________________
આણાએ ધમ્મો, આણાએ તવો
શ્રી પ્રભુની પાઠશાળામાં ઉત્સાહી, આજ્ઞાધીન અને યોગ્ય પુરુષાર્થી સાધુસાધ્વીઓરૂપ વિનિત શિષ્યો ધર્મ માર્ગના પ્રવર્તન માટે બળવાન અંગસ્વરૂપ છે. તેઓ પોતાના માર્ગદર્શક એવા શ્રી ઉપાધ્યાયજી અને આચાર્યજીના આશ્રયે પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરતાં કરતાં સંસારી જીવોને માર્ગદર્શન તથા પ્રેરણા આપી ધર્મસન્મુખ કરવાનું ઉત્તમ કાર્ય કરે છે. આ કાર્ય કરવામાં એક જ સાધુનું યોગદાન લેવામાં આવે તો સંસારી જીવો પર ધારી અસર થતી નથી, કેમકે માર્ગપ્રાપ્તિની શરૂઆતમાં એટલે કે આરંભનાં સાધુજીવનમાં આજ્ઞા પાળવાની શક્તિ તથા ઉદ્યમ બંને પ્રમાણમાં ઓછાં હોય છે. તેથી આજ્ઞાનો માર્ગ એક જ હોવા છતાં શિષ્યો પોતાનાં મોહ અને મિથ્યાત્વને કારણે તથા વિવિધ પ્રકારના કર્મોદયને કારણે આજ્ઞા જુદી જુદી રીતે પાળે છે. તેથી એક સાધુની અપેક્ષાએ આજ્ઞાની શુદ્ધિ ધર્મની વૃદ્ધિ કરવા માટે જીવને ઓછી પડે છે. પરંતુ જો સમસ્ત સાધુ – સાધ્વીજીના સમૂહની આજ્ઞા પાળવાના પુરુષાર્થનો સરવાળો કરવામાં આવે તો એ આજ્ઞાનો જથ્થો સંસારી જીવોને ધર્મ પામવા માટે ઉત્તમ સાધનરૂપ થઈ જાય છે. બીજી બાજુ સંસારી જીવોનાં મિથ્યાત્વ અને મોહનો ઢગલો પણ એવો જ બળવાન હોવાથી તેને નબળો કરવા માટે સમગ્ર સાધુ-સાધ્વીના આજ્ઞાપાલનના સમગ્ર જથ્થાની જરૂરત રહે છે. આ અને વિદ્યાર્થીગણના સમૂહ હોય એ કારણથી નમસ્કાર મંત્રનાં પાંચમાં ચરણમાં ‘નમો લોએ સવ્વ સાહૂણં’ મૂકાયું જણાય છે. લોકનાં સમસ્ત સાધુ સાધ્વીજીને આ ચરણમાં વંદન કરી, આજ્ઞાપાલનનો ઉદ્યમ સમજાવી, જનસમૂહનાં મિથ્યાત્વ તથા મોહના નાશનો આરંભ કઈ રીતે થાય છે તે પ્રગટ કર્યું છે. જીવની સભાનતાપૂર્વકની ધર્મસન્મુખતા પ્રગટરૂપે સાધુસાધ્વીનાં યોગદાનથી થતી હોવાથી તેઓ આત્મમાર્ગનું મુખ્ય અંગ ગણાય છે.
આગળ વધતાં સાધુસાધ્વીજીની આજ્ઞાનું પાલન કરવાની શક્તિ વધતી જાય છે, અને તે જીવ શુધ્ધ થતાં થતાં ઉપાધ્યાય, આચાર્ય કે અરિહંતપદ સુધીનું કાર્ય કરવાની શક્તિ પણ મેળવી શકે છે. પરિણામે સમૂહને બદલે વ્યક્તિગત યોગદાન પણ કલ્યાણકાર્ય કરાવવા પૂરતું થઈ શકે છે. એક બાજુ શિષ્યની પાત્રતા વધી હોવાથી અને બીજી બાજુ ઉપાધ્યાય, આચાર્ય કે અરિહંત, જેમની પાસેથી દાન લેવાનું છે તેમની
૩૫૯