________________
એ ખીલો છોડીને નાસવા માંડ્યું.
‘સુંદરી ! તું મને શું સ્વર્ગમાં લઈ જવા માગે છે ?' જયસિંહથી આપોઆપ કાવ્ય રચાઈ ગયું. નર જાણે માદા પર ધસવા માગતો હતો.
‘જુવાન, સ્વર્ગમાં જવા માટે મરવું પડે છે, એ જાણે છે ? હું સમજી ગઈ કે મારાં અંગો તને ઘેલાં કરી રહ્યાં છે. અનેક ઘેલા થયા છે, મારાં અંગોને સ્પર્શવા આવ્યા છે, ને જાન ખોઈ બેઠા છે ! સાવધાન રહેજે ! નજીક ન આવતો. નારીને ગમે એવો સંયમી નર રહેજે. નારી એવાના ચરણે નમે છે.’
સુંદરી ગુફાના નાકે થંભી ગઈ. એણે દેહ પરનો અડધો ઊડતો અંચળો સાવ ફગાવી દીધો ! આહ ! જાણે વસ્ત્રનાં વાદળો ચીરીને સૌંદર્યનો સૂર્ય સહસ કળાએ પ્રકાશી રહ્યો ! એનું એક એક અંગ ખુદ સજીવ કાવ્ય બની રહ્યું ! એ કાવ્ય કટારીની ધાર કરતાં વધુ ખુની હતું.
એકાંત રાત, નીરવ ગુફા, મીઠી મીઠી વહેતી હવા ! જયસિંહના અંતરમાં સૂતેલો સ્ત્રીલાલસાનો નરસર્પ જાગીને ફૂંફાડા મારવા લાગ્યો. પુરુષ ભોગી, સ્ત્રી ભોગ્ય, એના અંતરમાં પડછંદા પડવા. જયસિંહે વ્યગ્રતાથી કહ્યું;
‘સુંદરીઓ ઘણી જોઈ, પણ તારું રૂપ તો ગજબ છે. પુરુષની આંખો, દિલ, મન ક્ષણવાર પણ એ જોઈને સ્વસ્થ રહી શકે તેવું આ રૂપ નથી. સુંદરી ! જો તું મળે તો એક શું લાખ લાખ જાન કુરબાન છે !' જયસિંહ સ્થળ, સ્થિતિ ને સંજોગ બધું ભૂલી ગયો. નર બધું ભૂલે એવી નારીની મોહિની હતી..
‘એ જ માટી, ને એ જ મીણનો બનેલો તું જુવાન છે. સૌંદર્યવતી સ્ત્રી મળી એટલે સોડ પહોળી કરી ! સત્તા સુંદરી સામે આવી કે વહાલાંની ગરદન પર છરી ફેરવી ! સત્તા ને સુંદરી સિવાય બીજી કોઈ આકાંક્ષા જ નહિ ! પણ જુવાન ! ન જાણે કેમ, તારી ફૂલ- ગુલાબી જુવાની પર મને રહમ આવે છે ! માટે કહું છું, મારાથી દૂર રહેજે ! મારી વાત સાંભળજે ; મને સ્પર્શ કરવાની ઝંખના છોડી દેજે ! મારું નામ બાલુ (રત) સુંદરી છે. મને સ્પર્શનાર આખરે માત્ર બાલુ જ - રેતી જ મેળવે છે.”
આમ બોલતી સુંદરી ગુફામાં પ્રવેશી, ને પથ્થરનાં બે વિરામાસનમાંથી એક પર પોતે બેઠી, બીજા પર જયસિંહને બેસવા સૂચના કરી.
સુંદરીનું રૂપ જયસિંહ પર જાદુ વરસાવી રહ્યું હતું. એ એનાં એક એક અંગને નિહાળી નિહાળીને, એની રૂપસુધા પી ઉન્મત્ત થઈ રહ્યો હતો.
