________________
કેવળી પ્રભુનો સાથ
વાણીને સમસ્ત લોકનું કલ્યાણ કરવા માટે જરૂરી શક્તિ આપી રહે છે. પુદ્ગલરૂપ વાણીમાં આવો ગુણ ત્યારે જ ઉદ્ભવી શકે જ્યારે એ વાણીના ધારક આત્મામાં એ ગુણની વિશેષતા હોય.
આ ઉપરાંત એ વાણીમાં અનંત વીર્ય સમાયેલું હોય છે, તે વીર્ય લોક સમસ્તના જીવોના અનંત પ્રકારની સમજણનાં અંતરાય છેદી શકે છે. જે વખતે એ વાણીના ધારકમાં અનંત વીર્યની અનંતતા, સમયના ભેદ વગર વેદાતી હોય તે વખતે જ આમ બની શકે. આ વેદન, એ આત્માનાં આજ્ઞાધીનપણાની અરૂપી કક્ષાના ઉત્કૃષ્ટ સ્વરૂપમાં સ્થાન પામે છે. તે પરથી ખબર પડે છે કે શ્રી પ્રભુની અંતરંગ ચર્યા કેટલી વિશુધ્ધ તથા પવિત્ર હોવી જોઇએ! કે જેથી એ આત્માના પૌગલિક દેહમાંથી નિપજતી પુદ્ગલ વાણી છદ્મસ્થ શ્રોતાના કાનમાં પડતાં જ તેનાં ચેતનને જાગૃત કરે છે. એટલું જ નહિ પણ, એ વાણીનું સ્થૂળ રૂપ શાસ્ત્રની શાબ્દિક મર્યાદામાં બંધાયેલું હોવા છતાં, કાળ જતાં એ વાણી વાચકના કે શ્રોતાના આત્મામાં પોતાના અરૂપીપણાને પામવાની લાગણી તથા પુરુષાર્થ જગાડી શકે છે.
આવી અદ્ભુત વાણીને અનુભવી, સ્વસ્વરૂપને પામવાની તમન્નાને ઉત્કૃષ્ટ કરી, આજ્ઞામાર્ગમાં ચાલી પોતાનાં આજ્ઞાધીનપણાને જીવ ઉત્કૃષ્ટ કરતો જાય છે. અને તે મહાસંવર માર્ગમાં આજ્ઞાની પૂર્ણતા પામવા પુરુષાર્થી થાય છે. મહાસંવર માર્ગમાં જીવ જ્યારે આજ્ઞાની પૂર્ણતા મેળવવા આરાધના કરે છે અર્થાત્ પોતાની ચેતન પર્યાયમાં જ્યારે પુગલની નિર્જરા આજ્ઞાંકિતપણે કલ્યાણના આજ્ઞારસથી કરે છે, ત્યારે તે જીવ મહાસંવર માર્ગની પૂર્ણતાને અનુભવે છે. જેને આપણે “આજ્ઞામાર્ગ પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ'ના નામથી ઓળખીએ છીએ.
આ જ માર્ગને આપણે જુદી અપેક્ષાથી વિચારીએ ત્યારે સમજાય છે કે મહાસંવર માર્ગમાં જીવ અજીવનાં માધ્યમથી આજ્ઞારસનો આશ્રવ કરે છે, કર્મની નિર્જરા કરે છે અને એ જ આજ્ઞારસથી યોગ્ય વિહાર પણ કરે છે. આ પ્રક્રિયાને શ્રી પ્રભુ ટૂંકાણમાં પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ પર્યાય તરીકે ઓળખાવે છે.