________________
‘મહામુનિ ! વચન પર, મન પર સંયમ રાખો ! સંયમ એ સાધુનું લક્ષણ છે.” સંઘે કોપમૂર્તિ થતા જતા આર્ય કાલકને વારવાનો પ્રયત્ન કર્યો.
‘રે વૈશ્યો ! જ્યારે અત્યાચારીને પડકારવાનો હોય, ત્યારે એની ખુશામત કરવી, એ સંયમ ગણાતો હોય, તો એને હું તિરસ્કારું છું. ગાયને કસાઈના હાથે કપાતી જોઈ તમે શાંતિ રાખવાનું કહો, સ્ત્રીને જુલમીના હાથે નષ્ટ-ભ્રષ્ટ થતી જોઈને તમે ખામોશી રાખી રહો, તો હું તમને માણસ નહિ, હેવાન જ કહું. તો પછી કીટપતંગના અને તમારા જીવન વચ્ચે કશો ફેર નથી.' આચાર્ય કાલ કના શબ્દોમાં વડવાનળની આગ ઝગી હતી.
સાધુ છો. તમારે આગળ ઉલાળ નથી. પાછળ ધરાળ નથી. જાઓ તમે પોતે જાઓ. ઉપદેશ દઈને સુધારવાનો સાધુધર્મ તમારો છે. રાજાને પ્રતિબોધ આપો, એને સમજાવો, પછી ખબર પડશે કે કેટલી વીસે સો થાય છે. બોલવું તો બહુ સહેલું છે; પણ કંઈ કરી દેખાડો તો તમને ખરા ગણીએ.' સભાજનો ઊકળી ઊઠ્યા. તેઓએ આમન્યા તોડી.
‘તમારી વાત સાચી છે. તમે જ્યારે ઘેટાનાં ચામડાં ઓઢીને ઊભા રહેશો, ત્યારે છેવટે મારે જ વાઘ બનવું પડશે. ઇચ્છા તો એવી હતી કે શુળીનો ઘા સોયથી પતી જાય, પણ તમે એવા સુંવાળા બન્યા છો, કે સોયની અણીથી પણ ડરો છો ! જુઓ ત્યારે હવે હું તૈયાર થાઉં છું. કાર્ય સાધયામિ વા દેહ પાતયામિ.' આચાર્ય એકદમ ઊભા થઈ ગયા. ધજાદંડ જેવો એમનો દેહ ટટ્ટાર થઈ ગયો.
‘ગુરુદેવ ! રાજાએ પડકારીને કહ્યું છે કે ઓ ઉદરડાઓ ! જોઉં છું કે કયો માડીજાયો બિલાડીની ડોકે ઘંટ બાંધવા આવે છે !' કલ્યાણદાસે કહ્યું.
આચાર્ય બોલ્યા : “ કલ્યાણદાસ ! દારૂ પીધેલો મસ્તન ઉંદરડો, અન્ય ઉંદરડાઓની કમજોરીથી પોતાને બિલાડો સમજી બેઠો હોય છે ! કંઈ ચિંતા નહિ, હું પોતે જ હવે રાજદ્વાર પર જાઉં છું.”
‘જવું હોય તો જાઓ, ન જવું હોય તો ન જાઓ, કરવું હોય તે કરો, પણ અમને વચ્ચે ન નાખો. અમારું નામ ન લેશો. સાધુબાવા છો. તમે કાલ ચાલ્યા જ શો, અમારે અહીં રહેવાનું છે.” સભાજનોમાંથી કેટલાએકે કહ્યું, તેઓને રાજભય ધ્રુજાવી રહ્યો હતો.
| ‘ચિંતા ન કરશો. તમારા ઊંચા આવાસોને, તમારા સુવર્ણને, તમારાં સ્ત્રીસંતાનને લેશ પણ હાનિ પહોંચે તેવું કંઈ પણ મારાથી થશે નહિ. એ સુવર્ણ, આવાસો તમારા આત્માને ખાવા ધાય, ત્યાં સુધી ભલે સલામત રહે. તમારો ધર્મ ભલે જોખમમાં હોય, તમારાં હાડપિંજર સલામત રહો, એ મારી પણ ઇચ્છા છે. તમે
216 | લોખંડી ખાખનાં ફૂલ
વિશ્વાસ રાખજો : તમારું શૂરાતન ભલે હણાઈ જાય, પણ તમારું કાયરતાભર્યું જીવન તો અબાધિત રાખવાનું નહીં ચૂકું.’ આચાર્ય બોલ્યા.
