________________
એ દુર્ગાદાસ ! એના બાપનો પૂત કપૂત ! વિદ્વાન બાદશાહને એક જૂનો કિસ્સો યાદ આવ્યો. મારવાડપતિ જસવંત પાસે એનો બાપ આસકરણ નોકરી કરે. આસકરણને દુર્ગાદાસ અને એની મા સાથે ન બને ! નાનો એવો દુર્ગો મા પરનો અન્યાય જોઈ બાપ સામે બાખડે ! બાપે મા-દીકરાને ઘરમાંથી હાંકી કાઢવાં !
મા-દીકરો ખોબા જેવડા મારવાડના લુવાણા ગામમાં જઈને રહ્યાં. દીકરે ખેતી આદરી. માની સેવા આદરી. આનંદથી રહેવા લાગ્યો. રાજદરબારનાં ઘેબર-ખાજાં
કરતાં ગામડાના રોટલો આચાર મીઠાં કર્યાં.
એક વાર એક માથાભારે રાયકાનું કમોત થયું. ઊભા મોલે ઊંટ ચરાવતો આ રાયકો ન બોલવાનાં વેણ બોલી ગયો. એમાં પણ પોતાના સ્વામી જોધપુ૨૨ાજ માટે ગમે તેમ બક્યો. રાવ દુર્ગા કોનું નામ ! છલાંગ દઈ સાંઢણી ઉપર ચઢ્યો, રાયકાને પછાડી નીચે નાખ્યો. પળ વારમાં એના પ્રાણ લીધા ! રાયકાને રાવ દુર્ગાના રૂપમાં યમરાજ ભેટી ગયા.
ફરિયાદ ગઈ જોધપુરના દરબારમાં. ફરિયાદીએ ધા નાખી કે “મહારાજ ! આસકરણસૂને રાયકાને હણ્યો !'
મારવાડરાજે આસકરણને બોલાવ્યા, કહ્યું : ‘તમારા પુત્ર રાજનો ગુનો કર્યો છે !' આસકરણે કહ્યું : ‘મહારાજ ! મારા જેટલા પુત્રો છે, એ તમામ રાજની સેવામાં છે. બાકી બીજો મારે કોઈ પુત્ર નથી !'
મારવાડપતિએ તરત ગુનેગારને પકડી લાવવા સિપાઈ મોકલ્યા. ગુનેગાર હાજર થયો. કેવો ગુનેગાર ? પહોળા દાઢી-મૂછના કાતરા, ઢાલ જેવી છાતી, લાંબા આજાનબાહુ, બરછીની અણી જેવાં નેત્ર ને દેવની પ્રતિમા જેવું દેહસૌષ્ઠવ ! આ જોઈ મહારાજ જસવંત પહેલી તકે ફીદા ફીદા થઈ ગયા. અરે ! આ તો દુશ્મનના હાથીને ખાળવા સામે મોંએ દોડાવવા જેવો જુવાન ! શત્રુની સેનાને ખાળવા દેહની દીવાલ બનાવી શકે એવો નરબંકો !દુર્ગાએ પોતાના ગુનાની સફાઈ રજૂ કરતાં કહ્યું : *મહારાજ ! માણસ પોતાની જાત પુરતી ગાળ સાંખી શકે. નબળો હોય તો કદાચ મા-બાપની પણ સાંખી લે, પણ દેશ, દેવ અને રાજાની ગાળ કદી ન સાંખે ! અને સાંખે તો એને માટે એ દેશનાં અન્નજળ ઝેર સમાન ગણાય !'
ન
મારવાડરાજ ખુશ થયા. એમણે કહ્યું : “અરે ! તું કોનો પુત્ર છે !' ‘રાઠોડ ! આસકરણનો !'
‘આ દુનિયા તો જુઓ ! બાપ કહે, મારો બેટો નથી. બેટો કહે મારો બાપ છે ! રે ! આસકરણને બોલાવો, એ તો કહે છે કે મારે રાજની ચાકરી કરનાર સિવાય બીજો કોઈ દીકરો જ નથી !'
92 D બૂરો દેવળ
રાવ આસકરણને તરત હાજર કરવામાં આવ્યા. એમણે દુર્ગા તરફ જોઈ મોં ફેરવી નાખ્યું ! રાજાએ પ્રશ્ન કર્યો : કે રાવ આસકરણ ! ખોટું બોલ્યા ને !'
