________________
પ્રાર્થના
વંદન કરું છું. પ્રભુ! મારી ભાવના તો તમારા જેવા સર્વોત્તમ સુખની અનુભૂતિ કરવાની છે. પરંતુ તે સ્થિતિએ પહોંચતા પહેલાં પૂર્વ સંચિત સર્વ સંસારી કર્મોની નિવૃત્તિ કરવી અનિવાર્ય છે, તેમ કરવા માટે જો કુટુંબીઓ તરફથી સાનુકૂળતા મળે તો આ કાર્ય સરળ થાય છે, અને પ્રતિકૂળતા રહ્યા જ કરે તો આવતા વિદનોની પરંપરા આત્માર્થ ચૂકાવી દે એવી સ્થિતિ નિષ્પન્ન થાય. આથી હે શાસનપતિ! મને મારા કુટુંબીજનો તરફથી આત્માર્થ માટે ખૂબ સાનુકૂળતા મળે તેવી કૃપા કરજો .' “પ્રભુજી! મારે જે જીવ સાથે સંસાર સંબંધે જોડાવાનું છે, તેના તરફથી મને સાનુકૂળતા મળે અને તેમને મારા તરફથી પૂરો સંતોષ થાય એવી કૃપા માગું છું. મેં પૂર્વકાળમાં જે જીવ સાથે રાગબંધન કર્યા છે, તેનો યોગ્ય સમયે ઉદય આવે ત્યારે તેનો વિના વિઘ્ન મેળાપ મને કરાવજો. કોઈ ઝાઝી વ્યક્તિ સાથેની મુલાકાત આદિ વિષમ પ્રસંગોથી મને બચાવજો. સાથે સાથે મારે જેની સાથે જોડાવાનું હોય, તેની સાથે જીવનભર શુભ સંબંધ વધતા જાય, અમે એકબીજાને પરમાર્થ અને સંસારે યોગ્ય સાથ આપી શકીએ, એકબીજાને સાચા અર્થમાં સમજીએ, એકબીજાની ગુણવૃદ્ધિ કરવામાં મદદરૂપ બની, પરમાર્થની સાધના સાથે મળી કરી શકીએ એવી કૃપા કરજો. અમારે કુટુંબીજનો સાથે, મિત્રવર્તુળ સાથે કે અન્ય સંબંધીઓ સાથે ક્યારેય અશુભના ઉદય આવે નહિ તે જ માગું છું. હવે મારે કોઈ સાથે અશુભના ઉદય જોતા જ નથી. અને સંસારી ભાવનો ક્ષય કરતાં કરતાં પૂર્ણ આત્મશુદ્ધિ કરવાના મારા પુરુષાર્થને સર્વ ઉદિત પ્રવૃત્તિમાં ફેલાવવો છે. તે માટે હે પ્રભુ! ખૂબ કૃપા કરી સાથ આપજો. આ સર્વ ભાવની પૂર્ણ સફળતા મેળવવામાં જે કોઈ પૂર્વ કર્મ કે ભાવ અંતરાય કરે તેમ હોય તે સર્વની ક્ષમા માગું છું, પશ્ચાત્તાપ કરી વિનંતિ કરું છું કે સર્વાગી કલ્યાણ કરવામાં અને મળેલા મનુષ્ય જન્મને સફળ કરવા માટે મારા પર ખૂબ આશીર્વાદ વરસાવજો. એ માટે ખૂબ ખૂબ આભાર માની ભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ.
૫૯