________________
પ્રાર્થના
કર્મના ભોગવટા વખતે પશ્ચાત્તાપ સહિતની પ્રાર્થના સકામ નિર્જરાને બળવાન કરે છે અને દુ:ખકાળ ઘટતો જાય છે. આ પ્રકારે પ્રાર્થનાથી થતા ફાયદા જાણનાર શ્રી પ્રભુને શરણે જઈ વિનવે છે કે –
“હે દીનબંધુ! દીનદયાળ! આપને મારા કોટિ કોટિ વંદન હોજો. આંતરબાહ્ય સમૃદ્ધિની મધ્યમાં વસવા છતાં જળવાતી આપની વીતરાગતાને ધન્ય છે. એ વીતરાગતાના અનુસંધાનમાં આવતી અદ્ભુત શાતા મારા આપના માટેના આકર્ષણનો મુખ્ય વિષય છે; કારણ કે વર્તમાનમાં મને અત્યંત અશાંતિ પ્રવર્તી રહી છે. હું હાલમાં ધનના અભાવરૂપ અતિ કષ્ટભરી અવસ્થામાંથી પસાર થાઉં છું, તે આપથી અજાણ્યું નથી. તે સંબંધી વિચારણા તથા વિટંબણા મારા દુઃખમાં સતત વધારો કરતાં રહે છે. હે જગસ્વામી! આ સ્થિતિમાં મારું રક્ષણ કરો. આવેલી અનિચ્છિત દશાથી મુક્ત થવામાં મને સહાય કરો, કારણ કે અશુભ ઉદય તથા ભાવોની વચ્ચે પીસાતો મારો આત્મા આ ભવ તથા ભાવિ ભવ બંને માટે દુ:ખની પરંપરા ખડી કરે છે. મને સમજાય છે કે પૂર્વકાળમાં અજ્ઞાનવશ ઉન્મત્ત બની, સ્વચ્છેદથી વર્તી મેં કેટલાય જીવોના ધનભાગ્યનો ક્ષય કરવા પ્રવૃત્તિ કરી હશે, અંતરાયો નાખ્યાં હશે, જેનાં ફળરૂપે આ ભવે નિર્ધનાવસ્થાની દારુણ વેદના મારે ભોગવવી પડે છે. તે સર્વ પીડિત આત્માઓની આપની સાક્ષીએ પ્રબળ પશ્ચાત્તાપ સાથે ક્ષમા માગું છું. તથા તે સહુ પીડિત આત્માઓ આપની કૃપાથી શાંતિ તથા શાતા વેદે એવી પ્રાર્થના કરું છું. મારા આ દુઃખદાયક કર્મથી નિવૃત્ત થવાના પુરુષાર્થને સાથ આપો. વર્તમાન ભવે જે જે જીવો મારી પીડા જોઈ ખુશ થાય છે તે જોઈ મારી આવી પૂર્વ વર્તનાનો મને લક્ષ થાય છે, તેના પશ્ચાત્તાપથી મારું મસ્તક ઝૂકી પડે છે. હવેથી આવા પ્રકારનું અણછાજતું વર્તન હું કરું નહિ તેવી સબુદ્ધિ મને આપશો. સહુને પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થવા નિમિત્ત આપી સન્માર્ગે વાળજો એ જ વિનંતિ કરું છું. જે જે જીવો પર મેં વેરવૃત્તિ કરી હોય તેમને એટલાં સુખ અને શાંતિ આપજો કે
૪૫