________________
પ્રાર્થના
લોકોપયોગી પદાર્થ ઘડતાં ઘડતાં આત્માનું ઉકરણ થાય તેવા મંગલકારી ભાવ અને વર્તન આપશો એ જ વિનંતિ સાથે આત્મભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ.
આ પ્રમાણે પોતાના વ્યવસાય અનુસાર જે જે જીવોના સંપર્કમાં આવી તેમને દૂભવવાનું બનતું હોય તે તે જીવોની શ્રી પ્રભુની સાક્ષીએ ક્ષમા માગવાથી, તથા દૂભાએલા આત્માઓનું કલ્યાણ થાય તેવી ભાવના બળવાન કરવાથી જીવનાં પાપકર્મમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વારંવાર આ પ્રાર્થના કરવાથી શુભભાવ તથા શુભપ્રવૃત્તિ કરવા માટેના યોગ અને નિમિત્ત મળતાં રહે છે તેનો ઉપયોગ કરી જીવ બળવાન પુણ્ય ઉપાર્જન કરે છે અને તેને આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ અર્થે વાપરી શકે છે.
વ્યવહારમાં વસીને કર્મનાશ કરવા માટે તથા આત્મશુદ્ધિ વધારવા માટે કેવી કેવી પ્રાર્થનાઓ થઈ શકે તે આપણે જોયું. આ સાથે વ્યવહારથી નિવૃત્ત થઈ આત્મપ્રવૃત્તિ વધારી શકીએ તે માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે. જો નિવૃત્તિ ન આવે તો વ્યવહાર સાચવવામાં જ આયુષ્ય વ્યતીત થઈ જાય અને જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી કષાયના નિમિત્તો છે, અને જ્યાં સુધી તીવ્ર કે મંદ કષાય વર્તે છે ત્યાં સુધી કર્મબંધન સંભવે છે. તે કર્મનિવૃત્તિ કરવા સંસાર સેવવો પડે છે. આમ આત્માર્થે વ્યવહાર નિવૃત્તિ અગત્યની છે. સાથે સાથે એ પણ જરૂરી છે કે મળેલી નિવૃત્તિ પચાવવાની અને આત્માર્થે વાપરવાની શક્તિ પણ જીવમાં પ્રગટવી જોઈએ. શક્તિ વિના આવેલી નિવૃત્તિ જીવનાં શાંતિ અને સમતા ભરખી જાય છે. એ નિવૃત્તિ જીવને બેબાકળો બનાવી આક્રોશ પરિણામમાં લઈ જઈ તીવ્ર બંધનમાં બાંધે છે. આવી સંભવિત સ્થિતિમાં મૂકાવું ન પડે તે માટે પાણી પહેલાં જ પાળ બાંધી લેવી –
“પરમ શાંતરસમાં સદાય નિમગ્ન રહેનાર જિનદેવ! આપને ખૂબ જ શાંત પરિણામને અર્થે વંદન કરું છું. આ સંસારની પ્રવૃત્તિ કરતાં કરતાં અનંતકાળ વ્યતીત થયો છતાં તેનાથી નિવૃત્તિ થઈ નથી, તેની તે જ બંધન પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. આપની કૃપાથી ઉપાધિરૂપ આ જવાબદારીઓમાંથી