________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ગયાં. આવી ઉપાધિમય સ્થિતિ સં. ૧૯૪૯ માં પણ ચાલુ રહી હતી. સં. ૧૯૪૯ ના ચૈત્ર સુદ ૬ ના રોજ (આંક ૪૩૯) તેમણે લખ્યું હતું કે,
“ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે.”
“જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય તેવી છે; વેદવા યોગ્ય છે. માટે તેને અનુસરીએ છીએ.” (જેઠ સુદ ૧૧, ૧૯૪૯. આંક ૪૪૯).
“ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું, ત્યારથી આજ દિવસ પર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિયોગ વેદવાનું બન્યું છે. અને જો ભગવત્કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિયોગમાં માથું ધડ ૫૨ રહેવું કઠણ થાય.” (શ્રાવણ વદ ૫, ૧૯૪૯. આંક ૪૬૫).
સં. ૧૯૪૯ની સાલનો બળવાન ઉપાધિયોગ તેમણે ખૂબ સમતાથી, આત્માની સ્વસ્થતા ગુમાવ્યા વિના વેદ્યો હતો. અને તેમ થવામાં જ્ઞાનીપુરુષો જે માર્ગે ચાલ્યા તે માર્ગે – આજ્ઞાધીનપણે – ચાલવાનો તેમનો નિર્ણય ખૂબ કારણભૂત હતો. તેમની સંસારનાં બંધનોથી છૂટવાની બળવાન તમન્ના તેમને સંસારીભાવથી અલિપ્ત રહેવામાં ખૂબ સહાય કરતી હતી. તેમની સંસારી સ્પૃહા અતિ અલ્પ હતી, તેનાં કારણથી તેમની દૃષ્ટિ સ્વપરના ભેદથી પર બની હતી. એમનો આત્મા આ વર્ષોમાં વૈરાગ્યભાવમાંથી ઉદાસીનતામાં પરિણમી વીતરાગભાવમાં પલટાતો જતો હતો, અર્થાત્ તેમની વીતરાગતા ખીલતી જતી હતી.
સં. ૧૯૫૦ની સાલમાં પણ ઉપાધિએ તેમનો કેડો મૂક્યો ન હતો. આવા સંજોગોમાં પણ તેમની ચિત્તસ્થિરતા વધતી જતી હતી.
“મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ષા કરે છે. વ્યવસાયનું બહોળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ થયા કરે છે.” (વૈશાખ ૧૯૫૦. આંક ૫૦૪).
૪૧૫