________________
કેવળી પ્રભુનો સાથ
જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયોનો નાશ કરી, સમ્યકત્વ, ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ આદિ આત્માના અલૌકિક ગુણોને વિશેષતાએ ખીલવવા માટે તથા મોક્ષ મેળવવાની તૈયારી કરવા માટે આરાધન કરવામાં આવે છે. આ આરાધનને ઉત્કૃષ્ટતાએ પહોંચાડી જીવ કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવવાનો પુરુષાર્થ કરી શકે છે. આ આરાધનથી આપ્ત પુરુષનાં જીવનમાં ધર્મનું જે મંગલપણું વર્તે છે તેનો લાભ જીવ લઈ શકે છે. પર્વના આ ઉત્તમ દિવસોમાં જે આત્માઓ પોતાની શુદ્ધિની ચરમ સીમા પામવા માટે મથતા હોય છે, તેમનાં સાનિધ્યમાં તેમનાં માર્ગદર્શન અનુસાર પ્રાથમિક અવસ્થાએ વસતા જીવો આત્મારાધન કરવાનો પુરુષાર્થ શરૂ કરે છે, આ સાથે ઉત્તમ આત્માઓનાં આરાધનને કારણે ફેલાતા તેમના કલ્યાણભાવનો લાભ મેળવી તેઓ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે છે, અને પ્રગતિ સાધે છે. આમ આવા પર્વના દિવસો કલ્યાણમય તથા મંગલમય ધર્મની પ્રભાવના કરે છે. ધર્મનું મંગલપણું પામવા માટે આપ્ત પુરુષનું જીવન જાણવું ખૂબ ઉપકારી થાય છે. શ્રી રાજપ્રભુ આવા આપ્તપુરુષ હતા અને તેમનાં જીવનમાં ધર્મનું મંગલપણું કેવી રીતે પ્રગટ થતું હતું તેનો અભ્યાસ કરવો ખૂબ રસપ્રદ બની જાય છે.
સંસારમાં આડેધડ રખડતો જીવ જ્યારે શાંતિ મેળવવા ઝંખે છે અને જ્યારે તેને કૃપાસિંધુ સપુરુષ ગુરુરૂપે પ્રાપ્ત થાય છે ત્યારે તેનામાં મંગલમય ધર્મનો પ્રવેશ થાય છે. શ્રી સદ્ગુરુના ઉપદેશથી તેને સમજાય છે કે સુખ પામવા માટે તેણે અત્યાર સુધી જે જે પ્રવૃત્તિ કરી હતી તે આત્માર્થે નિષ્ફળ અને વ્યર્થ હતી, એટલું જ નહિ પણ તે પ્રવૃત્તિ સંસાર વધારનાર અને શાશ્વત સુખથી વંચિત કરનાર હતી. તેને જો સાચું સુખ મેળવવું હોય તો તેણે સંસારની આળપંપાળ છોડી, આત્માને ઓળખી, આત્માના ગુણો વિકસાવવામાં પ્રવૃત્ત થવું જોઇએ. આના અનુસંધાનમાં તેને સ્પષ્ટતાએ સમજાય છે કે આ સંસારમાં પ્રાપ્ત થતી શાતારૂપ સર્વ સામગ્રી સદાય માટે અનિત્ય છે, સંસારની એક પણ શાતા ચિરકાળ ટકવાની નથી. તેણે જેમાં અતિ વિશેષતાએ મારાપણું કર્યું છે, તેવાં દેહ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન, વૈભવ, પરિગ્રહ, કીર્તિ, સત્તા
૨૦૨