________________
‘એક વખત તમે હા કહો. બાબરશાહના પવિત્ર કસમ ખાઈને કહો કે જલતી જ્વાળામાં ઘેરાયેલા મોગલ સિંહાસનને બચાવવા હું શહેનશાહ બનીશ. પછી જુઓ ભારતની આન ને શાન ! પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ, માત્ર દિલ્હીશ્વરનું જ રાજ હશે. હિંદુ-મુસલમાન ભાઈ ભાઈ હશે ! ન લડાઈ હશે, ન તોફાન હશે. આખા દેશમાં ફરી રાજા નૌશેરવાન ને પરદુઃખભંજક રાજા વિક્રમનું રાજ્ય પ્રસરશે ! વાઘબકરી એક આરે પાણી પીશે. ફક્ત તમે હા ભણો, બાકીની વાત રજપૂતોની ખાનદાની પર છોડો !'
શાહજાદો ભારે વિચારમાં પડી ગયો હતો. એનો દિલાવર આત્મા બાપદાદાના સિંહાસન માટે આલમગીર જેવા ભયંકર પિતાની સામે થવા પોકાર કરી રહ્યો. એકબેના અહિતમાં આખા હિંદનું હિત હતું, મોગલ વંશની ભલાઈ હતી.
રાણાજીએ આગળ ચલાવ્યું :
*નામદાર ! એક વાર હા કહો, સંધિ તો જુઓ, આજ રાઠોડ સિસોદિયા ને આપનું લશ્કર એકઠું મળે તો સિત્તેર હજારની સેના ખડી થાય તેમ છે. આલમગીરીની સેના ચિતોડની લડાઈમાં ઘણી ખતમ થઈ છે ! આજ હા કહો, કાલે બાદશાહની ખબર લઈ નાખીએ !”
‘રાઠોડ વીર ! સિસોદીઆ રાણા ! આજ હું પેટછૂટી વાત કરું છું, બાદશાહની નીતિનો હું હંમેશાં વિરોધી રહ્યો છું. ને એથી જ બાદશાહ પોતાના પુત્રો પર પણ ભરોસો નથી રાખતા. પિતાજી શિક્ષક તરીકે બરાબર, સેનાપતિની રીતે બેજોડ, ધર્મવેત્તા તરીકે વિશિષ્ટ, પણ મનુષ્યોના અંતઃકરણ પર રાજ કરવાની એમને આવડત નથી ! કાશી વિશ્વનાથનું મંદિર, સોમનાથનું મંદિર, મથુરાનું મંદિર તોડી પિતાજીએ ધર્મની ધજા નથી બાંધી, પણ બંડનાં ફરમાન જારી કર્યા છે.” શાહજાદાની જબાન સાચી વાત બોલતી હતી.
‘એ બાદશાહ છે, મૌલવી નથી, એ વાત વારંવાર ભૂલી જાય છે. વ્યાઘચર્મ પર ભલે સૂએ, જાતે ભલે મજૂરી કરે, ભલે ગંગાજળ પીએ, પણ એ બધી માણસના વ્યક્તિગત ચારિત્ર્યની વાત છે, બાદશાહીની નહિ, બાદશાહને ગાવું બજાવું પણ હોય, અત્તર – ગુલાબ પણ હોય, કલાકારીગરી પણ હોય !' દુર્ગાદાસે કહ્યું.
‘પિતાજી દીર્ઘદ્રષ્ટિ જરૂર છે, પણ પોતે કરેલાં કર્મોના પડછાયા તેમને ડરાવે છે. અમે તેમની સેવામાં રહેવા માગીએ ત્યારે વારંવાર લખે છે : ‘હવાને બગાડનારી મહત્ત્વાકાંક્ષાના ધુમાડા જેવી બીજી કોઈ ખરાબ ચીજ નથી !” તેઓને ડર છે કે પોતાને પગલે પોતાના પુત્રો તો નહિ ચાલે ને !' શાહજાદો અકબર હવે ખીલ્યો હતો.
| ‘અરે, તેમણે તો રાજનાં કામ લખનારા લહિયાઓને પણ દૂર* કર્યા છે. કોઈએ પૂછ્યું તો કહ્યું કે “માણસે પરમેશ્વરનું સંકીર્તન લખવું સારું. મારા જેવા
82 D બૂરો દેવળ
સાધારણનાં કામ લખવાં ઠીક નહિ.” એમ કરીને એમને દુનિયાના મોંએ દાટો મારવો છે ! પણ ગોળાના મોંએ ગરણું બાંધી શકાશે. દુનિયાના મોંએ ગરણું બંધાશે નહિ, ભાઈસાહેબ !”