‘મહારાજ ! ખોટું નથી બોલ્યો ! કપૂતને પોતાનો પૂત કોણ કહે ?'
‘કોણ આ દુર્ગો કપૂત ! આસકરણ ! આ દુર્ગામાં હું ભારે દૈવત નીરખું છું. એનો ચહેરો, એનો સીનો, એની ભાષા, એના વિચારો, મને કહી રહ્યા છે કે કોઈ વાર મારવાડનો નબળો વખત આવશે, ત્યારે એને એ ટેકો આપશે, આજથી એનું નામ રાજની ચાકરીમાં નોંધવામાં આવે છે !'
આ રાવ દુર્ગાદાસ ! મારવાડના કોઈ પણ ગઢ કરતાં અણનમ ! કપૂતનો સપૂત નીકળ્યો ! ભલે એ દુશ્મન હોય, પણ દુશ્મન તો મેદાનમાં !
જ્યારે મારો પુત્ર અકબર ! સપૂત કપૂત ! મેં એના પર કેટ-કેટલી આશાઓ રાખેલી ! સર્વ ફોગટ ગઈ !
આલમગીર થોડી વાર થોભી રહ્યો ! આભના સિતારા સામે જોઈ રહ્યો. એને ત્યાં દુર્ગાદાસને બદલે જાણે પોતાનો પિતા શાહજહાં દેખાયો ! સરયૂ નદીના પ્રવાહ પર, તાજમહેલના ગુંબજો પર ચઢીને એનું ભૂત પોકાર કરતું કહેતું હોય તેમ લાગ્યું -
‘તું કોને કપૂત કહે છે ! તું પોતે જ પૂત કપૂત છે !'
‘હું કપૂત છું ?” આલમગીર ફરી વિચારમાં પડી ગયો. એ વિચારવા લાગ્યો કે મેં એવું શું ખરાબ કર્યું, જેથી મને કપૂત કહેવામાં આવે. હું એક મુસલમાન છું. એક ખુદા ને એક કિતાબમાં માનનારો છું. હું એક સાચો મુસલમાન વર્તે એમ વર્તો છું. મેં એવું શું કર્યું, જે મારે માટે અયોગ્ય હતું ! જેથી હું પૂત કપૂત કહેવાઉં ?' બાદશાહ જરિયાની જાળીને થોભીને ઊંડા વિચારમાં ઊતરી ગયો : એ જાણે અલ્લાના દરબારમાં પોતાના ગુનાની સફાઈ રજૂ કરતો હોય તેમ મનોમન કહેવા લાગ્યો :
‘આલમગીરને માટે ખુદા પહેલો છે, ખલ્ક પછી છે. મજહબ પહેલો છે, દુનિયાની નિયામતો પછી છે. આલમગીરે જે દુનિયા જોઈ એ કેવી હતી, એ કોણ જાણે છે ? એ દુનિયામાં દીનપરસ્ત લોકોને માટે ઠામ કે ઠેકાણું નહોતું. ઈમાન પર કુનું જોર હતું. શહેનશાહ અકબરના વખતથી હિંદુઓ ઊંચા હોદ્દા પર ગયા હતા, એનો પણ વાંધો નહોતો પણ, તેઓએ મુસલમાનોને દબાવવા શરૂ કર્યા હતા. તેમને માટે શુક્રવારની નમાજ ને જમાઅત દુરસ્ત નહોતી રહી. શહેનશાહ જહાંગીરની નરમી અને એશઆરામે મુસલમાનોના વિરોધીઓને બળવાન બનાવ્યા હતા. ખુદ બાદશાહે નરસીંગ બુંદેલાને—અબુલફજલને મારવાના ઇનામ તરીકે મથુરામાં મંદિર બાંધવાની રજા આપી હતી અને એ મંદિર અબુલફજલના કાફલાની લૂંટના પૈસાથી બંધાયું હતું ! અને પછી તો એ પ્રવાહ પ્રબળ બન્યો હતો. એ મંદિરોમાં મુસલમાનો પૂત કપૂત ને પૂત સપૂત D 93