| ‘મુનિવર, આપ તો ક્ષમાશ્રમણ છો, સમતાના સાગર છો; એટલે રાજાજીને ક્રોધથી નહિ, પ્રેમથી સમજાવજો . કદાચ સમજી જાય. આમ તો એ બહુ ઉદાર અને વિદ્વાન ગણાય છે.”
‘તમારા રાજા વિશેની તમારી માન્યતા તમને મુબારક ! કાયર સભાજનો ! રાજાએ મારા દેહ પર ઘા કર્યો હોત, તો હું એને માફ કરત; તમે ત્યાં મારી સાધુતાનાં પારખાં લઈ શકત. કદાચ સરસ્વતીની હત્યા કરી હોત અને મારી પાસે લાચારી બતાવી હોત, તોય હું માફ કરત; પણ સ્ત્રીના, તેમાંય એક સાધ્વીના હરણને ધર્મના જીવંત મોતને હું કોઈ રીતે માફ કરી શકતો નથી. જો આમ થાય તો અરણ્યમાં વસનારાં સાધુ-સાધ્વી સ્વસ્થ રહી શકે નહિ : ધર્મની અવ્યાબાધ મર્યાદા સાથે ગમે તે ચેડાં કરવા લાગે.'
આચાર્યે પોતાની પડખે પડેલો દંડ હાથમાં લીધો અને એક કદમ આગળ બઢાવતાં બોલ્યા :
‘રાજા પાસે રાજ દંડ હોય છે, સાધુ પાસે ધર્મદંડ હોય છે. પહેલાં તો હું સ્નેહથી, સૌજન્યથી, ધર્મની દુહાઈથી એને સમજાવવા પ્રયત્ન કરી જોઈશ.”
‘અને એથી નહિ માને તો ?’ કલ્યાણદાસે પોતાની શંકા વ્યક્ત કરી.
તો પછી તમારી જેમ હું પણ નફો-નુકસાનનો હિસાબ કરીશ. પણ એ હિસાબ તમારા હિસાબ કરતાં જુદો હશે. સરસ્વતીને માનપુરઃસર છોડવાથી કેટલી ઇજ્જત મળશે અને નહિ છોડવાથી કેટલી બેઆબરૂ પ્રાપ્ત થશે, એ હું રાજાને સમજાવીશ.”
‘તો પણ નહિ સમજે તો ?” કલ્યાણદાસના દિલમાં રહેલી શંકા ફરી પ્રશ્ન કરી બેઠી.
| ‘તો... કલ્યાણદાસ ! સભાજનો ! સાંભળો. સાવધાન થઈને મારો નિરધાર સાંભળી લો. કોઈ અનુચિત વસ્તુને સ્વીકારી લેવામાં જેમ આપણી નાનપ છે, એમ આવા અધર્મ કાર્યને બરદાસ્ત કરવામાં હું જીવતું મોત માનું છું હું ક્ષત્રિયબીજ છું, જગત આખું વૈશ્ય બનીને જ્યારે લાચાર થઈને ખડું રહેશે. ત્યારે હું ફરી મારો ક્ષત્રિય તરીકેનો ધર્મ અદા કરીશ.”
‘આચાર્યદેવ ! હજાર હજાર માનવીઓનું બળ એની એકની ભુજાઓમાં ધરબાયેલું છે. એ મંત્રધર પુરુષ છે. જે કંઈ પગલું ભરો તે પરિણામનો વિચાર કરીને ભરજો, જેથી પાછળથી પસ્તાવાનો વખત ન આવે અને બાવાના બેય બગડ્યાં જેવું ન થાય !' સંઘે ફરીથી પોતાનું શાણપણ પ્રગટ કર્યું.
હાડકાંનો માળો B 217