________________
ઉપસંહાર
એહસાસ થયો કે ઈ.સ. ૧૯૯૪માં લીધેલો ‘સમ્યક્દર્શન’નો વિષય અપૂર્ણ હતો. તે વખતે સમ્યક્દર્શનને લગતાં બધાં પાસાં આવરી લેવાયાં ન હતાં. તે ઓછપ અને અધૂરપ ટાળવા શું કરવું જોઈએ તે વિચારણા મનમાં સર્જાવી શરૂ થઈ, કેમકે પાછળનાં કેટલાંક વર્ષોમાં સમ્યક્દર્શન વિશેની સમજણ તથા અનુભૂતિ ઊંડાણભરેલાં થતાં જતાં હતાં. એ પુરુષાર્થના અનુસંધાનમાં શ્રી પ્રભુની કૃપાથી ઈ.સ. ૧૯૯૮નાં પર્યુષણમાં ‘સમ્યક્ત્વ પરાક્રમ' લેવાની આજ્ઞા આવી. તેમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં ઓગણત્રીસમા અધ્યયનનો આધાર લેવાનો હતો. આ અધ્યયનમાં સમ્યક્ત્વથી શરૂ કરી સિદ્ધ થવા સુધીની સ્થિતિ વિશેના પ્રશ્નોના જે ઉત્તરો મહાવીર પ્રભુએ તેમની છેલ્લી દેશનામાં આપ્યા હતા તે મૂકાયા છે. તેમાં મૂકાયેલા ૭૨ પ્રશ્નોત્તરની વિચારણા વ્યવસ્થિત રીતે કરવાથી મુનિજીવન તથા સમ્યક્ત્વનાં લગભગ બધાં પાસાંની સારી રીતે વિચારણા થઈ જાય તેમ છે. તેમાં સમ્યક્ત્વનાં લક્ષણો સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપા કેળવવાથી થતા લાભો જણાવ્યા છે; આલોચના, સ્વનિંદા, ગર્હણા એ આંતરતપ કરવાનાં ફાયદા બતાવ્યા છે; સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યકની મહત્તા બતાવી છે, સ્તુતિમંગલ, પ્રાયશ્ચિત્ત, ક્ષમાપનાની જરૂરિયાત જણાવી છે; સ્વાધ્યાય, વાંચના, પ્રતિપ્રચ્છના, પરાવર્તના આદિથી મળતા લાભ વર્ણવ્યા છે; મનની એકાગ્રતા, સંયમ, તપ, વિશુદ્ધિ, અપ્રતિબધ્ધતા આદિ કેવી રીતે કેળવવાં તેની ચાવી રજૂ કરી છે; જુદા જુદા પ્રકારનાં પ્રત્યાખ્યાન કરવાથી જીવને મળતી વિવિધ પ્રકારની કેળવણી સમજાવી છે; સર્વગુણસંપન્નતા, વીતરાગતા, ક્ષાંતિ, નિર્લોભતા, આર્જવ, માર્દવ આદિ ગુણો જીવમાં કેવી રીતે અને ક્યારે પ્રગટે તે સ્પષ્ટ કર્યું છે; ત્રણ ગુપ્તિ, ત્રણ સમાધારણા, આદિ કેવાં હોય તે વર્ણવ્યું છે; જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સંપન્નતાથી આત્માની વધતી શુદ્ધિ બતાવી છે, પાંચે ઈન્દ્રિયોનો યોગ્ય નિગ્રહ કરવાથી જીવ શું પામે છે તે બતાવી, ચારે કષાયો પર વિજય કેટલો હોવો જોઈએ તે વર્ણવ્યું છે. આ બધી આરાધનાના ફળરૂપે જીવ શુદ્ધ થઈ શૈલેશી
૨૮૫