‘હું તો એક વાત માનું. એમણે બંને પ્રજાને એકભાવે જોવી જોઈએ. તેઓ ધારતા હોય તો પણ ત્રણ ચતુર્થાશ હિંદુ પ્રજાને કદી ઇસ્લામી નહિ બનાવી શકે.” એકબરે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો. ‘કુરાનનાં વચનો ભાલે બાંધી, એક વાર મુસલમાનોને ઉમેરી શકાય, પણ હરવખત એમ ન બને !'
‘બિલ્લીબાઈ રોજ થી ચાટી ન શકે. કહો. નામવર, ફરી અકબરી સુરાજ્ય જમાવવા આપ તૈયાર થાઓ છો ને ? તમામ આકાશી બલાઓ પણ આપને પાછા નહિ ફેરવી શકે !”
‘તમે કહો છો, તો પવિત્ર પૂર્વજોના પ્રતાપી સિંહાસનની રક્ષા ખાતર હું શહેનશાહ થવા તૈયાર છું. આ કાંટાળો તાજ ધારણ કરવાની હા કહું છું. પ્રતાપી મોગલ સિંહાસનને બચાવવા જતાં મને કોઈનો ડર લાગવાનો નથી, કોઈની શેહ કે શરમ નડવાની નથી. કર્તવ્ય પાસે, હું પિતાની પણ પરવા કરતો નથી !' શાહજાદા અકબરે દૃઢ રીતે કહ્યું. એના મુખ પર પ્રતિજ્ઞાનું દૈવી તેજ ચમકતું હતું.
| ‘પણ એક વાત, રાવ દુર્ગાદાસ ! ઇષ્ટદેવના સોગન ખાઈ ને કહો કે તમે મને કદી નહિ છોડો ને ! આ તો પિતાજી જેવા બળિયા સામે બોકરી બાંધવાની વાત છે. તખ્ત પણ મળે, તખ્તો (ફાંસી) પણ મળે. રાવ દુર્ગાદાસ, તમે, રાણાજી ને સહુ રજપૂતો મારા સુખદુ:ખના સાથી બની રહો, એમ હું ઇચ્છું છું.'
| ‘ઇષ્ટદેવની સાખે શપથ લઉં છું. દુર્ગાદાસ તમને નહિ છોડે. સુખમાં કે દુઃખમાં, જીવનમાં કે મૃત્યુમાં.' રાવ દુર્ગાદાસે કહ્યું : ને પછી ઊભા થઈને સહુને ઉદ્દેશીને બોલ્યા :
‘પિતાની ચિંતા ન કરશો. આપના પિતાએ પોતાના ભલા ને વયોવૃદ્ધ પિતા માટે શું કર્યું? તું ? નામદાર ! આપણે ભૂંડા થઈશું, તો પણ એટલા ભૂંડા નહિ થઈ શકીએ. સહુ સરદારો એક વાર ઊભા થઈને કહો : ‘હવે અમે શાહજાદા અકબરને મોગલ શહેનશાહ તરીકે માન આપીએ છીએ, વફાદારી આપીએ છીએ, ઇજ્જત બક્ષીએ છીએ.'
સર્વ સરદારો તલવાર મ્યાન બહાર કરી, બે હાથમાં પકડી, છાતી પર આડી ધરી, મસ્તક નમાવી રહ્યા !
ઇતિહાસ એક નવું સોનેરી પાનું ચીતરી રહ્યો.
શઠં પ્રતિ શાઠચમ્ 83