સુંદરીએ જયસિંહની સ્થિતિ જોઈ, પણ એને આશ્ચર્ય કે ભય જેવું કંઈ ન લાગ્યું. આવા એકાંતમાં જુવાન પુરુષનો ડર હરકોઈ સુંદર સ્ત્રીને લાગે, ત્યારે આ સુંદરી સાવ નિઃશંક હતી, હર કોઈ રૂપવતી સ્ત્રીનું સૌંદર્ય આવી પળે જોખમ બને, ત્યારે એનું રૂપ એને જોમ આપતું હતું. એ ધીરેથી આળસ મરડતી અંગભંગ રચતી
30 D બૂરો દેવળ
ઊભી થઈ, ને પાસે પડેલી એક વાંસની પિટારી લઈ આવી.
પિટારી મજબૂત હતી. સુંદરીએ ધીરેથી એ ખોલી, પણ ખોલતાંની સાથે ભયંકર ફૂંકાર સાથે બે વેંતનું ડોકું કાઢીને નાગરાજ બહાર ઝૂમી રહ્યો : યમરાજ જાણે સદેહે આવ્યા !
સુંદરીની રૂપસુધા પીતો જયસિંહ ભયંકર નાગરાજને જોઈ વિરામાસન પરથી કુદીને બહાર જઈ પડ્યો. એણે સલામત ઠેકાણે ઊભા રહી, સાપને હણવા કમર પરથી ખંજર ખેંચ્યું.
ખંજર પાછું મૂક, જયસિંહ ! આ હણવા યોગ્ય સર્પરાજ નથી, આ તો મારું વાજીકરણ છે !'
‘વાજીકરણ ? શક્તિવર્ધક ઔષધ ! ઓ સુંદરી ! ચક્રવર્તીનું ચિત્ત ડોલાવે તેવું રૂપ ઈશ્વરે તને આપ્યું છે, પણ સાથે સાદી સમજ થી સાવ અળગી રાખી લાગે છે ! દૂર ખસી જા ! સાવધાન ! જો એક ઘા ને સાપનાં સો વર્ષ પૂરાં !' જયસિંહે સલામત જગાએ ઊભા ઊભા ખંજર તાક્યું. સુંદરીએ આડો હાથ ધરતાં કહ્યું :
જયસિંહ ! સાવ સાચું કહું છું, એ વિષધર નથી, મારું વાજીકરણ છે.” ને સુંદરીએ સર્પને ઊંચક્યો. ઊંચકતાની સાથે એણે સુંદરીને બચકું ભરવા મોં લંબાવ્યું ! સુંદરીએ એનું મો હાથથી પકડી લીધું. સાપ મૂંઝાય, ને સુંદરીના કમળનાળ જેવા હાથ પર વીંટાઈ ગયો.
‘સુંદરી ! મોત સાથે ખેલવું બંધ કર ! વખનાં પારખાં ન હોય. મોતની રમત ન હોય, એના એક ઘા ને બે કટકા જ કરવાના હોય.' જયસિંહ વ્યાકુળ બની બેઠો હતો. એના આખા શરીર પર પરસેવો વળી ગયો હતો, શબ્દો પણ પૂરા મોંમાંથી નીકળતા નહોતા.
‘હું પણ મોત જેવી જ છું ! વાહ રે મારા શાલીંગરામ ! આવો, આપણે પ્યાર કરીએ ! ઊનાં ઊનાં ચુંબન ચોડીએ !' સુંદરીએ સાપને મોંથી પકડીને આખો ઊંચો કર્યો. સાપની બે જીભ લબકારા લઈ રહી હતી. આખો દેહ ઝનૂનમાં ઊછળી ઊછળીને ગૂંચળું વળી રહ્યો હતો.
જે મૃદુ ગુલાબી અધરોષ્ઠ પર જયસિંહ સુધાપાનની ઝંખના સેવતો હતો, એ ઓષ્ઠ પર નાગચુંબન ! ચુંબન તે કેવું ? ગાઢ ચુંબન !'
જયસિંહને મૂર્છા આવવા જેવું થઈ ગયું. એની આંખે પળવાર અંધારાં આવી ગયાં. કેટલીક પળો એમ ને એમ વીતી, પણ જ્યારે જયસિંહ સાવધ થયો, ત્યારે એણે સાપને સુંદરીના પગ પાસે અર્ધમૃત અવસ્થામાં પડેલો જોયો; ને સુંદરીને હતી એનાથી ચાર ઘણી ચમકતી જોઈ ! એનાં તમામ અંગો પુષ્ટ બની ગયાં હતાં, ને
બાલ-સુંદરી 31