________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
આવે તો તે જીવ ધર્મની ઉત્કૃષ્ટતા અનંતાનંતપણે વેદી શકે અને માણી શકે એમાં કોઈ નવાઈ નથી. શ્રી વીતરાગ પરમ નીરાગી છે, એમણે રાગને બનાવનાર દ્વિતીય કષાયરૂપ માયા અને લોભને સરળતા તથા ભક્તિમાં રૂપાંતરિત કર્યા છે. તેઓ ભક્તિને વિશુદ્ધ બનાવી, વિનયગુણને પ્રગટાવી લોભને પરમાર્થ લોભમાં પલટાવી, માન કષાયને હણે છે, અને એ ભક્તિપ્રેરિત વિનયને પરમ આજ્ઞામાં લઈ જા, આજ્ઞારૂપ બનાવે છે, જેથી ક્રોધ કષાયનું ફળ મૂળ કારણથી નિવૃત્ત થાય છે.
આવા અકથ્ય, દુરારાધ્ય અને અસીમિત પુરુષાર્થી આત્માની વીતરાગતા નિહાળી, સમજી, જગતપિતાને હૃદયથી અરજી થાય છે કે, “હે પિતા! તમે ઉત્તમ વીતરાગી આત્મા માટે માર્ગસૂચક સ્થંભો મૂકીને ધર્મરૂપી જાદુને સજીવન કર્યું છે. એમનાં શાંતિ, સમતા, સત્ય, નિરાકુળતા તથા પરમ મધ્યસ્થતા અમને એ મહાત્મા જેવા બનવા પ્રેરણા અને પુરુષાર્થની લગની આપે છે. પરંતુ હે પિતા! આ સંસારનું રૂપ અતિ ભયાનક તથા લપસણું હોવાથી અમારી છદ્મસ્થતાને કારણે અમે આ ભાવ સતત રાખી શકતા નથી, અને ભાવની મંદતા થતાં કર્મ વિભાવ પરિણામી થઈ અપ્રમત્તતાથી અમારા પર હુમલો કરી વિજયી બને છે. કર્મના વિજયથી અમે ફરીથી દુ:ખી અને દરિદ્રી બની, સંસારી જેલના કેદી થવાનું નિકાચીત કર્મ બાંધી બેસીએ છીએ. પ્રભુ! તમે તો આ કેદથી છૂટી મોક્ષનાં સુખને સદાયને માટે માણો છો, કારણ કે તમે શુધ્ધભાવને સતત રાખી શકો છો. તો હે પ્રભુ! અમારા જેવા સરાગી જીવોને વીતરાગીપણું સાચવવા કંઈક સાધન આપો કે જેથી અમારી છદ્મસ્થતાને કારણે ભાવમાં મંદપણું આવે ત્યારે તમારા આપેલા સાધનનો સદુપયોગ કરી અમે ઉપર સ્વીકારેલા ધ્યેયને મજબૂત બનાવી કર્મના જયને પરાજયમાં પલટાવી શકીએ, અને આત્માને જાળવી લઈએ.”
શ્રી કરુણાવંત પ્રભુ યાચકના સાચા ભાવને નિહાળી બોધ આપે છે કે, “તું વીતરાગીનો રાગ પામ.” “પ્રભુ! આપના બોધ માટે અહોભાવ તો વેદાય છે પણ ગૂઢાર્થ સમજાતો નથી.” એ માટે શ્રી પ્રભુ ખુલાસો આપે છે કે, “હે વત્સ! આ જગતમાં રાગ સંસારને સંસારરૂપે પરિણમાવે છે; તેથી સંસાર અનાદિ અનંત બને છે. બીજી બાજુ મોક્ષ પણ અનાદિ અનંત છે. તેથી ઊંડાણથી વિચારશો તો મોક્ષના અનાદિઅનંતપણામાં