________________
પ્રકરણ ૧૨ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું
ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
જેમણે આત્માની શુદ્ધિ અનુભવી છે અને અન્યને શુદ્ધિ મેળવવામાં સહાય કરી શકવા જેટલી શક્તિ મેળવી છે, તે આપ્ત પુરુષ કહેવાય છે. આવા આપ્ત પુરુષનાં હૃદયમાં તીર્થસ્થાન પ્રવર્તે છે, અને તેથી તેઓ “સહુ જીવો કલ્યાણ પામો' એવી ભાવના નિરંતર ભાવે છે, અને એ ભાવને લગતાં કલ્યાણનાં પરમાણુઓ નિરંતર વહાવતા રહે છે. એ પરમાણુઓ ગ્રહણ કરી સામાન્ય જીવો ધર્મ સન્મુખ થતા જાય છે, અને ધર્મમાં રહેલાં મંગલપણાનો અનુભવ કરી ધન્ય બનતા જાય છે. તે સહુમાં ધર્મનાં ઉત્કૃષ્ટ મંગલપણાનો પરિચય કરાવનાર છે શ્રી તીર્થકર પ્રભુ; અને તેમના સાનિધ્યમાં રહી શ્રી ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુ-સાધ્વીજી રૂપ પંચપરમેષ્ટિ ભગવંત આ મંગલપણાનો ફેલાવો કરતા રહે છે. આવા મંગલમય ધર્મની આરાધના કરવા માટે વર્ષના સહુ દિવસોને પ્રભુએ યોગ્ય કહ્યા છે, તેમ છતાં અમુક અમુક દિવસોએ જો સમૂહમાં આરાધન કરવામાં આવે તો આત્માની ઉચ્ચ દશાએ વિરાજતા આપ્ત પુરુષોનો વિશેષ લાભ સામાન્ય જનો લઈ શકે છે, અને પોતાની ધર્મ સન્મુખતા વધારી શકે છે. આપ્ત પુરુષનાં સાનિધ્યમાં કરેલાં આરાધનથી જીવ પોતાની પ્રગતિ ઝડપી બનાવે છે અને ગુણો ખીલવતો જાય છે.
આપ્ત પુરુષનાં સાનિધ્યમાં સમૂહગત આરાધન કરવા માટે શ્રી તીર્થંકર પ્રભુએ પર્યુષણ પર્વ જેવા ઉત્તમ મંગલમય દિવસો સૂચવ્યા છે; તે પર્વને શ્રી પ્રભુએ ત્રિકાલિક અને સાર્વભૌમિક ગણાવ્યું છે. આ પર્વના શુભ દિવસો દરમ્યાન, અનાદિકાળથી
૨૦૧