________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સેવે છે તેનો ચિતાર પણ લોકોને આપે છે કે જેથી સન્માર્ગ આરાધવાની ઇચ્છાવાળા સહુ જીવો માર્ગને સૂક્ષ્મતાથી જાણી શકે. વળી, આત્મામાં અમુક માત્રામાં શુદ્ધિ કે આજ્ઞાધીનપણું ખીલે નહિ ત્યાં સુધી તેઓ અન્ય જીવોને માર્ગ ઉપદેશક થવાની સંમતિ આપતા નથી, કેમકે અધૂરો ઘડો છલકાય એ ન્યાયે પૂરી જાણકારી વિના જીવથી દોષિત બોધ અપાઈ જવાનો સંભવ રહે છે. આંતર તેમજ બાહ્યથી જીવ જ્યારે છઠ્ઠું ઉપદેશક ગુણસ્થાન મેળવે છે, પોતાનું આજ્ઞાધીનપણું કેળવે છે ત્યાર પછી જ તે જીવ શ્રી જિનપ્રભુના અભિપ્રાય પ્રમાણે માર્ગ ઉપદેશવાની પાત્રતા મેળવે છે. તે પહેલાં પ્રવર્તતા સ્વચ્છંદને કારણે અને ભેદરહસ્યોની સાચી જાણકારીના અભાવને કારણે તે જીવથી યથાર્થ ઉપદેશ આપી શકાતો નથી. તે સર્વની પાત્રતા કેળવવા માટે કડક ચારિત્રપાલન અને જ્ઞાનદર્શનની ખીલવણી અનિવાર્ય છે, જેના નીતિનિયમો પ્રભુએ ખૂબ વિસ્તારથી સમજાવ્યાં છે. આ રીતે જે જીવને આત્માની પૂર્ણ વિશુદ્ધિ ત્વરાથી મેળવવી છે તેને માટે જિનોક્ત માર્ગે ચાલવું ઉત્તમ સાબિત થાય છે. પરંતુ જે જીવને સંસારની રુચિ વિશેષ હોય, વિષયવાસનાનું જોર વધારે હોય તેને આ માર્ગ આરાધવો, તેનો યથાર્થ લાભ મેળવવો ખૂબ કઠણ થઈ જાય છે.
સંસારની શાતાનું આકર્ષણ, સંસારી પદાર્થો ભોગવવાનો મોહ, આત્મશુદ્ધિ કરવાની મહત્તાનું ગૌણપણું તથા પ્રકાશક ઉત્તમ પુરુષ માટે જરૂરી અહોભાવનો અભાવ એ આદિ કારણોને લીધે ઘણાં ઘણાં જીવો જિનોક્ત માર્ગને યથાર્થતાએ
આરાધી શકતા નથી. તેઓ આ કારણોને લીધે આ માર્ગને સમ્યક્ પ્રકારે જાણી કે ઓળખી શકતા નથી, કદાચિત અમુક અંશે જાણે અને ઓળખે તો પણ ઊંડાણથી શ્રદ્ધી શકતા નથી, અને શ્રદ્ધા કરે તો યથાર્થતાએ આચરી શકતા નથી. સંસારનો મોહ તેમને સમ્યક્ ધર્મપાલનથી દૂર ધકેલી દેતો હોય છે. પરિણામે તેમને પ્રવર્તતી વર્તમાનની મોહદશાને અનુરૂપ અને પોષક જે માર્ગ જણાય તેના પ્રતિ તેઓ આકર્ષાય છે, અને તે માર્ગને અનુસરતા થાય છે. અથવા તો તેઓ કુળધર્મથી કે અન્ય પ્રકારે જે ધર્મમાર્ગનો તેમને સાનુકૂળ પરિચય જણાય છે તે માર્ગને અનુસરે છે. તે કારણે પૂર્ણતા પામવાનો મળેલો અવકાશ બરાબર ઉપયોગ કર્યા વગરનો રહી જાય છે. તેના ઉપાય
૩૧૯