________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
હતી નહિ, એટલે સર્વને શાંતિ ઉપજે તેવું વર્તન કરવા જતાં તેમનાં ચિત્તમાં ઉપાધિ વેદવાના પ્રસંગો વધતા જતા હતા. આવા સંજોગોમાં પણ સમભાવ રાખવા માટે તેઓ ખૂબ પ્રયત્નવાન હતા. આ વખતે તેમને સત્સંગની ખામી ખૂબ જ પીડાકારક લાગતી હતી. પરિણામે તેમની આંતરબાહ્ય શ્રેણિનો વિરોધ ઘણો તીવ્ર થઈ ગયો હતો. આમ થવાનું કારણ સમજવું રસપ્રદ છે.
સિદ્ધાંત સમજાવે છે કે જીવ જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત કરવાની શરૂઆત કરે છે ત્યારે તેનાં સર્વ કર્મો એક ક્રોડાક્રોડી સાગરોપમથી ન્યૂન થયા હોય છે, અને જ્યારે તેને ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત થાય છે ત્યારે તેનું મોહનીય કર્મ તથા અન્ય ઘાતકર્મો શેષ કર્મથી અડધા કરતાં પણ ઓછાં થઈ જાય છે. આ વખતે જેટલાં કર્મો બચ્યાં હોય છે તેને ખપાવવાની ઉત્કૃષ્ટ મર્યાદા પંદર ભવની થાય છે. વળી, તે જીવ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે તો તેની કર્મ ખપાવવાની ઉત્કૃષ્ટ મર્યાદા ત્રણ ભવની જ થઈ જાય છે, તેમાં ય એક ભવ તો જે દેહમાં રહી ક્ષાયિક પ્રાપ્ત કર્યું હોય તે ગણાય છે. આથી માત્ર બીજા બે મનુષ્ય જન્મમાં જીવે શેષ કર્મો ક્ષય કરવાનાં રહે છે. આ પરિસ્થિતિનો વિચાર કરીએ તો આપણને સમજાય કે લગભગ ક્રોડાકોડી ચાલે તેટલાં કર્મો માત્ર બે કે ત્રણ મનુષ્ય જન્મમાં જ નિઃશેષ કરવાનાં હોય તો એક સાથે કેટલાં વધારે કર્મોનો ઉદય આવવો જોઇએ! કર્મના ઉદયના હલ્લાનો આવો જથ્થો કોઈ પણ જીવને હલાવી નાખવા સમર્થ થઈ શકે.
વળી, સમકિત લેતાં પહેલાં તો પ્રત્યેક જીવને સંસારની આસક્તિ બળવાનપણે વર્તતી હોય છે; આ આસક્તિ સમકિત અને ક્ષાયિક સમકિત લીધા પછી પણ યોગ્ય માત્રામાં તૂટે નહિ તો જીવને નવાં અનેક કર્મોનાં બંધન વધી જાય, અને તેની પરેશાનીનો કોઈ પાર રહે નહિ. આ સ્થિતિથી બચાવવા માટે મોટેભાગે જીવને શાતા કરતાં અશાતાના ઉદયો પહેલા આવે છે, જેથી કરીને તેની સંસારની આસક્તિ ઝડપથી ક્ષીણ થતી જાય, વૈરાગ્ય વધતો જાય અને વૈરાગ્યનો પ્રકાર પણ શુદ્ધ થતો જાય. ઉપરાંત, આ દશાએ જીવને અશાતાનો નકાર જેટલો બળવાન હોય છે તેટલો બળવાન નકાર શાતા વિશે હોતો નથી; પરિણામે તેને જ્યારે છૂટવાના ભાવ તીવ્ર થાય
૨૬૭