________________
એક પ્રચંડ જ્યોત અને જ્વાલા એ દિવસે બુઝાઈ ગઈ. દૌલતાબાદના કબ્રસ્તાનમાં, અદના મુસલમાન ફકીરોની કબર પાસે આ મહાન ફકીર બાદશાહને દાટવામાં આવ્યો ! કબ્રસ્તાનની એ કબર પર લીલું હરિયાળું ઘાસ ઊગી નીકળે, એટલી વારમાં તો મોગલ સિંહાસન ભયંકર ધડાકાઓથી હચમચી ઊઠ્યું ! બાપે વાવેલું, તે દીકરાઓને લણવાનું આવ્યું ! કરી કમાણી પાણીમાં જવા બેઠી.
મહાન બાદશાહના ત્રણ મોજુદ પુત્રો-મોઆજમ, આજમ ને કામબખ્ત
બાપની ગાદી માટે લડવા મેદાને પડ્યા. દેવળમાં એવા દેવની પ્રતિષ્ઠા થવાની હતી કે જે પોતાનાં લોહીનાં સગાંઓના પૂરેપૂરા લોહીથી અભિષેક કરે : અને બન્યું પણ એમ જ. બે સગા ભાઈઓને યેનકેન રીતે સંહારી શાહજાદો મોઆજમ ‘શાહઆલમ બહાદુરશાહ' નામ ધારણ કરી ગાદીએ બેઠા !
દુનિયાનો ઘાટ તો જુઓ. એકનું મરણ ને બીજાનું જમણ ! હજાર હજાર નદીઓનાં પૂરને ખાળીને બેઠેલો આલમગીર બાદશાહરૂપી બંધ દૂર થતાં, બધી નદીઓ પોતપોતાની રીતે ખળખળ વહી રહી ! ન જાણે કાલે એમને કોઈ બંધન ન હતું ને આજે તેઓ કોઈ બંધન સ્વીકારતા નથી, એવી સ્વેચ્છાચારિતા સાથે !
બંધ તોડીને વહેતાં પાણીને-પોતાની રીતે ખાળવા નવા મોગલ બાદશાહ બહાદુરશાહે બધી તરકીબો કરી. એ પણ પ્રતાપી પિતાના હાથ નીચે તૈયાર થયેલો પુત્ર હતો. એણે રજપૂતો, મરાઠા, જાટ સાથે યુદ્ધ ખેલ્યાં હતાં. એણે નેક, બહાદુર ને મુસદ્દીવટથી ભરેલા કાબુલના હાકેમ મુનીમખાંને પોતાનો વડો વજીર બનાવ્યો ! પોતાના ભાઈઓને ખતમ કરી, એણે મહારાષ્ટ્ર તરફ નજર કરી. રાજા અને દીવાને મળી એક અજબ દાવપેચ લડાવવાની પેરવી કરી. જ્ઞાનતંતુનાં એ યુદ્ધ હતાં, પગે કમાડ વાસવાની એ રાજકીય કરામતો હતી !
પિતાની કેદમાં છત્રપતિ સંભાજીનો પુત્ર સાહુ હતો. મોગલ શહેનશાહ બહાદુરશાહે એને અનેક શુભેચ્છા સાથે મુક્ત કર્યો અને કહ્યું :
‘જાઓ ! બાપનું રાજ ભોગવો.’
આ વખતે મહારાષ્ટ્રમાં રાજારામ છત્રપતિ ગાદી પર હતો અને મોગલ બાદશાહનો મોકલ્યો સાહુ છત્રપતિ થઈને આવ્યો. એક દેશમાં બે રાજા ! કોઈ પણ અને કેવા પણ રાજકીય આગેવાનને ભલા કે બૂરા પણ પક્ષને વિપક્ષ મળી જ રહે છે. તરત જ બે પક્ષ પડ્યા-એક રાજારામનો. બીજો સાહનો.
