________________
લાગતી, ક્યારેક નવયૌવના લાગતી, તો ક્યારેક પ્રોઢા ભાતી. કદીક ફૂલની જેમ ઉપાડી લેવાનું મન થાય તેવી, તો કદી જલતી જ્વાલાની જેમ દૂર ફેંકી દેવાનું દિલ કરે તેવી ભાસતી.
જુવાની જેને માથે કંકુ ઢોળતી હતી, એ જયસિંહ જરા પણ ભય વગર, એની સામે સીનો ફુલાવીને ઊભો રહ્યો. રજપૂત જુવાન આછા અંધારે પણ રૂડો લાગ્યો. એની જુવાનીના ગુલાબની મહેક ભેદી સ્ત્રીને સ્પર્શી હોય, એમ એ જરાક સ્મિત કરીને બોલી :
ડરતો નથી ને જુવાન ?'
‘ડરે એ પૂત રજપૂત નહિ !'
‘તો પછી ભાઈ પર કટારી ચલાવતાં તારું હૈયું કાં થથર્યું ? તારી ભુજાઓ ભયથી કાં કંપી ?’
‘સુંદરી, મારી ભુજાઓ જરૂર કંપી, પણ ભયથી નહિ.'
‘તો ?’ ભેદી સુંદરીએ ફરી પ્રશ્ન કર્યો.
‘લાગણીથી, ભ્રાતૃપ્રેમથી મારી ભુજાઓ કંપી.
‘રાજકારણમાં પ્રેમનું ભૂત શા ખપનું ? લાગણીવેડા સાથે વળી ચેડાં કેવાં ? ધર્મમાં સબળમાં સબળ પ્રેમ છે, તેમ રાજકારણમાં નિર્બળમાં નિર્બળ પ્રેમ છે, જુવાન ! ભરથરી કે ગોપીચંદ થવા તું સર્જાયો લાગે છે ! રાજપાટ તારા લલાટે લખાયું નથી, ભસ્મ ચોળવા તું સરજાયો છે.’ સુંદરીના શબ્દોમાં નરના હૃદયને વીંધે તેવો મર્મ હતો.
‘રણદેવી ! ફરી વ્યંગની ભાષા શરૂ કરી કે ? મારે ગોપીચંદ નથી થવું. રાજતંત્ર ચલાવનારનાં ઘરતંત્ર અંધારે ચાલે છે. ભર્તૃહરી એનો નમૂનો છે. મારે એવા પણ થવું નથી, રાજપાટનાં ગમે તે મૂલ ચૂકવવા હું તૈયાર છું, દેવી ! જયસિંહે કહ્યું. ‘આ દેવળનું નામ બૂરો દેવળ છે. રાજકારણી જીવોની રાખ અહીં પડી છે. અહીંનો સદાકાળનો ઇતિહાસ જુદો છે. અહીં જ્યારે પણ બે જણ આવ્યા છે, ત્યારે બેએ બે પાછા ગયા નથી. એક મરાયો છે. એક અહીં તળ રહ્યો છે, ને જે બીજો જીવતો ગયો હોય છે, તે પણ ટૂંક સમયમાં મરાયો સંભળાયો છે. આજ એ ઇતિહાસને પલટવા તેં મહેનત કરી ! પણ તું જાણે છે ? તારા જેવા શૂરોએ જ મારા ભૂખ્યા ખપ્પરને ભર્યું છે ! ઉઠાવ ખંજર ! વર્ષાવ ધારા ! છલાછલ ભરી દે રક્ત તરસી આ ધરતીને ! ભોગ દે કલહ ભૂખ્યા આ દેવળને ! આપ આનંદ મૃત્યુભૂખ્યા મારા કલેજાને !'
‘આટઆટલા રોજ મરે છે, છતાં તું ભૂખી ! રે સુંદરી ! 4 D બૂરો દેવળ
‘કાગડાં-કૂતરાં મરે, એને કંઈ મોત કહેવાય ? મરકીના રોગથી કોઈ મરે એને કંઈ મૃત્યુનું ઊજળું નામ અપાય ? સાથ રે સૂઈ શ્વાસોશ્વાસ પૂરા કરે, એને કોઈ મૃત્યુ ન કહે ! કોઈ આન ખાતર, કોઈ શાન ખાતર, કોઈ રાજપાટ માટે, કોઈ ૨ણજંગે મરે એનું નામ મૃત્યુ કહેવાય.'
