________________
30
પ્રતિશોધનો પાવક
પ્રભાતિયો તારી આથમણા આભમાં હતો. સ્મશાનમાં જલતાં મુડદાંઓના અંગારા ચારે તરફ વેરાયેલા હતા, ચિતાની રાખમાં શ્વાન હૂંફ લેતા પડ્યા હતા ને વારંવાર માંસ અને રુધિરના આસ્વાદ માટે અસ્થિ ચૂસવાના પ્રયત્નમાં પરસ્પર લડી પડતો હતો.
સંસારના વિષયી જીવોની જેમ એમને ખબર નહોતી કે હાડકામાં તો કંઈ રસ નથી. જે માંસને ૨ક્તનો આસ્વાદ આવે છે એ એમના મોંમાંથી જ નીકળતાં રુધિરમાંસનો છે ! આ શ્વાનની જેમ જ સંસારના વિષયી જીવો એમ માને છે કે અમે ભોગ ભોગવીએ છીએ, પણ ખરી રીતે ભોગ એમને ભોગવતા હોય છે.
| વિશ્વમાં રૂ૫ તો એનું એ રહે છે, પણ જોનારી આંખો ઝંખવાઈ જાય છે. અન્નભંડારોમાં અન્ન તો એટલાં જ ભરેલાં રહે છે, પણ એને ખાનારું પેટ ખલાસ થઈ જાય છે ! ફૂલ તો એનાં એ બગીચામાં ખીલ્યાં કરે છે; પણ એને સૂંઘનારની હસ્તી ખોવાઈ જાય છે !
ગલગલિયાં કરનારા પદાર્થો એના એ છે; પણ એના સ્પર્શ કરનારો જ શોધ્યો જડતો નથી !
મહેલ, હવેલી ને માળિયાં ધરતીકંપ સામેય અડોલ રહે છે, પણ એમાં વસનારો, મહેલોનો નિર્માતા સ્મશાનનો સાથી બની જાય છે !
પહાડને તોડનારા હાથ એક દહાડો મોં પર બેઠેલી માખને પણ ઉડાડવાને શક્તિમાન રહેતા નથી !
જેનાથી સંસાર ઊજળો હતો, જેની હસ્તિ દુનિયાને શોભારૂપ હતી, જેના ગળામાં રોજ માનપાનના હાર ખડકાતા, જેના ચરણ લોકો રોજ ચૂમતા, એ આજ પ્રાણવિહીન બની જતાં એનાં બાળતાં ન બળેલા હાડને લોકો ખોળી ખોળીને ઊંડા
જળને હવાલે કરતા હતા !
શ્વાનને મળેલાં હાડકાંની જેમ સંસાર બધો નાશવંત અને નીરસ છે. અમર તો માત્ર દેહની અંદર પાહુણો બનીને બેઠેલો પ્રાણ જ છે ; છતાં સંસારમાં નકલીની બોલબાલા છે. અસલની ઓળખ કોઈને ગમતી નથી. સ્મશાનમાં શ્વાન અહીં આવતા હરકોઈ જીવને આ બોધપાઠ આપે છે કે લોકો એ બોધપાઠ લે પણ છે. છતાં ઘેર પહોંચતા જ એ બધી વાતો ભૂલી જાય છે. આવી માયાવી હોય છે સ્મશાનની સૃષ્ટિ!
એ માયાવી ધરતીમાં નિચેતન થઈને પડેલા આર્ય કાલક ત્રીજે દિવસે કંઈક ભાનમાં આવ્યા. થોડી વાર આંખ ઉઘાડી ચારે તરફ નજર ફેંકી એમણે વિચાર્યું :
ઓહ ! જગત આખું સ્મશાન બની ગયું કે શું ? ન્યાય, નીતિ ને ધર્મનો દેવતા હોલવાય, પછી તો રાખના ઢગલા જ રહે ને ?'
- આચાર્યના મગજ પર હજી શ્રમની અસર હતી, આઘાતના ઘા હજી એ જ રીતે દૂઝતા હતા.
ફરી એમણે આંખ મીંચી લીધી, પીપળનાં પાન ખડખડ હસી રહ્યાં, મીઠી હવા વહી રહી.
થોડી વારે આચાર્ય ફરી જાગ્યા, અને સ્મૃતિને ખોજી રહ્યા,
હા. આર્ય કાલક ! સંઘનો આચાર્ય. ૨ આચાર્ય ! કાલે તારા પગ પૂજાતા, તારા ઊંચા થયેલા વરદ હસ્તની આશિષ માટે લોકો તલસી રહેતા. એ મહાન ઉપાશ્રય, એ પ્રભાવશાલી સંઘ, એ મહામહિમ શાસન, એ બધું ક્યાં ગયું ? શું એ બધું વાદળની છાયા જેવું કે મૃગજળની માયા જેવું મિથ્યા હતું ?'
આટલો વિચાર કરતાં કરતાં તો આચાર્ય થાકી ગયા. શિયાળિયાં ચારે કોરથી બહાર નીકળી રહ્યાં હતાં ને કિકિયારીઓ કરી વનવગડો ગજાવી રહ્યાં હતાં. એટલામાં એકાએક વાઘની ગર્જના સંભળાણી, હવામાં એના આગમનની ગંધ પ્રસરી રહી. વાઘનાં પગલાં પૃથ્વી પર ગાજી રહ્યાં. ફરી ગર્જના આવી !
અને બધાં શિયાળવાં ચૂપ થઈ ગયાં, લપાઈ ગયાં, જાણે હતાં ન હતાં થઈ ગયાં !
વાઘે અંધારામાં ફાળ ભરી. ઝાડીમાં નિરાંતે બેઠેલા મોટા સાબરનો ભક્ષ કર્યો. સાબરના તરફડતા દેહનું ૨ક્તપાન કરી વાઘ ચાલ્યો ગયો.
થોડી વારમાં શિયાળવાં બહાર નીકળી પડ્યાં, એ દોડ્યાં. ભક્ષ માટે અંદરોઅંદર લડી પડ્યાં.
આચાર્ય શીણ નજરે આ દૃશ્ય જોયું. એમને વિચાર આવ્યો : સાબર એ પ્રજાનું રૂ૫, શિયાળ એ અમલદારનું રૂ૫; વાઘ એ રાજાનું રૂપ !
પ્રતિશોધનો પાવકે 1 229