________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આપણે આ વર્ષના પત્રોના અભ્યાસથી જાણી શકીએ છીએ. સહુ જીવ કલ્યાણ પામે, અને તે કલ્યાણ કરવા માટે અવકાશ મળે તો સારું એવા તેમના ભાવ આ વર્ષમાં વિકસ્યા હતા. છતાં વેપારાદિ કર્મના ઉદયને કારણે તેવો જોગ, સર્વસંગ પરિત્યાગનો યોગ બની શક્યો નહિ. એને બદલે સં. ૧૯૪૯ની સાલમાં આંતરબાહ્ય શ્રેણિનો વિરોધ વધતો જતો જણાય છે. આ વર્ષમાં વેપાર તથા સંસારની પ્રવૃત્તિ વધ્યાં હતાં, તેથી આ વર્ષમાં લખાયેલા પત્રોમાં ઉપાધિયોગના બળવાનપણાનો ઉલ્લેખ વારંવાર વાંચવા મળે છે. તે લખાણમાં તેમનો આત્મા ક્લેશિત થયો હોય તેવું જણાતું નથી, પણ ઇચ્છેલી નિવૃત્તિ મળતી નહોતી તેનો ખેદ જણાય છે. વ્યવહારદૅષ્ટિથી અર્થાત્ બાહ્યથી જોઇએ તો આ મુશ્કેલીઓ એટલી બળવાન નહોતી કે પત્રમાં અનુભવાતી બળવાન વેદના તેમને વેદવી પડે. પરંતુ તેમની સાચી ઉપાધિ એ હતી કે તેમની નિવૃત્તિ લેવાની ઇચ્છા જેમ જેમ વધતી જતી હતી, તેમ તેમ નિવૃત્તિ તેમનાથી દૂર ભાગતી હતી. સાચું જાણ્યા અને સમજ્યા પછી, અનિચ્છાએ કરવું પડતું તેવું અપ્રવર્તન કેટલું કષ્ટદાયક હોય છે તે તો ભોગવનાર જ સમજી શકે. આ કષ્ટને વ્યક્ત કરતાં વચનો સં. ૧૯૪૮થી શરૂ થયેલાં જોવાં મળે છે; અને તેનો ઘણો વિસ્તાર તે પછીનાં વર્ષમાં થયેલો દેખાય છે. તેમણે લખેલા તત્ત્વબોધના પત્રોમાં પણ આવા ઉપાધિ યોગથી લખવાનું બની શકતું નથી; અન્ય પરમાર્થિક પ્રવૃત્તિ પણ થઈ શકતી નથી, એવા ઉલ્લેખો વારંવાર જોવા મળે છે. ઉદા.ત.
“ઉપાધિ વેદવા માટે જોઇતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાર્થનું દુ:ખ મટયા છતાં સંસારનું પ્રાસંગિક દુ:ખ રહ્યા કરે છે. તે દુઃખ પોતાની ઇચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિના કારણનું રહે છે.” (માગશર વદ ૯, ૧૯૪૯. આંક ૪૨૫)
“ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે
૨૯૯