________________
કેવળી પ્રભુનો સાથ
બીજી તરફ ચારિત્રમોહના દોષને કારણે કોઈ બહારથી ક્રોધ કરતા જણાય પરંતુ અંતરંગથી તેઓ ઉત્તમ ક્ષમાના ધારક હોઈ શકે છે. ઉદા. કોઈ આચાર્ય કે મુનિ શિષ્યને ઠપકો આપતા હોય, દંડ આપતા હોય અને ઉત્તેજિત થયા હોય તેમ છતાં તેઓ ઉત્તમ ક્ષમાના ધારક હોઈ શકે છે કારણ કે તેમના આત્માપરથી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન કષાયો નીકળી ગયા હોય છે, કલ્યાણભાવ પ્રવર્તતો હોય છે અને તેમને આત્માનો આશ્રય સતત વિદ્યમાન હોય છે. જે આશ્રય તેમને ઉત્તમ ક્ષમા પ્રતિ દોરે છે.
આમ ઉત્તમ ક્ષમાદિ ગુણો બાહ્ય પ્રવૃત્તિના આધારે નહિ પણ અંતરંગ આત્મશ્રદ્ધાન અને કલ્યાણભાવને આધારે પ્રવર્તે છે તે સમજી શકાશે.
અનંતાનુબંધી ક્રોધના અભાવથી ઉત્તમ ક્ષમા પ્રગટ થાય છે, અને અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ક્રોધના અભાવથી તે ક્ષમા ફૂલે ફાલે છે તથા સંજ્વલન ક્રોધનો અભાવ ઉત્તમ ક્ષમાને પૂર્ણતા આપે છે.
દેવગુરુશાસ્ત્ર અને આત્મા પ્રતિની અરુચિ તે અનંતાનુબંધી ક્રોધનું એક રૂપ છે. જ્યારે આપણને કોઈ પ્રતિ ક્રોધ આવે ત્યારે તેનું મોં જોવાની ઇચ્છા થતી નથી, તેની સાથે વાતચીત કરવી પણ ગમતી નથી એ અનુભવાય છે. એ જ રીતે જેમને આત્મદર્શનની રુચિ નથી, જેમને આત્માની વાત કરવી સાંભળવી ગમતી નથી, તે સર્વ અનંતાનુબંધી ક્રોધના વિભાગમાં જાય છે. એમાં આત્મા પ્રત્યેનો અનંત ક્રોધ છે.
આપણે પર સાથેનાં વેરને તોડવા અનેક વાર ક્ષમા આપી ચૂક્યા, અનેક વાર ક્ષમા માગી ચૂક્યા છીએ. એમાં અનંતકાળ જવા છતાં સાચી શાંતિ પ્રગટી નથી. હવે એક વખત તું તારા પોતાના આત્માને ક્ષમા કર, તેની સંભાળ લે, તેનામય થા, તેને પરખ તો સહેજે જ તારામાં ઉત્તમ ક્ષમા પ્રગટશે. આત્માનુભવ ઉત્તમ ક્ષમા મેળવવાનો સદુપાય છે.
૧૨૮