________________
કેવળી પ્રભુનો સાથ
નિવૃત્તિ જોઇએ છે. અને એ નિવૃત્તિ તમે એ પ્રકારે આપશો કે ત્યારે સંસારમોહ પણ અતિ ક્ષીણ થઈ ગયો હોય, જેથી મારા અંતરમાં કોઈ સંઘર્ષ સંભવે નહિ. નિવૃત્ત જીવનમાં કોઈ પણ પ્રકારનો શૂન્યાવકાશ સર્જાય નહિ. ઘણાં જીવો સંબંધી એવું બને છે કે નિવૃત્તિ લીધા પછી તેઓ પોતાને સાનુકૂળ પ્રવૃત્તિમાં ગૂંથાઈ શકતા નથી અને આર્તધ્યાન સેવી, કુટુંબીજનો તથા સ્નેહીજનો સાથે સંઘર્ષમાં તથા દ્વેષભાવમાં સરી પડે છે. હે કરુણાસાગર! આવી સ્થિતિથી મારું રક્ષણ કરજો. મારે તો એ પ્રકારે નિવૃત્તિ જોઈએ છે કે તે સમયનો હું સ્વપર કલ્યાણાર્થે સદુપયોગ કરી શકું. આ શુભ પ્રવૃત્તિમાં મને શુભ ઋણાનુબંધીઓનો સહકાર પ્રાપ્ત થાઓ કે જેથી તેમના પ્રતિનું ઋણ ચૂકવવા માટે તેમને વિકાસ કરવામાં મદદરૂપ થઈ શકું. ભાવિમાં પ્રાપ્ત થનારી વ્યવહારની નિવૃત્તિ મારી તથા અન્યની આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધારવાના પુરુષાર્થથી ભરપૂર થજો. આ શુભ ભાવના સાકાર કરવામાં મારા પૂર્વના જે જે દોષો અંતરાયરૂપ નીવડે તેમ હોય તે સર્વની પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગી, આપના ચરણારવિંદમાં નમસ્કાર કરી કૃતાર્થ થાઉં છું.” ૐ શાંતિ.
આ સંસારમાં વારંવાર એવું જોવા મળે છે કે જ્યારે જીવનમાં કોઈ તકલીફ ઊભી થાય ત્યારે તેનું શમન કરવા માટે બીજો કોઈ માર્ગ મળે નહિ ત્યારે પ્રભુના શરણે જઈ, જીવ તે કષ્ટથી છોડાવવા પ્રભુને વિનવે છે. પ્રભુનું શરણું લઈ, તેમના દાખવેલા માર્ગે ચાલે છે, અને શ્રદ્ધાથી વિચારે છે કે હવે પછી હું આ માર્ગ ત્યાગીશ નહિ. પરંતુ
જ્યાં એ મુશ્કેલી શમે છે, જીવનની ઉપાધિઓ ઘટે છે ત્યારે જગતનાં અન્ય પદાર્થો, બંધાયેલા પુણ્યને કારણે પોતાની માયા વિસ્તારી તે જીવને લલચાવે છે. તે જીવનું સંસાર પ્રતિનું આકર્ષણ વધારવા વિવિધ સુખ સ્વરૂપે દેખા દઈ જીવને નિમંત્રે છે.. છેવટે તે પદાર્થો જીવ પર આકર્ષણ જમાવી મૂળ માર્ગ છોડાવી લાલચમાં પછાડે છે. આવી સ્થિતિમાં જીવ સ્વછંદી બની અનેક નવાં કર્મોની જાળમાં સપડાય છે. આ ભયસ્થાનને પાર કરવું સન્માર્ગી માટે અત્યંત આવશ્યક છે. કબીરજી કહે છે કે –
૬૮