‘સુંદરી ! તારા મોંમાં કાળવાણી છે, પૂરું સમજાતું નથી !'
‘જુવાન ! રાજા ગયા ને રાજપાટ ગયાં. આજે તો બધે વાણિયા બેઠા છે વેપાર કરવા ! મરતાં ને જીવતાં લાભ-હાનિની ગણતરીએ બંને પલ્લાં જોખ્યા કરવાના— રખેને એક ઊંચું કે નીચું થઈ જાય નહિ ! તારા હાથ ધ્રૂજે છે ભાઈના વાતથી ? પછી રાજદંડ શી રીતે ઝાલીશ ? મસ્તકમાં ચક્કર આવે છે ગોત્રહત્યાથી ? તો એ મસ્તક પર મુગટ શી રીતે ધરીશ ? કલેજું કંપી જાય છે નિરર્થક હત્યાઓથી ? તો છત્ર શી રીતે ધારીશ ? સંસારના સદ્ગુણો રાજકારણના દુર્ગુણો છે.'
‘શું તમે મને બંધુહત્યા કરવા પ્રેરો છો ? તમે કોઈ આસુરી સૃષ્ટિનાં જીવ લાગો છો !'
‘હું તને એ સમજાવવા માગું છું, કે રાજનીતિમાં નથી કોઈ ભાઈ, નથી કોઈ બાપ ! નથી કોઈ દીકરી કે નથી કોઈ મા ! નથી કોઈ સેવક કે નથી કોઈ સેવ્ય ! નથી કોઈ સસરો કે નથી કોઈ જમાઈ ! એમાં નથી કોમ, નથી ધર્મ ને નથી એમાં જીવનનાં સત્કર્મ કે દુષ્કર્મ ! એમાં છે એક માત્ર સિંહાસન અને એ ખાતર ગમે તે કર્મ કરવાની હામ !' સ્ત્રીએ સ્પષ્ટ ઉત્તર વાળ્યો.
‘રાજ તો આજ છે ને કાલ નથી. માણસની માણસાઈનો કંઈ ખ્યાલ તો કરવો જોઈએ ને !’
‘ભોળો છે તું જુવાન ! રાજ અમર છે. તું કે તારો ભાઈ આજ છો ને કાલ નથી. જે કોઈના લલાટે સિંહાસનના લેખ લખાયા છે, એ લોહીથી, દગલબાજીથી, તબાજીથી લખાયા છે અને બધાંથી તું ડરે છે ?' સ્ત્રીના શબ્દોમાં જોશ હતું.
‘બદનામીથી ડરું છું, આત્માના દેશથી ડરું છું !'
‘જયસિંહ, નેકનામી ને બદનામી પરપોટા છે. આજે ફૂટ્યા, કાલે ખીલશે, બદનામીનો વિચાર ન કર. દુનિયાની યાદદાસ્ત બહુ ટૂંકી છે !' સ્ત્રીએ જુવાનને એના નામથી બોલાવ્યો. જુવાન પોતાનું નામ આ અજાણી સુંદરીને મોંએ સાંભળી આશ્ચર્યમાં પડી ગયો. એને લાગ્યું કે ભૂત કે ભાવિના ભેદ જાણનારી અસુર લોકની આ કોઈ માયાવી સ્ત્રી હોવી જોઈએ !
સ્ત્રી આગળ વધીને બોલી : 'હાથનાં પાપ હીરા-મોતી ઢાંકશે, ને અંતરનાં પાપ આ દેવળ ઢાંકશે. આજ તને હું આ દેવળનો ઇતિહાસ કહીશ. ઘણા જુવાનોને કહ્યો છે ને મારો યત્ન નિરર્થક ગયો છે. આજ તને કહીશ-જો સાર્થક થાય તો.'
બાલ સુંદરી – 25