________________
કેવળી પ્રભુનો સાથ
આ સર્વ પરથી આપણે તારણ કાઢી શકીએ કે કર્મભૂમિના પ્રત્યેક મનુષ્ય જીવનકાળ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિ કરતા રહી જીવન વ્યતીત કરવાનું હોય છે. ભૂતકાળમાં કરેલી ભૂલો તોડવામાં જેમ પ્રાર્થના સહાયરૂપ થાય છે તેમ ભવિષ્યમાં થવા યોગ્ય ભૂલોને એ જ પ્રાર્થના દ્વારા અટકાવી શકાય છે. વ્યવહારમાં વર્તતી વખતે જે જે સંભવિત ભૂલોનો લક્ષ આવે તે ભૂલોથી બચાવવા જો શ્રી પ્રભુને વિનવવામાં આવે તો શ્રી પ્રભુ કૃપા કરી એ દોષમાં પડતાં અટકાવે છે. તે દ્વારા આરાધકને બહુ મોટો લાભ થાય છે. કર્મભૂમિમાં જીવનના નિર્વાહ માટે વિવિધ વ્યવસાયો કરવામાં આવે છે જેમકે કોઈ વ્યાપારી થાય છે, કોઈ શિક્ષક થાય છે, કોઈ ડોકટર થાય છે, કોઈ ઇજનેર બને છે, કોઈ બાંધકામનું કાર્ય કરે છે, કોઈ દવા બનાવે છે, કોઈ ખેતીનું કાર્ય કરે છે, કોઈ વિવિધ માલસામાન બનાવે છે, કોઈ સોની, લુહાર, દરજી, કુંભાર વગેરેમાંનો કારીગર બને છે, કોઈ ગૃહકાર્ય કરે છે વગેરે. પોતે સ્વીકારેલા વ્યવસાયમાં સુવિધા રહે, વિપ્નો ન આવે તથા છેવટે ઇચ્છવા યોગ્ય એવા મોક્ષસુખને મેળવવાનો પુરુષાર્થ ચાલુ રહે તેવી ભાવનાથી પોતાના વ્યવસાયને અનુરૂપ એવી પ્રાર્થના વારંવાર કરતા રહી જીવ મોટા લાભને મેળવી શકે છે. સ્વીકારેલો વ્યવસાય કરતાં કરતાં આશ્રવ કરતાં સંવર નિર્જરા વધે એ માટે પ્રાર્થના સાથ આપી જીવને ઉત્સાહી કરે છે.
આ પ્રકારે ગર્ભકાળથી આત્માર્થ માટે પોષણ પામતાં પામતાં જ્યારે જીવ નિશ્ચિત વ્યવસાયમાં ઝૂકાવે છે ત્યારે તત્ સંબંધી પાપદોષોથી બચવા પોતે ગ્રહણ કરેલા વિશિષ્ટ વ્યવસાયમાં શુધ્ધભાવ રાખી ઉત્તમ પુરુષાર્થ કરવા શ્રી પ્રભુને તે પ્રાર્થ છે.
અનેક લોકો જીવનનિર્વાહના સાધન રૂપે વ્યાપારને પસંદ કરે છે. છૂટવાની કામનાવાળા પોતાના વ્યાપાર પ્રસંગમાં ન્યાય અને નીતિયુક્ત રહેવા ઇચ્છે છે. પ્રવૃત્તિ કરતાં અલ્પાતિઅલ્પ બંધ થાય તેવી પોતાની વર્તના રખાવવા તેઓ પ્રભુને પ્રાર્થે છે –
“સર્વ કળાઓમાં શ્રેષ્ઠ પ્રભુ! આપને મારા વિનય સહિત વંદન હોજો. આ કર્મભૂમિમાં મારે વેપારનો ઉદય વર્તે છે. મારી વૃત્તિ મુક્ત થવા ભણીની છે,