________________
પ્રાર્થના
ભયસંજ્ઞાનો ઉદય થતાં મારો આત્મા જાતજાતના ભયની ભયંકર વેદનાની વચ્ચે સતત ફફડાટ અનુભવે છે. અને જે કષ્ટો હજુ આવ્યાં નથી તેની કલ્પના કરી, તેનું આગમન વિચારી મારો આત્મા સતત ચિંતિત રહે છે, અને કર્મના આશ્રવને નિમિત્ત આપે છે. વાસ્તવિક કષ્ટની ગેરહાજરીમાં પણ આત્મા કષ્ટમાંથી પસાર થતો હોય તેવી વેદના ભોગવે છે. આ અસહ્ય સ્થિતિમાંથી હે જીવનાધાર પ્રભુ! મને મુક્ત કરો. સર્વ પ્રકારનાં દુ:ખથી છૂટવાના ભાવ જ્યારથી બળ કરી રહ્યા છે ત્યારથી આ સ્થિતિ અત્યંત ત્રાસરૂપ થઈ ગઈ છે. મારે તો આપની કૃપાથી સર્વથા નિર્ભય થવું છે. જિનદેવ! મને એવી સન્મતિ આપો કે કોઈ ખોટી વિચારણામાં અટવાઈને મારો આત્મા ભયસંજ્ઞા વધારે નહિ, પૂર્વની ભૂલોનો સતત પશ્ચાત્તાપી રહે, ભૂલોનો ભોગવટો સમર્થતાથી કરવા બળવાન બને અને આપના આશ્રયે સાચું નિર્ભયપણું પ્રગટાવી અન્યને અભયદાન આપવા જેટલો સદ્ભાગી બને. દીનાનાથ! પૂર્વ નિબંધિત કર્મોને સમભાવથી ખપાવવા જેટલું આત્મબળ આપો, સુખ દુઃખની કપોલકલ્પિત માન્યતાથી અલિપ્તપણે આપી સેવ્ય નિર્ભયપણા સુધી પહોંચવા માટે સાનિધ્ય આપી વીર્ય પ્રગટાવવામાં સહાય કરો. પૂર્વ સંચિત સર્વ દોષોની ક્ષમા માગી આપના એ અભયદાનને સાચી શરણાગતિથી સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ.
અશુભ કર્મો હોય તો જ કષ્ટ આવી શકે, તે સિવાય કષ્ટો આવી શકતાં નથી, અને સન્માર્ગે પ્રભુ આજ્ઞાએ વર્તતા રહેવાથી અશુભ કર્મો બંધાતા નથી. આ સમજણને દઢ કરતા જવાથી જીવની ભયસંજ્ઞા તૂટતી જાય છે. બીજી બાજુ અન્ય જીવોને અભયદાન આપવાની ટેવ પાડતાં જવાથી પોતાનું નિર્ભયપણું વધતું જાય છે. શ્રી મહાવીર પ્રભુના વિદ્યમાનકાળે શ્રેણિક રાજા થઈ ગયા, અવળી મતિએ કૃત્યો કરતાં સાતમી તમતમપ્રભા નામક નરકમાં તેંત્રીસ સાગરોપમ સુધીના લાંબા કાળ માટે એકધારા ભયંકર દુઃખો વેદવા પડે તેવું બળવાન કર્મ તેમનાથી બંધાયું. કરેલાં કૃત્યના ભયંકર ફળનો પણ તેમને ખ્યાલ આવ્યો. તેવી સ્થિતિમાં