________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
અસત્ની સત્તા એ સાપેક્ષ છે. જીવનો અજીવમાં અભાવ છે, અને અજીવનો જીવમાં અભાવ છે અર્થાત્ જીવાજીવ એકબીજાની અપેક્ષાએ અસત્ છે. તેઓ સ્વચતુષ્ટયની અપેક્ષાએ સત્ અને પરચતુષ્ટયની અપેક્ષાએ અસત્ છે. કોઈને લાગે કે જગતમાં તો અસત્ય જ ફેલાયેલું છે, સત્ય નજરે પડતું નથી. પણ વિચારતાં સમજાશે કે એ વાત સત્ય નથી. જેની લોકમાં સત્તા હોય તે સત્ય.
ઉદાહરણથી વિચારીએ. “આ ઘટ છે” એમ કહેતાં તેમાં ત્રણ પ્રકારની સત્તા સમજાય છે. ઘટ નામના પદાર્થની સત્તા (અસ્તિત્વ) છે, ઘટને જાણનાર જ્ઞાનની સત્તા છે અને ‘ઘટ' શબ્દની પણ સત્તા છે. એ જ રીતે ‘પટ'ની પણ ત્રિવિધ સત્તા રહેલી છે. જેમની સત્તા છે તે સત્ય છે. એ ત્રણેનો સુમેળ હોય તો જ્ઞાન, વાણી અને પદાર્થ ત્રણે સત્ય છે. પણ જ્યારે તે ત્રણેનો સુમેળ ન હોય ત્યારે તેમાંથી અસત્ય નીપજે છે. ‘પટ’ શબ્દ દ્વારા ‘ઘટ’નો સંકેત કરવામાં આવે તો વાણી અસત્ય ઠરે છે. એ જ રીતે ‘ઘટ’ને ‘પટ’ સ્વરૂપે જાણીએ તો જ્ઞાન અસત્ય ઠરે છે, અને પદાર્થ તો પોતાનાં સ્વરૂપથી સત્ અને પરનાં સ્વરૂપથી અસત્ છે. આ પરથી ફિલત થાય છે કે અસત્ય વસ્તુમાં નથી, એ તો એને જાણવાવાળા જ્ઞાનમાં, માનવાવાળી શ્રધ્ધામાં અને કહેવાવાળી વાણીમાં રહેલું છે. તે પરથી સમજાશે કે અજ્ઞાનીઓનાં જ્ઞાન, શ્રધ્ધાન અને વાણી સિવાય આખા લોકમાં અસત્યની સત્તા નથી, સર્વત્ર સત્યનું સામ્રાજ્ય છે.
સત્ય તો સત્ય સ્વરૂપ જ છે, એને યથાર્થ જાણવાનું અને માનવાનું છે. આત્મસત્યને પ્રાપ્ત કરી રાગદ્વેષનો અભાવ કરીને વીતરાગતાની પરિણતિ મેળવવી એ જ સત્યધર્મ છે. વસ્તુ જેવી છે તેવી જાણવાનું નામ સત્ય છે, તેને ભલીબૂરી જાણવાનું નામ સત્ય નથી. વસ્તુમાં ભલાબૂરાનો ભેદ કરવો તે રાગદ્વેષ છે. જ્ઞાનનું કાર્ય જે જેમ છે તેમ જાણવું. વસ્તુમાં અસત્ય પ્રવેશતું નથી, પ્રવેશ વાણી અને સમજમાં થાય છે. તેથી જ્યાં દોષ થયો છે ત્યાંથી દોષને દૂર કરવો જોઇએ. મુખ પરના ડાઘ દર્પણમાં દેખાય તો દર્પણનો દોષ નથી, મુખ પરથી ડાઘ દૂર થાય તો જ ડાઘરહિત મુખ દર્પણમાં દેખાય.
૧૬૧