________________
કેવળી પ્રભુનો સાથ
ચિત્તપ્રસન્નતાવાળી પૂજા એ જ સાચી, ખંડરહિત, વિભાગ રહિતની સાચી પૂજા છે. છળકપટ આદિથી રહિત થઈ અર્થાત્ સંસારીભાવ ત્યાગી પ્રભુના કલ્યાણભાવને જે જીવ સ્વીકારે છે, એટલે કે પ્રભુને પોતાનો આત્મા શુદ્ધ કરવાની ઇચ્છાથી સોંપે છે તેને આનંદઘનપદ (આત્માનું આનંદમય સ્થાન) મેળવવા માટેની રેખા (પ્રાથમિક કારણ) મળી જાય છે. બીજી રીતે કહીએ તો વર્તતા મિથ્યાત્વને દબાવી પ્રભુને અર્પણતા કરવામાં આવે તો જીવને મોક્ષ મેળવવાનો સાચો અને ઉત્તમ ઉપાય પ્રાપ્ત થાય છે. અને તે પછી મોક્ષ માટેનાં એક પછી એક સોપાન તે મેળવી શકે છે.
મોક્ષ મેળવવા માટેની સૌથી પહેલી આધ્યત્મિક સિદ્ધિ તે જીવ માટે અંતરવૃત્તિસ્પર્શ છે. તેમાં એક સમય માટે જીવ શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણભાવનાં પરમાણુનો આશ્રય કરી પોતાનાં મિથ્યાત્વના ઉદયને તોડી આત્મસ્વરૂપની શાંતિનું વેદન કરે છે. આ સમય માટે જીવ પોતાના સંસારીભાવ તથા સંસારની આસક્તિનો ત્યાગ કરી, સ્વસ્વભાવનું વેદન કરે છે. તેનાં ફળરૂપે જીવ આનંદઘનપદ અર્થાત્ મોક્ષ મેળવવાની પહેલી લકીર – રેખા મેળવી પોતાનું અભવીપણું ટાળી ભવીપણું પ્રગટ કરે છે. આ પ્રક્રિયા થવામાં શ્રી તીર્થકર પ્રભુનો સાથ કેવો અદ્ભુત હોય છે તેની જાણકારી આપણને આ કડીમાંથી પ્રાપ્ત થાય છે. જીવને જ્યારે ઉત્તમ સાથે જોડાવાની ભાવના જાગે છે ત્યારે પ્રભુનું સ્મરણ કરવામાં ખૂબ આનંદ આવે છે. અને મોક્ષ મેળવવા માટેની આ ગુપ્ત ચાવીની જાણકારી મળતાં જીવથી પ્રભુની સાચી પૂજા થાય છે. અને આ પૂજાથી તેને ઉત્તરોત્તર વિશેષ ચિત્તપ્રસન્નતા અર્થાત્ આત્માના આનંદની પ્રાપ્તિ થતી જાય છે.
જીવ પ્રભુની પૂજા કરે છે, તેનાં ફળરૂપે તેને જે ચિત્તની પ્રસન્નતા આવે છે, તે ધર્મનું મંગલપણું સૂચવે છે, અને પ્રભુને આત્માની અર્પણતા કરવાના ભાવ તેનામાં પ્રસરે છે તે ધર્મનાં સનાતનપણાને બિરદાવે છે. જો ધર્મ સનાતન ન હોય તો, નિત્ય એવા આત્માનો અર્પણભાવ કેવી રીતે શક્ય બને?
૧૯૨