મરાઠા સરદારોમાં પણ બે ભાગ પડ્યા. તેઓ રાજા વિનાનું રાજ ચલાવી શક્યા, પણ રાજા આવતાં ફરી વિખવાદ શરૂ થયો. આ ઘરના ઝગડામાં મોગલ
શાહજાદો અકબર પોતાના મહાન પિતાના પહેલાં ત્રણ વર્ષે ઈરાનમાં જ સ્વર્ગે સંચર્યો હતો. 140 D બૂરો દેવળ
સલ્તનતના લોહને ગાળીને મીણ કરી નાખવાની આવેલી તકને મરાઠા વીરોએ ગુમાવી દીધી. હિન્દની પાદશાહી સ્થાપવાની અણમોલ તક ફરી એક વાર ઘરના ઝઘડામાં હાથમાંથી સરી ગઈ.
બહાદુરશાહ ને તેનો બાહોશ વજીર મુનીમખાં પોતાનો પાસો સફળ રીતે ફેંકાયેલો જોઈ રાજી થયા. વધારામાં તેઓએ નવી નવાજેશ કરતાં કહ્યું : ‘મરાઠાઓને ચોથનો હક રહેશે.'
મહારાષ્ટ્રવાસીઓ ખુશ ખુશ થઈ ગયા. વધારામાં મોગલ દરબારે કહ્યું : ‘આ ચોથ ઉઘરાવવાનું કામ પણ મોગલો કરશે.'
‘વાહ, આ તો ઘેર બેઠાં ગંગા !' મરાઠા મુસદ્દીઓ મૂછો ઊંચી કરીને ફરવા લાગ્યા. પણ આ લાભમાં જ મરાઠા સરદારો મોગલ મુસદ્દીઓ પાસે હાર ખાઈ ગયા.
એ ઘેર બેઠા, એટલે સુંવાળા થયા, આળસુ થયા. વિલાસી થયા. પ્રજા સાથે એનો જીવંત સંપર્ક તૂટી ગયો. બીજા દેશ પરથી એમનો પ્રભાવ પણ હટી ગયો. પ્રતિકૂળતાઓ જેનો પ્રાણ હરી ન શકી, એનો પ્રાણ અનુકૂળતા ખેંચી ગઈ ! આમ મોગલ બાદશાહ અને વજીરે પોતાની અજબ ચાલથી મહારાષ્ટ્રનો ભય તત્કાલ પૂરતો દૂર કરી દીધો.
હવે મોગલ મુત્સદ્દીઓએ રજપૂતાના તરફ લક્ષ ફેરવ્યું. રજપૂતાનામાં ઉદયપુર, જોધપુર ને જયપુરનાં ત્રણ બલવાન રાજ્યો હતાં. બાદશાહને એમાં ઉદયપુરનો મોટો ડર હતો. એણે વર્ષોથી દિલ્હી દરબાર સામે પોતાનું વલણ અણનમ રાખ્યું હતું. વીર પૂજાના કદરદાન મોગલ બાદશાહ ને મોગલ વજીરે ઉદયપુરને સ્વતંત્ર જાહેર કર્યું !
જોધપુરને પણ સ્વતંત્ર જાહેર કર્યું, પણ એને માથે શાહી ફોજનો કર નાખ્યો. જયપુર માથે એથી વધુ ભારે શરતો નાખી એનેય આઝાદ કર્યું, અર્થાત્ જેણે જેટલું મિયાંઉ કર્યું તેટલું દૂધ તેને મળ્યું !
આ વખતે પંજાબમાં શીખોનો બળવો ફાટ્યો. બાદશાહને એ તરફ લક્ષ આપવું પડવું. આ તરફ જોધપુર ને જયપુરે પોતાની માગણીઓ મોટી કરી. જોયું કે અત્યારે મારતે મિયાંનું કામ છે.
રાજા અજિતસિંહ વીર રાઠોડોને લઈને જોધપુર પર ચઢી ગયા. ત્યાંનો મોગલ સૂબો જીવ લઈને નાસી ગયો. નવા રાજાનો રાજ્યાભિષેક થયો. ભારે ઉત્સવ ઉજવાયો.
રાઠોડ સરદારોએ અને જોધપુરની પ્રજાએ એ દિવસે ત્રીસ વર્ષનો જંગ ખેડ્યા બાદ પોતાનો રાજા મેળવ્યો. મારવાડમાં આનંદ પ્રસરી રહ્યો. સહુ કહેવા લાગ્યા : એકનું મરણ-બીજાનું જમણ – 141