________________
કેવળી પ્રભુનો સાથ
અનુસંધાનમાં જીવમાં ‘ગુરુના જણાવેલા માર્ગે કષ્ટો વેઠીને પણ મારે ચાલવું છે’ એવા નિર્ણયરૂપ અર્પણભાવ પ્રવર્તે ત્યારથી કાર્યસિદ્ધિની શરૂઆત થાય છે.
ગુરુ સાચા છે, અને તેમનું કહ્યું મારે કરવું છે એ નક્કી કર્યા પછી જીવે એમની સામે વિનયથી વર્તવું ઘટે છે. તેમના જણાવ્યા પ્રમાણે વર્તવું, તેમની આમાન્યા જાળવવી, તેમના પ્રતિ અહોભાવ તથા આદરભાવ વેદવો, તેમની જે જરૂરિયાત હોય તે પ્રજ્ઞાથી સમજી પૂરી કરવા પ્રયત્નવાન રહેવું, મીઠી શાંતભાષાથી તેમને પ્રત્યુત્તર આપવા, યોગ્ય આસને બેસવું, ગુરુએ કરેલી કરુણા માટે ઉપકારભાવ વેદવો, પોતાની ભૂલ માટે ગુરુ ઠપકો આપે ત્યારે પણ તેમના પ્રતિ કષાયી થવું નહિ, ઇત્યાદિ વર્તના એ ગુરુ પ્રતિના વિનયના સૂચક છે. આમ વિનયવંત થવાથી જીવનો માનભાવ ગળે છે. ‘હું કંઈક છું’, ‘હું કંઈક જાણું છું' એ મિથ્યાભિમાનથી જીવ બચે છે અને સદ્ગુરુના આશ્રયે પોતાનું કલ્યાણ કરવા તે ભાગ્યશાળી થાય છે.
શિષ્ય ગુરુનાં હ્રદયમાંથી બહાર ફેલાતા કલ્યાણભાવને ગ્રહણ કરી પોતાના અશુધ્ધ આત્મપ્રદેશોને શુધ્ધ થવા માટે યોગ્યતા અને પ્રેરણા આપે છે, અવકાશ આપે છે. ગુરુએ બતાવેલાં કાર્ય કરતાં કરતાં તે અહિંસા પાલનને ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચધર્મનો સ્વીકાર કરી સુદૃઢ બનાવે છે, સાથે સાથે તે અનાદિકાળથી પરેશાન કરી રહેલા કષાયોને સંયમિત કરતો જાય છે.
ક્ષમાભાવ એટલે પોતાના આત્મામાં અન્ય આત્માઓ પ્રતિની ક્રોધની, વેરની કે અણગમાની લાગણીને જન્મવા ન દેવી અથવા ઉત્પન્ન થાય તો આત્મામાં ટકવા ન દેવી, એટલું જ નહિ પણ સર્વ જીવનું કલ્યાણ થાય એ ભાવનાને વધારે ને વધારે ઊંડી, ગાઢી અને સક્રિય કરતા જવી. બીજી બાજુ જે પોતાથી દોષ થયા હોય, થતા હોય તેની ઊંડા પશ્ચાત્તાપની લાગણી સાથે શ્રી ગુરુની સાક્ષીએ ક્ષમા યાચવી, અને ફરીથી આવી ભૂલ ન કરવા નિર્ણય કરતા જવો, આ રીતે જીવમાં ક્ષમાભાવ કેળવાય છે. અને તે દ્વારા જગતના જીવોની પોતાથી થતી દૂભવણીથી બચી શકાય છે, બીજા જીવોને દુ:ખી થવાનું નિમિત્ત આપતાં અટકી જવાય છે.
૧૫૦