________________
પ્રાર્થના
મારાં વર્તમાન જીવન પર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે જીવનમાં ચોતરફથી અશાંતિ વરસી રહી છે. કુટુંબના સભ્યો સાથે વેરનાં ઉદયો ભોગવતાં ખૂબ બેચેની ભોગવવી પડે છે. તેમના પ્રત્યે હિતબુદ્ધિથી કરેલાં કાર્યો પણ અશાંતિ ઉત્પન્ન કરનારા નીવડે છે. પ્રભુ! આ સર્વથી મારું રક્ષણ કરો. હું તમારા જ શરણે છું. તે સહુ જીવોને મારા આત્માએ જે કંઈ પીડા પહોંચાડી હોય તેની પશ્ચાત્તાપપૂર્વક આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. મારાં તે સર્વ પાપકર્મોનો ક્ષય કરાવવામાં ઉપકારી થાઓ. તેઓ સાથેના અશુભ બંધને શુભમાં પલટાવવા માટે યોગ્ય પુરુષાર્થ કરવા મને ઉત્સાહ આપો. મારી સહનશક્તિ વધારવા મને મદદ કરો. મારા શુભ ભાવને એટલા પ્રબળ બનાવો કે ઉદિત અશુભકર્મો મારા આત્માની સ્થિરતાને ચલિત કરવામાં સફળ થાય નહિ. તે સહુ જીવોના કલ્યાણના ભાવ હું આત્માથી સેવી શકું એવી હિતબુદ્ધિ મને આપો. મારે હવે જગતના કોઈ પણ જીવ સાથે અશુભ સંબંધ જોઈતા નથી, તેથી મને હૃદયમાં એવો પશ્ચાત્તાપ આપો કે તેની જ્વાળામાં સર્વ અશુભ કર્મો જલી જાય, શેષ રહ્યાં જે કંઈ ઉદયમાં આવે તે સહુને સમભાવે નિવૃત્ત કરવા હું ભાગ્યશાળી બનું. અત્યાર સુધી આપે કરેલી સર્વ પ્રકારની સહાય માટે આપનો ખૂબ ખૂબ ઉપકાર માની આપને ભક્તિ સમેત વંદન કરું છું.” ૐ શાંતિ.
જે પાપકર્મના કારણે કષ્ટ આવ્યું છે તે પાપકર્મની ક્ષમા માગવાથી જીવને હળવાશનો અનુભવ થાય છે. અને એ પ્રકારના દોષ ફરીથી ન થાય તે માટેની સાવચેતી રાખવા તે તત્પર થાય છે. પ્રાર્થનાના સમય દરમ્યાન જીવ આર્તધ્યાનથી છૂટી સમભાવ વેદે છે તેથી નવા બંધાતા કર્મનું મંદપણું થાય છે. આ પ્રમાણે પોતાની કે સ્વજનની માંદગી, ધનની તકલીફ, સામાજિક કે રાજકીય મુશ્કેલી, કૌટુંબિક અશાંતિ, ભાગીદારો સાથે અણબનાવ, મિત્રો સાથેના સંઘર્ષ, વગેરે વેરના વિષચક્રમાંથી જાગતી કષ્ટમય દશામાંથી પસાર થવાનો પ્રસંગ આવે ત્યારે તેની નિવૃત્તિ માટે સહૃદય પ્રાર્થના, કરેલા પાપકૃત્યોની ક્ષમાપના અને આત્મરમણતામાં લઈ જતું સ્મરણ એ
૪૯