________________
ઉપસંહાર
પ્રત્યેક પર્યુષણમાં વિવિધ અકલ્પનીય આત્મિક અનુભવો અમને થયા કરતા હતા, જેના થકી શ્રી રાજપ્રભુ તથા પંચપરમેષ્ટિ ભગવંતની અસીમ કૃપાવર્ષાની પ્રતીતિ મળતી રહેતી હતી. પર્યુષણમાં પણ સમજાવતી વખતે કેટલીયે વખત અદ્ભુત રહસ્યો ખૂલતા જતા હતા, અને માર્ગની અદ્ભુતતા માણવાનો મને અવર્ણનીય આનંદ વર્તતો હતો. વિચારતાં સમજાયું કે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની જે કૃપાવર્ષા થતી હતી તેની અસર સાંભળનાર પર થતી હોવાથી તેમને વિષય સમજવામાં સરળતા અનુભવાતી હતી, તથા અવર્ણનીય આનંદ વેદાતો હતો. અહો! પ્રભુની અપરંપાર કૃપા અને કરુણા! તે કૃપા તથા કરુણાને વારંવાર વંદન કરી પ્રભુને વિનવું છું કે, “પ્રભુ! અમને કદીએ ન કરશો આપની કૃપા રહિત.” આમ, જીવનની સુધારણા કરવામાં, ચારિત્રની ખીલવણી કરવામાં તથા ભેદરહસ્યોનાં ઊંડાણ પકડવામાં ઈ.સ.૨૦૦૬નાં પર્યુષણ સુધીનો સમય આનંદપૂર્વક આરાધનમાં પસાર થયો.
ઈ.સ.૨૦૦૬નાં પર્યુષણમાં પર્યુષણ પૂરાં થયા પછી “શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથ માટે સાંકળિયું તૈયાર કરી, લખાણ શરૂ કરવાની આજ્ઞા આવી. શ્રી કૃપાળુદેવ સહિત પંચપરમેષ્ટિ પ્રભુનો ખૂબ ખૂબ આભાર માન્યો અને હું આ ગ્રંથ આજ્ઞાધીનપણે રચી શકું તે માટે ખૂબ ખૂબ સાથ આપવા વિનંતિ કરી. પર્યુષણ પછી તરતમાં જ સાંકળિયું તૈયાર કર્યું, ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે આ ગ્રંથની રચના માટે મને મોટાભાગની તૈયારી તો શ્રી પ્રભુએ કરાવી જ દીધી હતી. મારા આનંદ તથા આશ્ચર્યનો તો પાર ન રહ્યો. એ અરસામાં પ્રભુએ મને સમજ આપી હતી કે આ ગ્રંથનું સૌથી પહેલું પ્રકરણ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ અને છેલ્લું પ્રકરણ “શ્રી કેવળી પ્રભુનો સાથ’ રહેશે. ચારે ભાગની જે પ્રકારની ગોઠવણી થઈ છે એ જ પ્રકારે સાંકળિયું બનાવતી વખતે પ્રકરણોનો ક્રમ મૂકાયો હતો, તેમાં ફેરફાર કરેલ નથી. માત્ર પાંચમા ભાગમાં “આત્માની સિદ્ધિ નામનું પ્રકરણ રાખવાની ભાવના ચોથા ભાગના પ્રાકથનમાં રજૂ કરી છે, તે શ્રી પ્રભુને મંજુર નથી, એટલે એનો સમાવેશ પાંચમા ભાગમાં કરી શકાયો નથી.
૩૦૩