________________
થોડી વાર બધા આ અગ્નિકાંડ જોતા આજુબાજુ ફર્યા. એક સવાર સાથે દરબારમાં ખબર કહાવ્યા.
વખત વીતતો ચાલ્યો.
‘અરે, રાઠોડો તો આપણને હાથતાળી આપી ભાગી છૂટ્યા ! થોડી વારે એક ચાલાક મોગલ સરદારના નજરમાં બધી વસ્તુસ્થિતિ આવી ગઈ. તરત જ રાઠોડોની ચાલાકીની દરબારમાં જાણ કરવામાં આવી. દુર્ગાદાસને ઠેકાણે પાડવાની જેણે કબૂલાત આપી હતી, એ સફદરજંગ બાબી પોતે ઘોડે ચઢ્યો. એના પુત્રો, એનું લશ્કર એની પાછળ ધાયું.
વાતાવરણમાં દિલ્હીના શાહજાદાનો કાલસંદેશો ગાજી રહ્યો.
‘દુર્ગાને જીવતો યા મરેલો પકડો ! મહાન દગાખોર ! લુચ્ચો ! કાયર ! કાફર !' શાહજાદાના હૈયામાં જે હતું, એ આ રીતે આખરે હોઠે આવ્યું. સહુને દુર્ગાદાસની અગમચેતી માટે માન થયું. કોઈ કહેવા લાગ્યું કે રાવજીને કોઈ દેવી સાધ્ય છે, અગમની વાતો આગળથી ભાખી જાય છે,
એ દિવસે દુર્ગાદાસના રાઠોડી ઘોડાંએ અરબી ઘોડાંનાં પાણી ઉતારી નાખ્યાં. પણ આખરે મોગલો આંબી જાય તેટલા નજીક આવી પહોંચ્યા. આ વખતે દુર્ગાદાસના વીર પૌત્ર અનુપસિંહે કહ્યું :
દાદાજી ! હું શત્રુસેનાને ખાળું છું. આપ આગળ વધી જાઓ !'
દુર્ગાદાસે ઘોડો દોડાવતાં અઢાર વર્ષના એ પૌત્ર સામે જોયું. પોતાના પુત્ર તેજકરણનો એ પુત્ર ! અમદાવાદ નીરખવાના ઉમંગથી ઘેરથી સાથે આવેલો. મોં પર માતાનું દૂધ પણ સુકાયેલું નહિ ! કાન્તિ તો ઝગારા મારે !
‘તું નહિ બેટા ! તેં હજી દુનિયાય જોઈ નથી. એ તો અમે છીએ ને પહોંચી વળીશું.’
‘ના દાદા ! તમને ઊની આંચ આવે તો પરાધીન મારવાડ પરાધીન જ રહે, છતે સૂરજે અંધકાર પ્રસરે ! મારા કાકાઓને પણ રોકવા નથી. સહુને ઘેર રાહ જોનાર છે. મને કુંવારાને અપ્સરાને વરવાનું મન છે. સાત મણના સફદરખાંની મૂછોનો વળ આજ ઉતારું તો લોકો કહેશે, કે દીવા પાછળ દીવો જ પ્રગટે છે ! રામરામ બાપુ !'
વાર્તાનો વખત નહોતો. સમજાવટનો સમય નહોતો. સફદરખાં રાઠોડના મોતને મૂઠીમાં લઈને ધસ્યો આવતો હતો. આજની એની નાકામયાબી અને ઘણા લાભથી દૂર કરનારી હતી !
રાઠોડોનાં ઘોડાએ વળાંક લીધો. વળાંકમાં થોડાં ઘોડાં રોકાઈ ગયાં, બાકીના આગળ ગયાં !
134 D બૂરો દેવળ
જોતજોતામાં સફદરખાં સાથે ભેટો થઈ ગયો. મોખરે અઢાર વર્ષનો છોકરો આગેવાની લઈને ઊભો હતો. પાછળ મરણિયા રાઠોડો હતા. પહાડ જેવો સફદરખાંએ ઘા કર્યો, પણ અનુપસિંહે એ બરાબર ચુકાવ્યો. એણે સામે બરછી ચલાવી. સફદરખાં તો કુશળ હતો, પણ મહમ્મદ અશરફ ધુરની નામનો વિખ્યાત યોદ્ધો ઘાયલ થઈ હેઠે પડ્યો.
મુઠ્ઠીભર રાઠોડોએ ભયંકર યુદ્ધ જમાવ્યું. આખી મોગલસેના ત્યાં થોભી ગઈ. મૂછાળા નરોની મૂછોના વળ ઊતરી જાય, એવું યુદ્ધ જામ્યું. દુર્ગાદાસના પોતરાએ તો કમાલ કરી.
આ તરફ દુર્ગાદાસ આબાદ છટકી ગયા. ઊંઝા-ઉનાવામાં રાત ગાળી, સવારે પાટણ પહોંચી થરાદ રસ્તે મારવાડમાં ઊતરી ગયા !
એ દહાડે અનુપસિંહ રાઠોડોના શૌર્યનો અનુપમમહિમા દાખવ્યો અઢાર વર્ષના એ કેલૈયા કુંવરની વીર ગાથાઓ મારવાડમાં ઘેર ઘેર ગવાવા લાગી. એ દેવ થઈને શૂરાપૂરાના દેવળમાં બેસી ગયો. એની પૂજા માનતા થવા લાગી.
ફરી પાછા એના એ દિવસો આવ્યા. ફરી દુર્ગાદાસ મેદાનોમાં ઘૂમવા લાગ્યા ! મોગલથાણાં ફરી માળામાં પંખી થથરે એમ થરથરવા લાગ્યાં.
મહારાજા અજિતસિંહ પણ દુર્ગાદાસને સાથ આપવા મેદાને પડ્યા, તોફાની વાયરા ફરી વેગથી વાઈ રહ્યા !
દુર્ગાદાસની એકાદશી – 135