________________
કેવળી પ્રભુનો સાથ
આ ઇચ્છા સ્વાભાવિકપણે જ ઉત્પન્ન થઈ હતી, તેની પાછળ ગૂઢ રહસ્ય સમાયેલું હોય એવો અણસાર આપણને આવે છે, કેમકે જેમનું ભાવિ ઉત્તમ હોય, પંચપરમેષ્ટિપદને અનુસરનારું હોય તેમને જ આવા સહજ સ્વાભાવિક ભાવો આવે છે. તે ઉપરાંત, તેમના ભાવોમાં આછકલાપણું નથી, પાત્રતા આવ્યા પહેલાં ધર્મ પ્રવર્તન કરવાના ભાવ તેમને નથી, એ ઉપરના અવલોકનને સમર્થન આપે છે. તેઓ આ ભાવના પૂર્ણ કરવા માટે પાત્રતા કેળવવાની પૂરી તૈયારી કરવા ઇચ્છે છે, તેથી તેઓ પૂર્વ પ્રાપ્ત સમ્યક્દર્શનને વિશુદ્ધ કરવાની ભાવના ઉત્તરોત્તર વધારતા જતા હતા. પરિણામે સંસારી પ્રવૃત્તિઓ કરવાનો તેમનો રસ ઘટતો જતો હતો, અને તેમની ક્ષાયિક સમકિત મેળવવાની તૈયારી થતી જતી હતી. પ્રભુ પ્રતિના પૂજ્યભાવ અને નિર્મળ પ્રેમ વધતા જતા હતા, ભક્તિભાવ વધવાથી ‘ઈશ્વરેચ્છાને જ આધીન થઈ વર્તવું તે પોતાને માટે યોગ્ય છે એમ લાગવાને લીધે એ જ રીતે વર્તવાનો પરુષાર્થ તેઓ આ વર્ષથી શરૂ કરે છે. તે માટે તેઓ ઈશ્વરની તથા સત્પરુષની ઇચ્છાને આધીન થઈ વર્તવાની પ્રણાલી સ્વીકારતા જાય છે. પ્રભુનાં અજોડ સ્વરૂપની સમજણ તેમને પ્રભુમય બનાવતી જાય છે; જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ કરવામાં તેઓ પરોવાતા જાય છે. તેનાં સાક્ષી છે તેમનાં આ વચનો, -
“ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે, જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુ:ખી હોતો નથી, અથવા દુ:ખી હોય તો દુ:ખ વેદતો નથી. દુ:ખ ઊલટું સુખરૂપ થઈ પડે છે, ....... રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે; .... હાડ, માંસ, અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગના છે, ........ તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું; નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યા રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, .... એમ છે.
૨૪૦