________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞાપાલન કરી ધર્મમાં સ્થિરતા મેળવતા જવાથી તે જીવનું વીર્ય વધતું જાય છે. વધેલા વીર્યનો સદુપયોગ કરી જીવ આજ્ઞારૂપી તપ વધારી કર્મની નિર્જરા અનેકગણી કરી શકે છે. નિર્જરા વર્ધમાન થતાં તે જીવની ધર્મસ્થિરતા વધે છે, આમ કલ્યાણનું શુભચક્ર ગતિમાન થાય છે.
આ રીતે નિર્મળભાવથી વસતા સાધુસાધ્વીઓ જ્યારે પોતાના સ્વચ્છંદનો ત્યાગ કરીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો પુરુષાર્થ કરે છે ત્યારે, શ્રી તીર્થંકર પ્રભુ, સિદ્ધ પ્રભુ અને આચાર્યજીએ તેમજ ઉપાધ્યાયજીએ જગતમાં વહેતાં મૂકેલા કલ્યાણભાવનાં પરમાણુઓને મોટી સંખ્યામાં ગ્રહણ કરી શકે છે, અને તેટલા પ્રમાણમાં ઘાતીકર્મોનું ગ્રહણ અલ્પ થાય છે. આ સમયે તેમની દશાનુસાર તેમનામાં જગતનાં સુખની સ્પૃહા અમુક માત્રામાં પ્રવર્તતી હોય છે, તે સ્પૃહાની અસરથી તેઓ મુખ્યતાએ છદ્મસ્થ એવા આચાર્યજી અને ઉપાધ્યાયજીએ દોહરાવેલા કલ્યાણનાં શુભ પરમાણુઓ સ્વીકારે છે; અને ગૌણતાએ શ્રી અરિહંત પ્રભુ તથા શ્રી સિદ્ધપ્રભુએ વરસાવેલા પરમાણુઓ સ્વીકારતા હોય છે. શ્રી આચાર્યજી તથા ઉપાધ્યાયજીમાં પણ અમુક અંશે અપરિપૂર્ણતા પ્રવર્તતી હોવાને લીધે તેમના દ્વારા સર્જિત કલ્યાણનાં પરમાણુઓમાં પણ એટલા અંશે સંસારની સ્પૃહા ભળેલી રહે છે. સમાન વચ્ચે આકર્ષણ થાય એ ન્યાયે સાધુસાધ્વીજીના જીવો સ્પૃહાવાળા પરમાણુઓ મુખ્યતાએ ગ્રહણ કરે છે. તેઓ આ પરમાણુઓનો સદુપયોગ કરી, પોતાની દશા તથા વીર્યને વધારી, બચેલા પરમાણુઓના ભાગમાં પોતાની કલ્યાણભાવના ઉમેરી, જગતજીવોને ધર્મસન્મુખ કરવા માટે ફરીથી જગતમાં તરતા મૂકે છે. આવા સસ્પૃહ પરમાણુઓને જગતનાં સામાન્ય જીવો, પોતાની સંસારભાવનાને સહેજે અનુકૂળ લાગવાથી તેનો સ્વીકાર કરી ધર્મસન્મુખ અને આત્મસન્મુખ થવાની પાત્રતા કેળવે છે. આ પુણ્યકાર્યના સદ્ભાવથી અને ઉપાધ્યાયજી તથા આચાર્યજી સાથે કેળવેલા તાદાત્મ્યભાવથી સાધુસાધ્વીજી ઉર્ધ્વગામી બની, ઉપરની પદવીએ જવા ભાગ્યશાળી થતા જાય છે.
શ્રી ઉપાધ્યાયજી પ્રભુપ્રણીત મોક્ષમાર્ગને સાધુસાધ્વીજી કરતાં વધારે ઊંડાણથી અને વધારે વિશદતાથી જાણે છે, અનુભવે છે, કેમકે તેમનો સ્વચ્છંદ સાધુસાધ્વીજી કરતાં
૩૬૨