________________
પ્રકરણ ૧૦ શ્રી અરિહંતનો મહિમા
સર્વોત્તમ મંગલ અને કલ્યાણ જે આત્મામાં સમાયાં છે એવા તીર્થસ્થાનરૂપ શ્રી અરિહંત પ્રભુને કોટિ કોટિ વંદન હો. વંદન હો. એમનો કલ્યાણભાવ મેળવવાની, માણવાની અને જીવનમાં પ્રગટાવવાની આપણી પાત્રતા પ્રતિદિન વધતી જાઓ એ જ પ્રાર્થના છે.
તીર્થસ્થાન એટલે એવું ક્ષેત્ર કે જ્યાં વસી આત્મા પોતાના પર લાગેલાં કર્મનાં થરને નિવૃત્ત કરવાનો અવકાશ પામે છે; એટલું જ નહિ પણ તે માટે જરૂરી એવાં યોગ્ય સાધનોની પ્રાપ્તિ કરી, તેનો ઉપયોગ કરી, પોતાનો આત્મશુદ્ધિ માટેનો પુરુષાર્થ વિશદતાથી ઉપાડી શકે છે. જે ક્ષેત્રમાં આવું ઉત્તમ કાર્ય થતું હોય છે તે ક્ષેત્રમાં અનેક જીવો તેનો લાભ લઈ, પ્રગતિ સાધી એ સ્થાનની પવિત્રતા તથા મહત્તા વધારવાનું પુણ્યકાર્ય કરતા હોય છે. જેમ જેમ તીર્થસ્થાનમાં પૂર્ણ થવાનો પુરુષાર્થ વધે છે, તેના ફળની પ્રાપ્તિ વધે છે, તેમ તેમ તેનો મહિમા તથા પ્રભાવ પણ વધતા જાય છે. આ સ્થળનાં પરમાણુઓ એવાં ઉત્તમ થતાં જાય છે કે તે ક્ષેત્રમાં રહી પુરુષાર્થ કરનારને અલ્પ પ્રયત્ન વિશેષ ફળની અને વધારે ઊંચા ફળની પ્રાપ્તિ થાય છે. વળી, આવા ક્ષેત્રોમાં સંસારી અંતરાયો કે વિનોનો ઉપદ્રવ અલ્પ થતો જતો હોવાથી જીવને કાર્ય કરવાની અપેક્ષાએ વિશેષ લાભ મળતો જાય છે. આમ એક નિયત ક્ષેત્રમાં શુભ પ્રવૃત્તિ, આત્મિક પુરુષાર્થ વારંવાર થતો રહેતો હોવાથી એ ક્ષેત્રની પવિત્રતા, મહિમા અને પ્રભાવ દિનપ્રતિદિન વધતાં રહે છે.
બાહ્યથી આવાં અનેક પવિત્ર સ્થળો આપણને જોવા મળે છે, અને લોકો તેનો લાભ લઈ તે સ્થળમાં નિવૃત્તિની પ્રવૃત્તિ કરતા રહે છે. પરંતુ જરા ઊંડાણથી વિચારીએ તો આવા મહિમાવાન ક્ષેત્રનું ઉદ્ગમસ્થાન શ્રી તીર્થકર પ્રભુનો આત્મા છે. અને તે