________________
ઉપસંહાર
તરફથી જણાવવામાં આવે કે એક ભાગ પહેલા વિષયમાં અને બીજો ભાગ બીજા વિષયમાં સમાવવો. આમ કરવાનું કારણ જિજ્ઞાસાથી પૂછતા પ્રભુએ જણાવ્યું હતું કે શાસ્ત્રમાં ખુલ્લી રીતે જણાવ્યા નથી એવાં રહસ્યો એકી સાથે મૂકવામાં આવે તો વાંચનારને પચાવવું ઘણું કઠણ પડે. ધીમે ધીમે તેને ઊંડાણ તરફ લઈ જવામાં આવે તો તેને ગ્રહણ કરવું સુગમ પડે. એ જ રીતે તારી સમજનાં ઊંડાણ માટે પણ છે. તે માટે તેમણે એક સરસ ઉદાહરણ આપ્યું હતું. શરૂઆતમાં સંસારમાં પરિભ્રમણ કરતા પ્રત્યેક જીવને આઠ રુચક પ્રદેશ હોય છે, એટલું જ તેમણે જણાવ્યું હતું. થોડા કાળ પછી આ રુચક પ્રદેશ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે સમજાવ્યું. તે પછી અમુક કાળે રુચક પ્રદેશ મેળવવાની પાત્રતા નિત્યનિગોદના જીવમાં કેવી રીતે આવે છે તે જણાવ્યું. વળી, આગળ વધતાં અંતર્વત્તિસ્પર્શ અને તેની ઉત્પત્તિની પ્રક્રિયા જુદા જુદા કાળે સમજાવી. કોઈક અદ્ભુત ક્ષણે કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ તથા તે વખતે થતી પ્રક્રિયા સમજાવ્યાં વગેરે વગેરે. આમ લેખક અને વાચકની પાત્રતા વધે તેમ તેમ પ્રભુ રહસ્ય ખોલતા જાય છે એમ મને તેમણે સમજાવ્યું હતું. ત્યારે મારાં મનમાં પ્રશ્ન જાગ્યો હતો કે આ ગ્રંથ તો પાત્ર અપાત્ર સહુ કોઈના હાથમાં જઈ શકે છે, તો આ ભેદરહસ્યો પ્રગટ કરવા માટે મને કેટલાં બંધન આવી પડે? તેનું સમાધાન શ્રી પ્રભુએ મને એવું આપ્યું હતું કે તારા આજ્ઞાધીનપણાને કારણે, આજ્ઞાથી લખાયેલા આ ગ્રંથથી આવી સ્થિતિ સર્જાશે નહિ. અપાત્ર જીવ કોઈ ને કોઈ કારણસર એ વાંચવાનું તથા વિકલ્પ કરવાનું છોડી દેશે. મારું તને રક્ષણ છે. આ જાણીને મને ખૂબ ખૂબ આનંદ તથા સંતોષ અનુભવાયા હતા જે આજે પણ ચાલુ છે. અને ત્યારથી પ્રભુકૃપાથી કોઈ પણ રહસ્ય ખોલતા મેં સંકોચ અનુભવ્યો નથી, એટલું જ નહિ પણ એવા ભાવ સેવ્યા છે કે આ ક્ષેત્રમાં રહીને જે જે રહસ્યો મને પ્રભુ તરફથી ભેટ મળ્યાં છે, અને મળતાં જાય છે તે સર્વ જગત સમક્ષ પ્રભુઆજ્ઞાએ પ્રગટ કરીને આ ક્ષેત્રનું ઋણ ચૂકવી દેવું. થોડી આડવાત હોવા છતાં અગત્યની વાત લાગી હોવાથી અહીં રજૂ કરી દીધી છે.
૨૮૯