંબુજા ! આ તારું પર્યંત્ર ! સુનયના, અલકા બધાં તારી ગોઠવેલી શેતરંજનાં પ્યાદાં ! રે છોકરી, કાલક તરફ તારો છૂપો પ્રેમ મારી સામે પડ્યત્ર તો નથી રચી રહ્યો ને ? સ્ત્રી કોની થઈ છે, તે આજે થશે ?' રાજાએ આખી પરિસ્થિતિનો તાગ કાઢ્યો હોય તેમ કહ્યું.
‘કાલક તરફનો છૂપો પ્રેમ નહિ, પણ શીલ અને સત્ય તરફનો મારો ચાહ મને આ કરવા પ્રેરી રહ્યો છે.
‘તારું શીલ હું જાણું છું. દેહ મને આપ્યો, અને દિલ કાલકને આપ્યું.' દર્પણે બહેનને ઢીલી પાડી દે, એમ કહેવા માંડ્યું. એ વચનના ઘા કરવામાં પણ વીર હતો.
‘દર્પણ ! તું અંધ થયો છે, નહિ તો મારી અર્પણની ભાવનાની કદર કરી શક્યો હોત. હલકામાં હલકો દાસ જ દિલ અને દેહને જુદાં જુદાં વહેંચી શકે છે. બાકી ખરી રીતે તો જ્યાં દિલ અપાય ત્યાં જ દેહ અપાય. તું જાણે છે કે મેં તનેભાઈને મારો ભરથાર કર્યો ! કેટલું પાપ આચર્યું ! આ બધું કોની ખાતર, જાણે છે ? કેવળ તારી જ ખાતર, તને ખુશ કરવા ખાતર ! સમજ્યો ? કાગને ઉડાવવા મેં હીરો ફગાવ્યો. અને નગુરા ! તને તેની કિંમત નથી.' અંબુજાના શબ્દોમાં ક્રોધ અને અનુકંપા બંને ભર્યાં હતાં.
‘પાપ અને પુણ્ય એ તો ઠાલી વાતો છે ! સમર્થને પાપ છબતું જ નથી. અગ્નિને આભડછેટ અડે છે ?' દર્પણે વાત વાળી લીધી.
‘વ્યર્થ ગુમાન ન રાખ, દર્પણ ! કંઈક સમજ. કંઈક વિચાર !’ અંબુજા પ્રાર્થના કરતી હોય તેમ બોલી.
‘મને સરસ્વતી બતાવ.' રાજાએ કહ્યું.
સરસ્વતીને જોઈને તું શું કરીશ ?' અંબુજાએ પૂછ્યું.
260 D લોખંડી ખાખનાં ફૂલ
‘એને મારી શય્યાભાગિની બનાવીશ.' રાજાએ કહ્યું. ‘ઓ નિર્લજ્જ ! દેવમંદિરમાં ગાયની હત્યા કરીશ ?’
‘હું મંદિર, દેવ અને ગાય કશામાં માનતો નથી, પાપ અને પુણ્યમાં માનતો નથી. પવિત્ર અને અપવિત્રમાં હું સમજતો નથી. વસ્તુ વાપરવાથી પવિત્ર કે અપવિત્ર થતી હોય તેમ સ્વીકારતો નથી. કાલક કહેતો કે વસ્તુ નહીં, વૃત્તિનો વિચાર કર. વૃત્તિથી વસ્તુ પવિત્ર કે અપવિત્ર બને છે.' રાજાએ વાત ઉડાવતાં કહ્યું.
ગધેડાને મોંએ કેસરનો ચારો નાખ્યો હોય, તો કેવી વિડંબના થાય, એનું તું ઉદાહરણ છે. કાલકે કહ્યું કંઈ, દર્પણને દેખાયું કંઈ. વાહ રે મારા બુદ્ધિશાળી ભાઈ!’ અંબુજા ભાઈને ધર્મોપદેશ આપી રહી.
‘ઓ સાધુડી ! મને સરસ્વતી બતાવ !’
‘નહીં બતાવું.’ અંબુજાએ મક્કમતાથી કહ્યું.
એકાએક પાછળનું દ્વાર ખૂલ્યું અને એમાંથી એક સ્ત્રી બહાર નીકળી આવી અને વીજળી કડાકો કરે એમ બોલી, ‘હું છું સરસ્વતી !’
‘રે સરસ્વતી ! તું અંદર ચાલી જા. મને દર્પણનો સામનો કરવા દે. મારા પછી તારો વારો.' અંબુજાએ સરસ્વતીને બહાર આવતી રોકતાં કહ્યું,
“બહેન ! વચ્ચેથી તું ખસી જા ! દર્પણનું જોર મારા દેહ પર છે. મને પણ દેહ બંધનરૂપ લાગે છે. જપ, તપ ને વ્રતથી હું એને ધીરેધીરે ગાળવા માગતી હતી, આજે હું એને એક ઝપાટે દૂર કરી દઈશ. સ્મશાનમાં માણસનાં હાડને કૂતરો ચૂસે છે. અહીં મારાં હાડને એ ચૂસશે. આવ, દર્પણ અહીં આવ ! લે, તારે દેહ જોઈએ છે ને ?'
દર્પણ ઘડીભર ઠરી ગયો. સરસ્વતીના મંડાયેલા મસ્તકની આજુબાજુ તેજનાં વર્તુળ રચાતાં હતાં.
‘આવ ! દર્પણ, આવ ! તારે મારો દેહ જોઈએ છે ને ? તારે એને શય્યાભાગી બનાવવો છે ને ? લે, મારો દેહ તૈયાર છે. આમ આવ !' સરસ્વતી આગળ વધી. માતા જાણે કોઈ છોકરાને રમકડું આપવા આગ્રહ કરતી હોય, એમ એ આગ્રહ કરી રહી.
દર્પણ તેજવિહીન બની ગયો. એ આગળ વધવા મથતો હતો, પણ જાણે એના પગમાં ખીલા ઠોકાઈ ગયા હતા ! ન એ આગળ વધી શક્યો, ન એ પાછળ હઠી શક્યો. જ્યાં હતો ત્યાં જ સ્થિર થઈ ગયો, જાણે કોઈએ એના ઉપર સ્તંભનવિદ્યા અજમાવી ન હોય !
સરસ્વતી બે ડગલાં આગળ વધી. એણે પોતાની કમરે રહેલો ઘેરો કાઢ્યો. મ્યાનનાં મૂલ ઘણાં – 261