________________
પ્રાક્કથન
ઇ.સ.૧૯૬૫ના સપ્ટેમ્બર માસમાં મારો મહાનિબંધ “શ્રીમદ્ રાજચંદ્ર - એક અભ્યાસ” પૂરો થયો. અને ઇ.સ.૧૯૬૬માં એ મહાનિબંધને મુંબઈ યુનિવરસીટીએ માન્યતા આપી. તે વખતથી પ. પૂ. કૃપાળુદેવ માટેના મારા અહોભાવ અને પૂજ્યભાવ દિનપ્રતિદિન વધતા ગયા. એવા ભાવ વધારે તેવા અનુભવો પણ મને થતા ગયા. તેઓએ નાના આયુષ્યમાં કેટલું મોટું કાર્ય કરેલું છે તેનો અંદાજ મને જેમ જેમ આવતો ગયો, તેમ તેમ તેમનાં જીવનને જાણવાનો, માણવાનો અને અનુભવવાનો મારો અભિલાષ વધતો ગયો. આથી મારા અંતરમાં એક ભાવ સહજપણે વારંવાર થવા લાગ્યો કે, “પ્રભુ! મારે સુધરવું છે, મને સુધારો. મને સંસારથી પાર ઉતારો.”
આ ભાવનું જોર વધતાં ઇ.સ.૧૯૬૮માં વૈરાગ્ય ખૂબ જ વધ્યો. અને આત્માને સંસારનાં પરિભ્રમણમાંથી છોડાવવાના ભાવે બળવાનપણું ધારણ કરવા માંડયું. કૃપાળુદેવ પ્રતિનાં પ્રાર્થના તથા અર્પણભાવ વધવા લાગ્યાં. પરિણામે સંસારી પ્રવૃત્તિઓ કરવાનો રસ ઘટવા લાગ્યો. તેમ છતાં સ્વીકારેલી જવાબદારીઓના કારણે સંસારી પ્રવૃત્તિઓ નિસ્પૃહભાવથી થયા કરતી હતી, અને અંતરંગનો વૈરાગ્ય પણ વધતો જતો હતો. આવા વૈરાગ્યભાવ વધવાનાં કારણે મને કૃપાળુદેવનું જીવન તથા અંતરંગ ભાવો તેમજ વર્તના જાણવાની અને સમજવાની તાલાવેલી ખૂબ ખૂબ રહ્યા કરતી હતી. આથી નવરાશના સમયમાં અને પ્રવૃત્તિકાળમાં પણ અંતરમાં પ્રાર્થના થયા કરતી કે, “પ્રભુ! મને તમારું જીવન સમજાવો. મારે સુધરવું છે, મને સુધારો.” આ પ્રાર્થનાનો જથ્થો અમુક માત્રામાં થયો, ત્યારથી ક્રમે ક્રમે મને તેમના તરફથી તેમનાં જીવન વિશેની અમુક અમુક જાણકારી મળતી ગઈ, અને તેનાથી તેમના તરફના મારા પ્રેમભાવ, પૂજ્યભાવ, અહોભાવ અને અર્પણભાવમાં ભરતી આવતી ગઈ.
xiii