________________
પ્રાર્થના
પ્રાર્થના સાથે ક્ષમાપના, મંત્રસ્મરણ, શાસ્ત્રવાંચન, ધ્યાન, તપ વગેરે અનેક સાધનો આત્મશુદ્ધિનાં કાર્યમાં બળવાન સાથીદાર બની રહે છે તે ભૂલવા યોગ્ય નથી.
અહીં સુધી પરમાર્થ માર્ગે થતી પ્રાર્થના, તેની જરૂર, તેની સફળતા આદિનો આપણે વિચાર કર્યો. તેના પરથી કોઈ એવું તારણ કાઢે કે માત્ર આત્માર્થે જ પ્રાર્થનાઓ ઉપકારી છે. તો તે તેમ નથી. સંસારમાં ઘણી વખત જોવા તથા અનુભવવા મળે છે કે સંસારના બળવાન વિક્ષેપો જીવને પરમાર્થમાર્ગમાં ખૂબ વિન્ન કરે છે, એવી સ્થિતિમાં એ જ પધ્ધતિ અનુસાર પણ થોડા જુદા સ્વરૂપની પ્રાર્થના કરતા રહેવાથી સંસારકષ્ટમાં ઘણી રાહત થાય છે, તેવા પરચા વારંવાર અનુભવવા તથા જોવા મળે છે. સંસારની કેટલીક કષ્ટકારી સ્થિતિમાં કઈ રીતે પ્રાર્થના કરી શકાય તે વિચારીએ.
સંસારી જીવ પરમાર્થબાજુ વળે છે તે પહેલાં પૂરેપૂરો સંસારીભાવમાં રત હોય છે, અને અનેક ભૂલો રોજિંદા જીવનમાં કરતો જ હોય છે, તેમાંની કેટલીક ભૂલો ભોગવાઈ ગઈ હોય છે, અને ઘણી ભૂલો બાકી રહી હોય છે, ઉપરાંત જૂની ભૂલો ભોગવતાં નવાં આર્ત પરિણામ કરી અનેક નવાં કર્મ બાંધતો હોય છે, તે બધું જ તેને ભોગવવાનું બાકી રહ્યું હોય છે. સંસારરત જીવોને તો જૂનાં કર્મનાં શાતાઅશાતા વેદના અને નવાં કર્મ ઉપાર્જવા એવો ક્રમ ચાલ્યા કરતો હોય છે. તેનાથી તો સંસાર અવિરતપણે ચાલ્યા કરે છે. પરંતુ જીવ સંસારીભાવથી છૂટી પરમાર્થ તરફ વળવાનો પ્રયત્ન શરૂ કરે છે ત્યારે પૂર્વની બધી સંસારી ભૂલો પણ પરમાર્થ વિકાસમાં આડી દિવાલ બનીને ઊભી રહે છે, કારણ કે સંસારીભાવથી બંધાયેલી અને બંધાતી અંતરાય તથા અશાતાવેદનીય ભોગવ્યા વિના જીવનો છૂટકો થતો નથી. આથી આ સંસારીભાવના જાણે તેને કહેતી હોય છે કે, “હે જીવ! અત્યાર સુધી મારામાં પ્રીતિ કરી, હવે તું મને કેમ છોડી જાય છે! જો ! તારા માટે મેં કેટકેટલા શાતાકારી ભોગ ઉપભોગના સાધનો તૈયાર કર્યા છે! છતાંય તું માનતો નથી? તો લે લેતો જા. તેં બાંધેલી આસક્તિના ફળરૂપે તને એક પછી એક વિટંબણામાં ફસાવું છું; અને જોઉં છું કે તું મારા પાશમાંથી કેવી રીતે છટકી શકે છે! તારી કરેલી ભૂલોની પહેલાં તું ચૂકવણી કર, પછી જ તને જવા દઈશ. ત્યાં સુધી તારી ખેર નથી.” અને તેણે કરેલી સંસારની આસક્તિના ફળરૂપે
૩૯