________________
બિચારું નિર્દોષ સાબર ! વનની લીલોતરી ચરનારું ને કોઈને હેરાન ન કરનારું ! પણ એની નિર્દોષતા જ એના નાશનું કારણ બની ! એટલે તો લાગે છે કે સંસારમાં ફૂંફાડો જરૂરી છે.
પણ અહીંની પ્રજાને સાબરમાંથી સિંહ થવાની ભાવના જ નથી. એ ભાવના કોઈ કરે તો એને ઘેલો ઠરાવે. એટલે એક રીતે આ સાબરોએ જ સિંહોને અન્યાયી, અધર્મી ને આતતાયી બનવા પ્રેર્યા છે. જાણે સિંહને કોઈ પાપ પાપ નહિ, અધર્મ અધર્મ નહિ ! શું સાબર સિંહ ન થઈ શકે ? શું પવિત્રતા પશુતાને પડકારી ન શકે?”
આચાર્યની નિર્ણાયક શક્તિએ જવાબ વાળ્યો :
‘આજે તો એ શક્ય નથી. આજે તો પ્રજા એ પ્રજા, રાજા એ રાજા, સાબર એ સાબર, વાઘ એ વાઘ.’
આ વાઘોની સરમુખત્યારીને કોણ પડકાર આપે ? આચાર્ય વિચાર કરી રહ્યા. ને એકાએક એમના મુખમાંથી અવાજ નીકળ્યો : ‘... હું... હું !' સામેથી વનકેસરીનો પડકાર આવ્યો : ‘ઘૂ..ઘૂ..ઘૂ.’
આચાર્યને વાઘનો અવાજ નબળો લાગ્યો, પોતાના અવાજ માં એનાથી વધુ સામર્થ્ય ભાસ્યું. એ ટટ્ટર થયા.
સમય થતો હતો. એમને લાગ્યું કે આસાયેશ માટે સારા વાસસ્થાનમાં જવાની જરૂર છે.
મનમાંથી કોઈ બોલ્યું : “ચાલો નગરમાં !”
તરત દિલની લાગણી બોલી : ‘હવે નગર એ મારે માટે સ્મશાન બન્યું છે. સ્મશાન એ મારું વાસસ્થાન બન્યું છે.”
મને ફરી પ્રશ્ન કર્યો : ‘ઉપાશ્રયમાં જવામાં શી હરકત છે ?”
દિલે તરત જ કહ્યું : “સંઘ વગરનો ઉપાશ્રય કેવો ? અને વીરત્વ વગરનો સંઘ કેવો ? એ તો હાડકાંનો માળો !”
આચાર્યે ઊભા થવા પ્રયત્ન કર્યો, પણ શરીરમાં હજી પૂરી સ્કૂર્તિ નહોતી આવી.
આચાર્ય કાલક ફરી એક રાત અને એક દિવસ એમ ને એમ પડ્યા રહ્યા. ચોથે દિવસે એમની ચેતના બરાબર જાગ્રત થઈ.
આચાર્ય જ્યાં સૂતા હતા, એ પૃથ્વી હવે એમને ગરમ લાગવા માંડી. અંગારાની ઉપર પગ મુકાઈ ગયો હોય, એમ એ ખડા થઈ ગયા. જાણે કોઈ એમને કહી રહ્યું હતું :
230 | લોખંડી ખાખનાં ફૂલ
‘ઓ ક્ષત્રિય ! પૃથ્વીરૂપી ગાય કસાઈવાડે ગઈ છે. જાગ, અને તારો ક્ષત્રિયધર્મ અદા કર !”
આચાર્ય આગળ વધ્યા. એમણે ઘેઘૂર પીપળાની નીચે જઈને ઉપર જોયું તો, જાણે આભ રોતું લાગ્યું. કોઈ ભવ્ય પ્રતિમા આકાશપટ પર ઊભી ઊભી કહી રહી હતી :
‘ઓ કાષ્ઠપાત્રધારી સાધુ ! નિરર્થક ભિક્ષા માગવાનો ભાર વહેવો મૂકી દે. સત્યને ખાતર સમર્પણ થઈ જા ! જિંદગીભર ઢીલો ઢીલો ધર્મ આચરીશ તોય આટલી જલદી મુક્તિ નહીં સાંપડે. જપ અને તપને નામે પાપ સામે પીઠ ફેરવીને નિષ્ક્રિય બનીને ઊભો રહીશ તો એમાં તારું ભલું નહીં થાય !”
આચાર્ય કાષ્ઠની જેમ સ્તબ્ધ બનીને ઊભા રહ્યા, અંતરમાં જાણે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રનું ભીષણ યુદ્ધ જાગ્યું હતું.
દૂર ઘુવડ પોતાની બોલી બોલી રહ્યો હતો.
આચાર્યના જ્ઞાનપરાયણ ચિત્તમાં અશ્વત્થામા યાદ આવ્યો બ્રાહ્મણનો પુત્ર, મહાગુરુ દ્રોણનો વારસ, બળથી પાંડવોનો નાશ કરીને વેરની તૃપ્તિ ન કરી શક્યો, તો રાતે છાનોમાનો પાંડવોના તંબૂમાં પેસી ગયો. પાંડવોના સૂતેલા તમામ પુત્રોનો સર્વનાશ કરી નાખ્યો ! લોહીનાં સાટાં લીધે છૂટકો !
વેર વિર ! વર ! જાણે દિશાઓમાંથી પોકારો પડ્યા. સ્મશાનની ચિતાઓમાંથી પણ જાણે વેરનો પોકાર કરતી જ્વાલાઓ ભભૂકી ઊઠી, સૂતેલાં મડાં પણ ખડાં થઈને જાણે આદેશ કરવા લાગ્યાં.
| ‘ભસ્મીભૂત કરી નાખ તારી સાધુતાને આ મસાણમાં ! ને ખાખ ચોળીને જગાવે તારા ક્ષત્રિયત્વને !”
આચાર્ય ધૂણી ઊઠ્યા, જાણે કાયામાં પ્રેમપ્રવેશ થયો. રૂંવે રૂંવું સોયની જેમ ખડું થઈ ગયું ને પછી આચાર્ય ભૂતાવેશવાળા માણસની જેમ પોતાનાં સાધુતાનાં ચિહ્નો અળગાં કરી નાખ્યાં. એ બધાનું પોટલું બાંધીને એ પીપળાના ઝાડ પર ચડ્યા અને ઊંચી ડાળે જઈને એને લટકાવ્યાં, અને દિશાઓના દિગૂપાલોને સંબોધીને બોલતા હોય તેમ બોલ્યા :
‘ઓ સાધુપદ, ગુરુપદ, આચાર્યપદ ! તમારું પોટલું બાંધી, તમને પીપળે લટકાવીને આજે જાઉં છું. મારે કાજે સત્યનો ગજ ટૂંકો ન બનો. સત્યને-સાધુતાને મારા આચરણના ગજથી માપવાની ભૂલ કોઈ ન કરો ! ઓહ ! મને સરસ્વતીની ચીસો સંભળાય છે. આતતાયીના પંજામાં પડેલી એ કબૂતરીની કાગારોળ લઈને દિશાઓમાંથી પવન વહ્યો આવે છે ! મને એ બાળે છે, મને વ્યગ્ર બનાવે છે. જોઉં
પ્રતિશોધનો પાવક 1 231