________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
સુધી રહ્યું. અપૂર્વ આનંદ તેવો ને તેવો જ છે. પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં તે પછીનો કાળક્ષેપ કર્યો. ‘કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું રે’ એવું એક પદ કર્યું. હ્રદય બહુ આનંદમાં છે.” (આસો સુદ ૧૧, ૧૯૪૬. આંક ૧૫૨).
આ વર્ષમાં તેઓ આત્મા પરનાં મિથ્યાત્વનાં અને અનંતાનુબંધી કર્મનાં દળિયાં ક્ષય કરવા કટિબધ્ધ થયા હોય તેમ દેખાય છે. પણ તેમણે સ્વીકારેલો માર્ગ પ્રસન્નતાનો હતો તે પણ આપણને સમજાય છે. જીવની માર્ગપ્રતિ બે દૃષ્ટિ જોવા મળે છે, એક હજુ કેટલું બાકી છે તેનો નિરાશાપૂર્વક વિચાર કરી ગમગીની પામે છે, બીજો કેટલું પ્રાપ્ત થયું તેની ગણતરી રાખી પ્રસન્નતા વેદે છે. કૃપાળુદેવનો અભિગમ બીજા પ્રકારનો જોવા મળે છે, જે પ્રાપ્ત થયું છે તેનો આનંદ તેઓ માણતા જાય છે અને જે મેળવવાનું બાકી છે તે માટે પ્રભુ પાસે શ્રધ્ધા સાથે માગતા જાય છે. આમ કૃપાળુદેવ આત્મશુદ્ધિની પ્રાપ્તિ ખૂબ આનંદ સાથે કરતા જાય છે. તે સાથે પ્રભુપ્રતિનો તેમનો અહોભાવ અને પૂજ્યભાવ તેમનાં દસ્કતોમાં પણ જોવા મળે છે. ઉદા. ત્યાગીના યથાયોગ્ય (૨૭), રાયચંદના જિનાય નમઃ (૨૯), રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સહિત પ્રણામ (૫૦), ધર્મોપજીવનના ઇચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ (૬૬), પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય (૧૪૩) ઈત્યાદિ. આમ તેમણે પ્રસન્નતાનો માર્ગ સ્વીકાર્યો હોવાથી, આત્મશુદ્ધિ માટે ઉચ્ચ પુરુષાર્થ કરતી વખતે પણ તેમના આનંદની અનુભૂતિમાં અંશ પણ ઓટ તેમણે આવવા દીધી ન હતી, જે આપણે આ પછીના તબક્કામાં ખૂબ સારી રીતે જોઈ શકીએ છીએ. અને તેમનામાં ખીલતા ગુણો પણ સતત અનુભવાય છે. આ બધાનો વિચાર કરવાથી કૃપાળુદેવમાં જે ધર્મનું મંગલપણું ખીલતું ગયું હતું તેની સમજણ આપણને મળતી જાય છે.
આ તબક્કામાં આપણને જાણવા મળે છે કે કૃપાળુદેવને જેમ જેમ ધર્મની સમજણ અને અનુભવ ઊંડાણભર્યા થતાં જાય છે તેમ તેમ તે ધર્મની જાણકારી અન્ય જીવોને આપવાની, ધર્મની પ્રભાવના કરવાની તેમની ભાવના બળવાન થતી જાય છે. પોતાને જે કંઈ ઉત્તમની પ્રાપ્તિ થાય છે તે સર્વને થાય એવી ભાવના તેમનામાં સ્પષ્ટપણે
૨૪૩