________________
કેવળી પ્રભુનો સાથ
એકવીસમા શ્રી નમિનાથ જિન સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજ, જેમ જેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ છએ દર્શનમાં મોક્ષ મેળવવા જીવને માટે શું શ્રેષ્ઠ છે અને ઉપકારી છે તેનું વિશ્લેષણ કરવાની શક્તિ જીવમાં આવતી જાય છે, તે સમજાવે છે. તેમાં સર્વજ્ઞ વીતરાગ પ્રભુને પુરુષરૂપે બતાવ્યા છે, અને છએ દર્શનો પ્રભુના અંગરૂપ છે તેમ વર્ણવ્યું છે. તેઓએ સાંખ્ય તથા યોગ દર્શનને કલ્પવૃક્ષ સમાન જિનપ્રભુનાં બે પાદ (મૂળ) ચરણ તરીકે ઓળખાવ્યા છે, બૌદ્ધ ધર્મને અને મીમાંસાને પ્રભુના બે હાથરૂપ ગણાવ્યા છે, ચાર્વાક મતને પ્રભુનાં પેટનો એક ભાગ ગણાવ્યો છે, અને જિનદર્શનને પ્રભુનાં ઉત્તમ અંગ મસ્તકનું સ્થાન આપ્યું છે. આમ છએ દર્શનનું તલસ્પર્શી જ્ઞાન લઈ તેને અનુભવરૂપ કરવાનો યોગ હજુ આવ્યો નથી, અર્થાત્ ક્ષેપક શ્રેણિ માંડી શકાઈ નથી. તે શ્રેણિ માંડવાની આજ્ઞા મેળવવા અંતિમ કડીમાં શ્રી પ્રભુને વિનવે વિનવે છે કે,
“સમયચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે.”
સમય એટલે સ્વાત્મા. સમય ચરણ સેવા એટલે સ્વ આત્મ અનુભવરૂપ ચારિત્રની સેવા આપજો. પોતાના આત્માના અનુભવમાં સમયે સમયે વિશુદ્ધિ વધારનારી સેવા મને આપજો કે જેથી મને આનંદઘનની પ્રાપ્તિ થાય. આ બે પંક્તિઓમાં આજ્ઞાધીનપણે ક્ષપક શ્રેણિ માંડવા માટે પ્રભુની આજ્ઞા જીવ લેતો હોય તેવો ધ્વનિ ઊઠે છે.
જ્યારે જીવના અશુદ્ધ પ્રદેશો ઉત્તમ ભાવનાથી કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞાધીન થાય છે, ત્યારે તેમને કેવળીગમ્ય પ્રદેશો પાસેથી સ્વસ્વરૂપલીનતા કરવાની આજ્ઞા મળે છે; અને પ્રતિસમયે કર્મક્ષય વધારવાનું વીર્ય પ્રાપ્ત થાય છે, કેમકે તેને આજ્ઞા મળવાથી અને પાત્રતા ખીલવાથી જીવનું વીર્ય ફોરતું જાય છે. તે વીર્ય થકી જીવનાં અશુદ્ધ પ્રદેશો ક્ષપક શ્રેણિ માંડી શુદ્ધ થતા જાય છે અને અંતમાં ઘાતીકર્મોથી નિવૃત્ત થઈ જાય છે.
૨૨૬