________________
રાજકારણી શેતરંજ પર કેવા પાસા ઢાળ્યા છે ! મરાઠાનો એક રાજ કુમાર મોગલ દરબારની કેદમાં હતો. એ જ પાંજરામાં આ નવો પોપટ પુરાશે. આલમગીરને પોતાના શેતરંજ-ખેલની ઉસ્તાદી પર પોતાને શાબાશી આપવાનું મન થઈ આવ્યું.
પોતે પણ દિલ્હી આવી ગયો ને કાબુલથી એ પોપટ પણ આવી ગયો. ફક્ત એની સાથે આવેલા ને જોધપુરથી આવતા સરદારોને ખુશ કરવાના બાકી હતા. એ કામ આજે પતી જશે !
આલમગીર બાદશાહના મુખ પર વિસ્મયસૂચક સ્મિત ફરકી રહ્યું. એની સાથે એ રાઠોડોનો સર્વનાશ નીરખી રહ્યો. રાઠોડ ગયા, એટલે પછી સિસોદિયાનો વારો ! મરાઠાઓને પકડમાં તો લીધા જ છે, જાટનું થોડા વખતમાં જ ડાબીટ નીકળી જશે.
આમ આલમગીર બાદશાહ પોતાના ફેંકેલા પાસાનું સિંહાવલોકન કરી રહ્યો હતો, ત્યારે જોધપુરથી પોતાના સાથીઓ સાથે આવતા. વીર દુર્ગાદાસે દિલ્હીમાં પ્રવેશ કર્યો. રાજા રૂપસિહની હવેલીમાં પહોંચી રાજ માતાને મળ્યા. એમને મળતાંની સાથે દુર્ગાદાસની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહી રહ્યા.
રાજમાતાએ કહ્યું : ‘દુર્ગાદાસ ! પતિની પાછળ સતી ન થવાનો અધર્મ, આ બાળકોને ખાતર જ મેં સેવ્યો છે. મેં એને જન્મ આપ્યો, હવે તમે જાળવજો. જાળવીને એને સિંહાસન પર બેસાડજો.’
દુર્ગાદાસે ગદ્ગદ કંઠે કહ્યું : ‘સતીમા ! આ દેહમાં રક્ત ને શ્વાસ હશે, ત્યાં સુધી અમારા રાજાને આંચ આવવા નહિ દઈએ : પણ આપે એમને સદા સાથ આપવાનો છે. મભૂમિની માતાઓ સતી થઈ જાણે છે, તેમ શત્રુને સતાવી પણ જાણે છે, એ બતાવી આપવું પડશે. આપણે ભયંકર પ્રપંચજાળમાં ઘેરાઈ ગયાં છીએ. જોધપુરની ગાદી ઇન્દ્રસિંહ રાઠોડને આપવામાં આવી છે. રાઠોડે રાઠોડને લડાવી મારવાનું ભયંકર કાવતરું રચાયું છે. શેષ રહેલા સરદારોને મનસબની મોહિનીમાં ફસાવ્યો છે. આલમગીર બાળરાજાને અહીં કેદ કરી રાખશે.
સતીમા બોલ્યાં : ‘દુર્ગાદાસ ! રજપૂતાણી છું. લાવો, મને તલવાર બંધાવો. હું પણ તમારી સાથે લડતી લડતી મરવા માગું છું.'
‘મા ! મરવામાં તો રજપૂતીને મોજ આવે છે, પણ આજે તો જીવવામાં કર્તવ્યધર્મ સચવાય તેમ છે. દુશ્મન બળનો નથી, કળનો છે, ખીચી મુકંદદાસ !” દુર્ગાદાસે જરા જોરથી અવાજ કર્યો.
અવાજની સાથે એક લાંબો, સૂકો પ્રચંડ યોદ્ધો ખડો થઈ ગયો. એની દાઢીના થોભિયા વીખરાઈ રહ્યા હતા. એની આરક્ત આંખોમાં હીંગળો પુરાઈ રહ્યો હતો. એણે કહ્યું :
અવાજ કરો, દુર્ગાદાસ ! દેવ અને દેશની પૂજા માટે શિશકમળ તૈયાર છે.’
