________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ધર્મરૂપી સર્વોત્તમ અને સનાતન ભોમિયાના અપાર તથા અગાધ મહાત્મ્યને તથા ઉપકારને સમયે સમયે સ્મરતાં, એના ઊંડાણમાં રહેલાં પરમ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો અપાર મહિમા તથા તેમની કરુણાનો ધોધ, એ ધર્મની યથાર્થતા અને મંગલતાની વિશેષતા, અપૂર્વતા અને ચેતનતાનો સ્પષ્ટ લક્ષ આવે છે. એ લક્ષ, એ દર્શન અને એ ભાન માટે શ્રી અરિહંત પ્રભુના ઉપકારને વિશેષ વિશેષતાએ નમસ્કાર કરીએ છીએ.
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે, સર્વ ક્ષેત્ર પ્રત્યે, સર્વ દ્રવ્ય પ્રત્યે, સર્વ કાળ પ્રત્યે જે પરમ પ્રેમભાવ, પરમ મૈત્રીથી ઉપજતી પરમ વીતરાગતામાં મહાસંવરના માર્ગને વેદકતાથી શરૂ કરી સમયે સમયે માણે છે એવા શ્રી કેવળીપ્રભુને તથા શ્રી સિદ્ધપ્રભુને પરમ પરમાર્થ લોભથી ઉપજતા શુધ્ધ રાગથી વંદન કરી, ‘આણાએ ધમ્મો, આણાએ તવો' ના સમય સમયના આશિષ માગી, ‘આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ'ના બળવાન, ધૂરંધર, આજ્ઞારાધનમાં લીન થવા યોગ્ય પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ અને ધ્યાનનાં યોગ્ય સમતોલન માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત પાસે આશીર્વાદ તથા આજ્ઞા માગીએ છીએ, અને નમસ્કાર કરીએ છીએ.
શ્રી કેવળીપ્રભુના અગ્રેસ૨, મહાસંવર માર્ગના નિષ્ણાત અને નાયક એવા શ્રી અરિહંત પ્રભુની પરમ પ્રેમથી ઉપાસના કરવા, મહાસંવર માર્ગની આરાધના કરવા અનુજ્ઞા માગીએ છીએ, શક્તિ તથા આશીર્વાદ વાંછીએ છીએ, અને તે માટે શ્રી સિમંધર સ્વામી, દેવેશ્વર પ્રભુ તથા સર્વ તીર્થ કલ્યાણક પ્રવર્તાવનારાઓના પરમાણુઓની પરમ સહાય તથા આજ્ઞાની પ્રાપ્તિ અમને થાઓ. અમે ભક્તિરૂપી જાદુથી આ મહામાર્ગને શબ્દદેહ આપવાની ઉત્સુક્તાને તમારા ચરણમાં સોંપી, એ ઉત્સુક્તાને આજ્ઞાભક્તિમાં પરિણમાવી, માત્ર આજ્ઞારૂપી ધારામાં તમારી આજ્ઞાને પાળીએ એ જ માગી, વાંદીએ છીએ.
૧૭૭
ૐ શાંતિઃ