________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આ પરથી સમજાય છે કે પરને પોતાનું માનવાથી, સ્વને ત્યાગવાથી મુખ્યતાએ માન ઉત્પન્ન થાય છે. આથી માન છોડવા અર્થે પરને પોતાનું માનવું ત્યાગવું ઘટે છે. પદાર્થ છોડવાથી નહિ પણ પદાર્થ પ્રત્યેના મારાપણાના ભાવને છોડવાથી માન જાય છે. પરને પોતાનું માનવું છોડવું એટલે શું? સ્વને સ્વ અને પરને પર જાણી, બંનેને સ્વતંત્ર જાણવાં, તે પદાર્થો પ્રત્યેની મમત્વબુદ્ધિ ત્યાગવી. આ મમત્વબુદ્ધિ ત્યાગવાથી અને રાગાદિમાં હેયબુદ્ધિ કરવાથી માનભાવનો ભંગ થાય છે. અને બાકીનો માનભાવ જ્ઞાન-શ્રધ્ધાનના બળે ઉત્પન્ન થતી આત્મલીનતામાં ઓગળી જાય છે. આથી અન્યત્વ ભાવના માન તોડવા ખૂબ ઉપકારી થાય છે.
ઉત્તમ આર્જવા ક્ષમા અને માર્દવની જેમ આર્જવ પણ આત્માનો સ્વભાવ છે. આત્માના આશ્રયે, છળ, માયાકપટના અભાવરૂપ જે શાંતિ આત્મામાં ઉપજે છે તેને આર્જવ કહે છે. આર્જવ મૂળ સ્વભાવ હોવા છતાં અનાદિથી તેના અભાવરૂપ માયાકષાય આત્મામાં પ્રવર્તે છે.
ઋજુતા અર્થાત્ સરળતાનું નામ આર્જવ છે. સમ્યક્દર્શન સહિત જે સરળતાનો ગુણ અથવા ભાવ તે ઉત્તમ આર્જવ છે. બીજી રીતે તેને વીતરાગી સરળતા કહી શકાય.
આર્જવનું વિપરીત રૂપ તે માયા કષાય. તે કષાયને કારણે આત્મામાં કુટિલતા ઉત્પન્ન થાય છે, તેના વિચાર કંઈક હોય, વાણી તેથી જુદી હોય અને વર્તન ત્રીજા જ પ્રકારનું હોય છે. તે ત્રણેમાં સામ્યતા સામાન્યપણે હોતી નથી. માયાવી જીવ કાર્યની સિદ્ધિ કપટના આધારે કરવા માગતો હોય છે. માયાચારી જીવની પ્રવૃત્તિ પંડિત ટોડરમલજી શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ પ્રકારે વર્ણવે છે, -
“જ્યારે આને માયાકષાય ઉપજે છે ત્યારે છળ વડે કાર્યની સિદ્ધિ કરવાની ઇચ્છા થાય છે. એ અર્થે અનેક ઉપાયો વિચારે છે, અનેક પ્રકારનાં કપટભર્યા વચનો કહે છે, શરીરની કપટરૂપ અવસ્થા કરે છે, બાહ્ય વસ્તુઓને અન્યથા
૧૩૫