________________
આણાએ ધમ્મો, આણાએ તવો
અરિહંત પ્રભુના આત્માએ ૨૦૦ – ૨૫૦ થી પણ વધારે ભવોમાં જીવ સમસ્ત માટે કલ્યાણના ભાવ વેદ્યા હોય છે, અને તેમના થકી સર્વ પંચપરમેષ્ટિ ભગવંત આ ભાવ ભાવતાં થયા હોય છે. તેથી સર્વ પંચપરમેષ્ટિ ભગવંતને એવા ભાવ વર્તતા હોય છે કે સર્વ જગતજીવો આ ટૂંકામાં ટૂંકા આજ્ઞાના માર્ગને આરાધી સંસારનાં પરિભ્રમણથી મુક્ત થાઓ. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના ભાવેલા આ ભાવ આજ્ઞાના આરાધક સર્વને સાચા સાથીદારરૂપ નીવડે છે.
જગતના જીવો અનાદિકાળથી મન, વચન કે કાયાના યોગે કરીને સંસારની અને સંસારના પદાર્થોની સ્પૃહા કરવાની કુટેવમાં ફસાયેલા છે. જ્ઞાની ભગવંત તેમની સ્પૃહા કરવાની આ કુટેવને છૂટવાના હેતુરૂપ બનાવી દે છે. તેઓ જગતના જીવોને બોધે છે કે, “હે જીવો! તમારે સ્પૃહા જ કરવી છે ને? તો તમે મન, વચન અને કાયાથી શ્રી પંચપરમેષ્ટિનું ઉત્તમ શરણ મેળવવાની સ્પૃહા કરો. તેમણે પ્રરૂપેલા આજ્ઞામાર્ગે ચાલવાની તમે સ્પૃહા કરો. અને એ સ્પૃહા ક્ષણે ક્ષણે વધતી જાય એવી ભાવના કરો. આજ્ઞામાર્ગની આવી સ્પૃહા કરવાથી તમને સહજતાએ મન, વચન અને કાયાથી સંસારની તથા સંસારના પદાર્થોની નિસ્પૃહતા આવતી જશે, વધતી જશે.” જ્યાં સુધી જીવને મોહનો ઉદય હોય છે ત્યાં સુધી તે સતત પાપના બંધ બાંધે છે, પણ જ્યારે આજ્ઞારૂપી તપ તેના આત્મપ્રદેશ પર ફેલાય છે ત્યારે તેમાં ફેરફાર થઈ જાય છે. જો તેને પૂર્વકૃત પાપનો ઉદય આવે છે તો એ આજ્ઞાનું કવચ તેના પ્રદેશોને એવા નિમિત્તમાં લઈ જાય છે કે તેને નવાં પાપ બંધાતાં નથી પણ પુણ્ય બંધાય છે. જેને આપણે પુણ્યાનુબંધી પાપ કહી શકીએ. જો તેને પૂર્વકૃત પુણ્યનો એટલે કે શાતા વેદનીયનો ઉદય આવે છે તો તે આજ્ઞાનું કવચ તેને સંસારી પુણ્ય બાંધતા બચાવી પરમાર્થ પુણ્યના બંધમાં દોરી જાય છે જેને આપણે પુણ્યાનુબંધી પુણ્ય ગણી શકીએ. બાંધેલાં તે પુણ્યના પ્રભાવથી જીવ અનંતકાળથી ચાલ્યા આવેલા આર્ત તથા રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે, અને સમય જતાં પ્રગતિ કરી શુક્લધ્યાનને આરાધતો થાય છે. તેનાં તે ધ્યાનના આશ્રયે સર્વ ઘાતકર્મો ક્ષય થાય છે.
૩૭૩