________________
કેવળી પ્રભુનો સાથ
રાગાદિ ચિત્તના વિકારોમાં એકત્વબુદ્ધિ અને અહંબુદ્ધિ એ જ મિથ્યાત્વ નામનો પ્રથમ અંતરંગ પરિગ્રહ છે, જ્યાં સુધી આ પરિગ્રહ ન છૂટે ત્યાં સુધી અન્ય પરિગ્રહો છૂટી શકતા નથી. આ અંતરંગ પરિગ્રહ ત્યાગવો કેટલો કઠણ છે તે બતાવતાં સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં લખ્યું છે કે, “દરિદ્ર મનુષ્ય તો સ્વભાવથી જ બાહ્યપરિગ્રહ રહિત હોય છે, પરંતુ અંતરંગ પરિગ્રહને છોડવામાં કોઈ પણ સમર્થ હોતું નથી.”
આખી દુનિયા પરિગ્રહની ચિંતામાં દિવસ રાત એક કરી રહેલી દેખાય છે. લોકો પ૨પદાર્થને મેળવવામાં તદ્રુપ છે, તેમને એ લક્ષ આવતો નથી કે પ૨પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ તો પૂર્વકૃત પાપપુણ્યના આધારે થાય છે. અને તે મેળવવા તથા છોડવાના વિકલ્પમાં નવા પાપપુણ્ય બંધાતા જાય છે. પુણ્યના ઉદયથી વિના પ્રયત્ને સાનુકૂળ પદાર્થોનો સંયોગ અને પ્રતિકૂળ પદાર્થોનો વિયોગ થાય છે, એ જ રીતે પાપના ઉદયથી સાનુકૂળ પદાર્થોનો વિયોગ અને પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ થાય છે. તેમ છતાં સંસારી જીવ અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં અહંબુદ્ધિ અને કર્તૃત્વબુદ્ધિ કર્યા જ કરે છે, જે મિથ્યાત્વ નામના પરિગ્રહને પુષ્ટ કરે છે.
સંસારીજીવ જે મમત્વભાવ અને અહમત્વભાવ પરપદાર્થ પ્રતિ કરે છે તેનાથી બંધાયેલાં કર્મને ભોગવવા માટે તેને દેહ મળે છે. આ દેહનું મમત્વ ત્યાગવાથી દેહ છૂટી જતો નથી, પણ દેહનો પરિગ્રહ છૂટી જાય છે. દેહ તો સમય આવ્યે, આયુષ્ય પૂરું થતાં આપોઆપ છૂટી જાય છે પણ જેમણે મમત્વનો ત્યાગ કર્યો છે તેમને ફરીવાર દેહ ધારણ કરવો પડતો નથી, અને જેઓ દેહાદિથી એકત્વ કે રાગ છોડતા નથી તેમને વારંવાર દેહ ધારણ કરવો પડે છે. આ રીતે સર્વ પદાર્થોથી મારાપણું છોડતા જવાથી શુધ્ધ આર્કિચન્ય ધર્મ પ્રગટ થાય છે.
જીવે પોતાની ભૂમિકા સમજીને આ ધર્મ ધારણ કરવો જોઈએ. જિનદર્શનમાં કઈ ભૂમિકાએ કેટલો ત્યાગ હોય તેની ઝીણવટભરી સમજણ આપી છે. તેના અભ્યાસપૂર્વક પોતાના આચારવિચાર ઘડવા એ આકિંચન્ય ધર્મ ઇચ્છુકનું કર્તવ્ય છે.
૧૮૬