________________
ઉપસંહાર
ઈચ્છાનુસાર વર્તવાથી જીવને ધર્મનાં સનાતનપણા તથા મંગલપણાની જાણકારી આવતી જાય છે, તે જાણકારીના સહારાથી જીવ સહેલાઈથી પોતાનું વર્તન સુધારતો જાય છે અને ત્વરાથી મોક્ષપ્રાપ્તિ કરવાનો અધિકાર પામતો જાય છે. સાથે સાથે તે ધર્મના સિદ્ધાંતોનાં ભેદરહસ્યો પ્રભુ પાસેથી મેળવતો જાય છે. પ્રભુ સર્વજ્ઞ હોવાથી તેમના થકી જે જ્ઞાન પ્રાપ્ત થાય તેમાં ભૂલ કે દોષ સંભવી શકે નહિ; તેથી જીવને પોતાનાં જીવનની સુધારણા કરવી સરળ બને છે. આમ જીવનું આજ્ઞાધીનપણું જેટલું વિશેષ હોય તેટલા વિશેષ પ્રમાણમાં તેને શુદ્ધ તથા યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ સમજણની સ્મૃતિ વધતાં આજ્ઞામાર્ગમાં આગળ વધવાની હૃદયની ઉત્સુકતા ભળી, અને તેના વિચારમાં દિવસો પસાર થવા લાગ્યા. તે અરસામાં એટલે પર્યુષણ પછીના થોડા જ સમયમાં પછીના વર્ષનો વિષય આવ્યો કે “આણાએ ધમ્મો, આણાએ તવો - આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. આ વિષય ઈ.સ. ૨૦૦૩ના પર્યુષણ માટેનો હતો. મને આ વિષય પર સંશોધન કરવું ખૂબ જરૂરી લાગ્યું. કેમકે આ વિશે એકધારું લખાણ મેં ક્યાંય વાંચ્યું ન હતું, જોયું પણ ન હતું. આથી મેં આ કાર્ય સારી રીતે કરાવવા માટે પ્રભુને પ્રાર્થના કરવી શરૂ કરી. જેમ જેમ મુદ્દાઓ સૂઝતા ગયા તેમ તેમ તેનું ટાંચણ પણ કરતી ગઈ. આ મુદ્દાઓ નક્કી કરવામાં, સિદ્ધાંતોના રહસ્યો સમજવામાં મને ચિ. નેહલની સહાય આ વર્ષથી મળવા લાગી, અને એનાં કારણે મારું કામ સરળ થતું ગયું. આમાં મારે શૂન્યમાંથી સર્જન કરવાનું હતું એટલે મુદ્દાઓને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે ત્રણેક વખત લખાણ કરવું પડ્યું. તેમ કરવાનો મને આનંદ પણ ઘણો હતો કે પ્રભુ મને સ્વતંત્ર કરતા જતા હતા. પૂર્વમાં જે જે આધ્યાત્મિક અનુભવો થયા હતા, તેના આધારે જે જે સિદ્ધાંતો અને મૂળમાર્ગ સમજાયા હતા તેને વ્યવસ્થિત કરવા ઉપરાંત મળતાં ઘણાં નવાં રહસ્યો પ્રકાશિત કરવાની તક પ્રભુએ મને આપી હતી. અલબત્ત, પ્રાર્થના તથા ક્ષમાપનાના માધ્યમ દ્વારા આ વિષય વિશે સમજણ લેવામાં, મુદ્દાઓ
૨૯૫.