“જાઓ, પેલા ખંડમાં એક મદારી બેઠો છે. તમારી જ ઊંચાઈનો, તમારા જ જેવો સૂકો, ખેલ બતાવવા રસ્તામાંથી પકડી લાવ્યો છું.’
*ખેલ બતાવવા ?” રાણી માયાવતીથી દુ:ખમાં પણ હસી પડાયું.
‘સતીમા ! આ પણ ખેલ જ છે ને ! ફેર એટલો છે, કે મદારી રસ્તે જતાં બચ્ચાંઓને ખેલ બતાવે છે, આપણે આલમગીર જેવા ઉસ્તાદને ખેલ બતાવવાનો છે ! મુકુંદદાસ ! ખેલ તમારે કરવાનો છે.'
‘તે શું મારે ગારુડી બનીને સાપને રમાડવો પડશે ?' મુકુંદદાસે જરા ખિન્નતાથી કહ્યું. મને તો લાગ્યું કે તમે કાંઈ ખાંડાના ખેલ ખેલવા માટે મને સાદ કર્યો ?
‘ખાંડાના ખેલમાં તો કંઈ બહાદુરી નથી રહી. આજ બુદ્ધિબળની લડાઈ જાગી છે. બુદ્ધિનો બેતાજ બાદશાહ આલમગીર એક તરફ છે, એક તરફ અનાથ રાઠોડો છે. કોણ કોની દાઢીમાં ધૂળ નાંખી શકશે, એ જોવાનું છે. મુકુંદદાસ, તમારો વેશ મદારીને આપો. મદારીનો તમે પહેરો. એની પાસેથી જરા ડુગડુગી વગાડતાં શીખી લો. પછી મદારીના બે કરંડિયામાંથી આગળના એકમાં ભલે નાગદેવતા બિરાજેલા રહે. કોઈ તપાસ કરવા આવે તો ટોકરી ખોલીને દર્શન કરાવજો . બીજો કરંડિયો મને આપો. એમાં સંપેતરું મૂકી દઉં છું. મુકુંદદાસ ! જાન જાય તોય સંપેતરું જરાય ન જોખમાય, હોં ! રાઠોડોની શાન એમાં છે.'
‘સંપેતરું ?”
‘હા, સવાલાખનું સંપેતરું ! જાઓ, તૈયાર થઈને આવો. મદારી આનાકાની કરે તો ખોખરો કરજો, પણ બિચારાના હાથ-પગ ન ભાંગશો.'
દુર્ગાદાસે કરંડિયો લીધો. નીચે મખમલી કાલીન બિછાવી, ઉપર નવા જન્મેલા રાજકુંવરને રાજમાતા પાસેથી લઈને સુવાડી દીધો. ઉપર ભગવું મદારીનું વસ્ત્ર ઢાંકી દીધું. કરંડિયો તૈયાર થઈ રહ્યો. ત્યાં મુકુંદદાસ* ખીચી મદારીના વેશમાં બહાર આવ્યા. બંને કરંડિયા કાવડમાં ભેરવી ખભે લીધા, ને સાથે ડુગડુગી વગાડી !
| ‘શાબાશ ઉસ્તાદજી ! ઉસ્તાદને કમાલ બતાવવાની છે, એ ન ભૂલશો. ન ઉતાવળા-ન ધીમા, કવચિત્ ડુગડુગી વગાડતા દિલ્હીની બહાર ચાલ્યા જાઓ ! પછી અરબી ઘોડાની ચાલે જજો. વાહન મળે ત્યાં વાહન. આડભેટે ચલાય ત્યાં સુધી ધોરી માર્ગ ન લેશો. સિરોહીની સરહદમાં પ્રભુઇચ્છા હશે તો ભેટીશું, નહિ તો જીવ્યામુવાના જુહાર ! નાકની દાંડીએ સિરોહીની સરહદ સુધી ચાલ્યા જજો. જય એકલિંગ ભગવાનની !'
* મહાન પન્નાદાઈ પણ ખીચી રજપૂત કુળની હતી.
દુર્ગ કે દરગાહ D 59.
58 D બૂરો દેવળ