________________
કેવળી પ્રભુનો સાથ
અવળે માર્ગે જતાં કે ખોટા ભાવો કરતાં તેઓ અટકાવે છે અને ધર્મક્રિયાથી બંધાતા પુણ્યનો ઉપયોગ માત્ર આત્મશુદ્ધિ કરવા માટે જ રખાવે છે.
એ જ પ્રમાણે આંતરબાહ્ય કોઈ પણ પ્રકારનું તપ જીવ સ્વચ્છેદે આચરે છે ત્યારે તેનો પોતા માટેનો માનભાવ વધે છે; તેને લીધે તે અન્ય જીવો માટે તુચ્છભાવ વેદતો થાય છે, તે સાચા વિવેકને જાળવી શકતો નથી, એટલું જ નહિ પણ તેણે આચરેલા તપના પ્રભાવથી જો લબ્ધિ કે સિદ્ધિ ઉત્પન્ન થાય છે તો તે તેનો પણ દુરુપયોગ કરી, તપથી કરેલી નિર્જરા કરતાં અનેકગણાં અશુભ કર્મોનો આશ્રવ કરી બેસે છે. આમ તે કલ્યાણનાં કારણરૂપ તપનો સ્વેચ્છાથી દુરુપયોગ કરી, સંસારની વૃદ્ધિ જ કરે છે. આવી ભયભરેલી સ્થિતિથી જીવનું રક્ષણ કરવા માટે શ્રી પ્રભુએ તપનું આચરણ પણ “આજ્ઞાપૂર્વક થવું જોઈએ એમ આપણને સ્પષ્ટપણે બોધ્યું છે. ગુરુની છત્રછાયા હોવાથી શિષ્ય સ્વેચ્છાએ કરાતી ભૂલોથી બચી જાય છે.
આણાએ ધમ્મો, આણાએ તવો' એ સૂત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને ધર્મ, તપ તથા આજ્ઞાનું મહત્ત્વ સમજાય છે. પણ તે પર વિશેષ ધ્યાન કેંદ્રિત કરતાં એ સવાલ આવે છે કે “આણાએ' શબ્દ ધર્મ તથા તપ એ બંને માટે બે વાર શા માટે પ્રયોજ્યો હશે? ધર્મને તપ કરતાં શા માટે પહેલા મૂકવામાં આવ્યો હશે? તપને શા કારણે ધર્મ પછી મૂક્યું હશે? તપને જો આપણે ધર્મનો જ એક ભાગ ગણીએ તો અહીં તપને જુદું મૂકવાનો હેતુ શો હોઈ શકે? વગેરે સવાલો આપણી જિજ્ઞાસા બળવાન કરે છે. તેનું સમાધાન મેળવવા થોડો વિશેષ પુરુષાર્થ કરવાની આપણને જરૂર રહે છે.
ધર્મનું આરાધન ભક્તિ, તપ, સ્વાધ્યાય, જપ, ક્રિયાઓ આદિ અનેક સાધનોથી કરી શકાય છે. એટલે કે “તપ' એ ધર્મનો એક ભાગ છે એવી સમજણ તેમાંથી નિષ્પન્ન થાય છે. આ પર વિચાર કરતાં એમ થાય છે કે, તો પછી અહીં અન્ય સાધનોને ગોણ કરી એક માત્ર તપને મુખ્યતા શા માટે આપી હશે? જપ, ભક્તિ આદિ સાધનો પણ ગુરુ પ્રતિ સદ્ભાવ કેળવવામાં ભાગ તો ભજવે જ છે તો તે બધાને શા કારણે ગૌણપણું અપાયું હશે! વિચારણામાં જરા ઊંડાણમાં જતાં એમ સમજાય છે
૩૪૬