________________
કેવળી પ્રભુનો સાથ
“સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે, કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે.” (મહા સુદ ૯, ૧૯૪૭, આંક ૧૯૭)
આમ કૃપાળુદેવમાં સ્વપર વિશેનો કલ્યાણભાવ વધતો જતો હતો. અને તેની સાનુકૂળતા વધારતા જવાના પુરુષાર્થને લીધે તેમને લાધેલું ભેદજ્ઞાન ઊંડું થતું હતું, અને મોહનો પણ ત્વરિત ગતિથી નાશ થતો જતો હતો. તેનાં પરિણામે અલખ લેમાં યોગે કરીને આત્માનો સમાવેશ કરવાની તેમની ભાવના પૂરી થઈ હતી, અર્થાત્ તેમણે સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કર્યો હતો, તેનું વર્ણન તેમણે આ રીતે કર્યું હતું, -
“આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે, આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસદળ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે .. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મળીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે, એવું સૂક્ષ્મસ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અભુત ભક્તિ ગાઈ છે ... આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે ... ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણસમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” (મહા વદ ૩, ૧૯૪૭. આંક ૨૦૧)
આ વચનો સ્પષ્ટ કરે છે કે મહાવદ ત્રીજના દિવસે કૃપાળુદેવને પરાભક્તિની પ્રાપ્તિનો આરંભ થયો. તેમની ભક્તિ અને અર્પણતા એક સોપાન ચડ્યાં.
૨૫૨