________________
કેવળી પ્રભુનો સાથ
સફળ કરવા માટે તે પોતાના સંવેગ અને નિર્વેદ વધારે છે, અને પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનાં સાધનથી અને ધર્મની આસ્થાથી પરની અનુકંપાને સફળ કરે છે. આ હકીકતને વિસ્તારથી વિચારતાં લક્ષ આવે છે કે આસ્થા તથા અનુકંપામાં આખો મોક્ષમાર્ગ સમાય છે. તેનાં ઊંડાણમાં જતાં સમજણ આવે છે કે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ આસ્થા તથા અનુકંપાને મુખ્યત્વે બે રીતે સેવે છે. આસ્થા પ્રેરિત અનુકંપા અને અનુકંપા પ્રેરિત આસ્થા. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞાથી તેમના આ ભાવને આપણે વિચારીએ.
શ્રી સિદ્ધપ્રભુનાં આસ્થા તથા અનુકંપા શ્રી સિદ્ધ ભગવાન મોક્ષમાં સાદિ અનંત કાળ માટે સ્થાયી રહે છે અને ત્યારે તેઓ પાંચ સમવાયની સર્વ પર્યાયથી અલિપ્ત રહી, પૂર્ણાતિપૂર્ણ પરમ વીતરાગમય ચેતનઘનરૂપ સહજાનંદને માણે છે. આ સ્વાધીન સુખને માણવા માટે પૂર્ણ વિર્ય હોવા છતાં તેઓ સિદ્ધભૂમિમાં અન્ય સિદ્ધ આત્માઓ સાથે જ રહે છે. આમ થવા પાછળ એમનો આસ્થા તથા અનુકંપાનો ભાવ રહેલો છે. શ્રી સિદ્ધપ્રભુ ઘન સ્વરૂપે સ્થિર થાય છે તેની પાછળ એમની ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધારૂપ આસ્થા છે, કારણ કે તેઓ પોતાનાં પૂર્ણ વીર્ય કરતાં ધર્મનાં સામૂહિક વીર્યને પ્રધાનતા આપે છે, અને તેથી તેઓ ધર્મનાં સર્વોત્કૃષ્ટ મંગલપણાના ભાવને સાધ્ય કરનાર ઉત્તમ ઉદાહરણ થાય છે.
અહો! સર્વ પ્રદેશથી મોન સેવવા છતાં તેઓ છએ દિશાથી અન્ય પર્યાયથી સિધ્ધ થયેલા આત્મા સાથે પોતાનાં સ્વાધીન સુખને જોડે છે. અને તે દ્વારા એ ઉત્તમ વિનયભાવ રૂપ આસ્થા સાથે ઉત્તમોત્તમ અનુકંપા પણ સેવે છે. આ ચેતનાનના માધ્યમ દ્વારા પાંચ સમવાયની ભિન્નતા મોક્ષમાં એક થઈ જાય છે. ભિન્નતા ટળી જાય છે, જેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કે ભવનું ન્યૂનાધિકપણું સ્વરૂપ અનુભૂતિ રાખવામાં બાધારૂપ બનતું નથી. વિચારતાં સમજાય છે કે કેવળી પર્યાયમાં જે ભેદ છે એ સિધ્ધ પર્યાયમાં ક્યા પુરુષાર્થને કારણે સમ થાય છે.
૧૩૬